VADODARA : પાલિકાએ સામાનના 10 ગણા વધુ ભાવ ચૂકવ્યા, રૂ. 3.17 કરોડની ખરીદી શંકાના દાયરામાં
- વડોદરા પાલિકાની ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું
- ફાયર વિભાગે ખરીદેલા સામાનમાં મોટી ગોબાચારી આચરાઇ
- સાવ સસ્તી વસ્તુઓના ઉંચા ભાવ ચૂકવાયા, કમિશનરે આપ્યા તપાસના આદેશ
VADODARA : વડોદરા મહાનગર પાલિકાના (VMC - VADODARA) ફાયર વિભાગ (FIRE DEPARTMENT PURCHASE) દ્વારા તાજેતરમાં જરૂરી સામાનની ખરીદી કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગની વસ્તુઓની બજાર કિંમત કરતા 10 ગણા વધુ ભાવની ચૂવકણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ખરીદીનો આંક રૂ. 3.17 કરોડ છે, જે હવે શંકાના દાયરામાં આવ્યું છે. સાથે જ ચપ્પુ, પાણીની બોટલ અને મચ્છરદાની સહિતની કિંમતો એક સરખી જ દર્શાવવામાં આવી છે. આ એક સુનિયોજિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પ્રબળ લોકચર્ચાઓ ચાલી રહી છે.
ત્રણેય વિભાગોને સજ્જ કરવામાં આવ્યા હતા
વડોદરા પાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરની હાજરીમાં ચોમાસા ટાણે તંત્રની તૈયારીઓ દર્શાવતું પ્રદર્શન યોગ્યું હતું. આ પ્રદર્શનમાં ત્રણેય વિભાગ સંયુક્ત રીતે પૂર અથવા આફત સમયે કેવી રીતે લોકોની મદદ કરી શકે, તે અંગેના સાધનો દર્શાવાયા હતા. સાથે જ ત્રણેય વિભાગોને સજ્જ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં મુકવામાં આવેલા કેટલાક સાધનો નવા હતા. જેને બજાર કરતા ઉંચા ભાવે ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ માટે કરવામાં આવેલી રૂ. 3.17 ની ખરીદી હવે શંકાના દાયરામાં આવી છે.
પાલિકાની લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો
પાલિકા દ્વારા ઇમર્જન્સી વ્હીસલ (સિસોટી) ના રૂ. 3,238 ચૂકવ્યા છે, જ્યારે તેનો બજાર ભાવ રૂ. 280 છે. બીજી તરફ પાલિકાએ પાણીના બોટલ માટે રૂ. 3639 ચૂકવ્યા છે, જ્યારે તેની બજાર કિંમત રૂ. 1400 છે. પાલિકાએ પોકેટ નાઇફના રૂ. 3639 ચૂકવ્યા છે, જ્યારે તેની બજાર કિંમત રૂ. 275 છે. આવી જ રીતે એલઈડી ટોર્ચ, સોલાર પેનલ, સેફ્ટી ગ્લવ્ઝ, ગેસ લાઇટર, સેફ્ટી હેલમેટ, મલ્ટી પર્પઝ ટૂલ, ટૂલકીટની ખરીદી ઉંચા ભાવે કરવામાં આવી છે. જેને પગલે પાલિકાની લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, આ મામલે મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અને તપાસના અંતે કસુરવારો વિરૂદ્ધ કાર્યવાહીની બાંહેધારી આપવામાં આવી છે.
આ પણ વાંચો ---- VADODARA : ગ્રામ્ય પોલીસે રૂ. 3.01 કરોડની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું


