VADODARA : 'મને રોડ પર લાવી દીધી', રોજગાર છીનવાતા મહિલાનો આક્રંદ
VADODARA : આજરોજ વડોદરા પાલિકા દ્વારા શહેરના જેતલપુર રોડ પર સ્વાગત રેસ્ટોરેન્ટની ગલીમાના દબાણો દુર કરવામાં આવ્યા છે. જેમાં 40 વર્ષથી લોન્ડ્રી સર્વિસ ચલાવતી મહિલાએ પોતાની રોજગારી ગુમાવી છે. જેને પગલે મહિલાની આંખમાં આંસુ હતા. આખરે મહિલાએ મીડિયા સમક્ષ રડતી આંખે પોતાની વ્યથા રજુ કરી હતી. (VMC REMOVE ENCROACHMENT IN JETALPUR AREA - VADODARA)
સ્વાગત રેસ્ટોરેન્ટની ગલીમાં દબાણો દુર કરવામાં આવ્યા
વડોદરા પાલિકા દ્વારા સામાન્ય રીતે મુખ્ય માર્ગ પરના દબાણો દુર કરવામાં આવે છે. મુખ્યમાર્ગથી અંદરના રસ્તા પરના દબાણો પર ભાગ્યેજ તવાઇ આવતી હશે. આજે પાલિકા દ્વારા જેતલપુર રોડ પર આવેલી સ્વાગત રેસ્ટોરેન્ટની ગલીમાં દબાણો દુર કરવામાં આવ્યા છે. જેમાં એકલવાયું જીવન જીવતી મહિલાની લોન્ડ્રીની લારી પણ દુર કરવામાં આવી છે. મહિલાનો રોજગાર છીનવાઇ જતા તે રડી પડ્યા હતા.
હું જીવી ખાઉં છું તો જીવવા દો
અરૂણાબહેને આંખોમાં આંસુ સાથે વાત કરતા જણાવ્યું કે, હું સ્વાગત રેસ્ટોરેન્ટની ગલીમાં ઝાડ નીચે લોન્ડ્રી ચલાવતી હતી. હું 40 વર્ષથી અહિંયા કામ કરુું છું. આજસુધી આવી હાલત થઇ નથી. હું એકલી વિધવા મહિલા છું, અને કામ કરીને ખાઉં છું. આજે સવારે તેમણે આવીને કહ્યું તોડી નાંખો, બધુ ખોલી નાંખો. આ તોડીને તેઓ મારી લારી લઇ ગયા હતા. મારા પતિનું દેહાંત થઇ ગયું હતું. હું રોજ 15 લોકોના કપડાં લાવીને કામ કરતી હતી. મારૂ ગુજરાન આના પર જ ચાલે છે. તેમણે અંદરની સોસાયટીમાં શું લાગે-વળગે. હું જીવી ખાઉં છું તો જીવવા દો. આમાં અમે શું કરી શકીએ, એક માણસ કમાવવાવાળું હોય તે ઝીંદગી કેવી રીતે જીવી શકે તે વિચારવું જોઇએ.
પૂર આવ્યા બાદ બે પાવતી ભરી શકી નથી
વધુમાં મહિલાએ જણાવ્યું કે, હું કોર્પોરેશનની રૂ. 500 પાવતી ભરું છું. પૂર આવ્યા બાદ બે પાવતી ભરી શકી નથી. મારી જગ્યા રોડની અંદર અને ઝાડની નીચેના ભાગે છે, તેમાં તેમને શું નડે છે ? તે લોકો મોટી મોટી વાતો કરે છે, પરંતુ તેમણે એક મહિલાને આજે રોડ લાવી દીધી છે. અમારા પૈસા ભર્યા બાદ પણ તેમને શું જોઇએ છે, અમને શાંતિથી જીવવા દો.
આ પણ વાંચો --- VADODARA : રાત્રે ઘરે જતા વેપારી લૂંટાયા, ઝાડીમાંથી આવેલા શખ્સો તુટી પડ્યા


