VADODARA : ચોમાસા પૂર્વે તરાપાની ખરીદી બાદ તરવૈયાની ભરતી કરાશે પાલિકા
VADODARA : વડોદરા (VADODARA) માં પૂર નિવારણ માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT - VADODARA) ની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી વચ્ચે પાલિકા દ્વારા તાજેતરમાં 200 તરાપાની ખરીદી કરવામાં આવી છે. જેને ઝોન દીઠ 50 લેખે વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ બાદ પાલિકા તંત્ર દ્વારા 200 જેટલા તરવૈયાની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ચોમાસા પૂર્વે તરવૈયાઓની ભરતી કરવા માટે પાલિકા તંત્ર સજ્જ બન્યું છે.
નિવેદન સામે માછલા ધોવાયા હતા
વડોદરા પાલિકાના પૂર્વ કમિશનર દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખીને 200 તરાપાની ખરીદી કરાવી હતી. આ ખરીદી ડાયરેક્ટ કરાવી હોવાના કારણે તેની સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યાર બાદ પાલિકાના નવા નિમાયેલા કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા સ્થાયી સમિતિમાં ચાર માસ માટે 200 જેટલા તરવૈયાની ભરતી કરવા અંગેની દરખાસ્ત રજુ કરી છે. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પૂર બાદ સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને તરાપા અને દોરડા વસાવી લેવાની સલાહ આપવામાં આવી હતી. આ નિવેદન સામે માછલા ધોવાયા હતા. જો કે, હવે પાલિકા તંત્ર તેમની સલાહને આડકતરી રીતે અનુસરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
પૂરની પરિસ્થિતી ના સર્જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીશું
વડોદરામાં વિતેલા વર્ષે વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. જેનું ફરી પુનરાવર્તન ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવા માટે પાલિકાની મશીનરી દિવસ-રાત કામ કરી રહી છે. આ વચ્ચે પાલિકાના નવ નિયુક્ત કમિશનર અરૂણ મહેશ બાબુએ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે પૂરની પરિસ્થિતી ના સર્જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીશું તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસિક વારસાની જાળવણી માટે હેરિટેજ વિભાગની રચના કરવાનું સૂચન


