VADODARA : ભાજપના નેતાનો ફાયદો કરાવતી દરખાસ્તથી વિવાદ
- કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા ગજાના નેતાને ફાયદો કરાવવાનો કારસો
- 15 મીટરનો રોડ પહોળો કરીને બાંધકામ માટેની પરવાનગી ખુલ્લી કરવા તરફ સંકેતો
- સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય દ્વારા આ કાર્યનું સૂચન કરવામાં આવ્યું
VADODARA : વડોદરા (VADODARA) શહેરના માંજલપુર (MANJALPUR) સરસ્વતી કોમ્પલેક્ષ સુધીના 15 મીટરના રોડને 24 મીટરનો (ROAD WIDENING PROPOSAL) કરવા અંગેની ટાઉન પ્લાનીંટ સમિતીમાં દરખાસ્ત આવતા વિવાદ સર્જાયો છે. ભાજપના જ એક નેતાની (BJP LEADER) જમીનને ફાયદો કરાવવા માટે આ દરખાસ્ત મુકવામાં આવી હોવાની વાત પાલિકામાં પ્રબળ વહેતી થઇ છે. સુત્રોએ ઉમેર્યું કે, દોઢ વર્ષ પહેલા આ દરખાસ્ત અંગે નાણઆંની લેવડ-દેવડના આરોપો થતા કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.
સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય દ્વારા સૂચન કરવામાં આવ્યું
વડોદરા પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીમાં માંજલપુરના જાણીતા સરસ્વતી કોમ્પલેક્ષથી લઇને અલવાનાકા સુધી 15 મીટરનો રોડ પહોળો કરીને 24 મીટર કરવા માટેની દરખાસ્ત આવી છે. દરખાસ્ત અનુસાર, માંજલપુર ટીપી 19 વર્ષ 1988 થી મંજુર કરવામાં આવી છે. જેમાં દરખાસ્ત મુજબ સરસ્વતી કોમ્પલેક્ષથી અલવાનાકા સુધીનો રોડ 15 મીટરનો છે. જેને 24 મીટરનો કરવા માટે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. સુત્રોએ ઉમેર્યું કે, અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા નેતાની આ રોડ પર જમીન આવેલી છે. આ સૂચન તેમને વધારે ફાયદો કરાવે તેવું હોવાથી મુકવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નાણાંની લેવડ દેવડના ગંભીર આરોપો સપાટી પર આવ્યા હતા
સુત્રોએ ઉમેર્યું કે, 15 મીટરના રોડ પર બાંધકામ માટેની પરવાનગી મળી શકે તેમ નથી. જેથી રોડને 18 કે 24 મીટરનો કરવા માટેની તૈયારીઓ દોઢ વર્ષ પહેલાથી કરાઇ ચૂકી છે. તે સમયે આ દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટી સમક્ષ મંજુર કર્યા બાદ સ્થાયી સમિતિમાં મોકલવામાં આવી હતી. પરંતુ આ કામ માટે નાણાંની લેવડ દેવડના ગંભીર આરોપો સપાટી પર આવતા તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુ એક વખત આ દરખાસ્ત પાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીમાં મુકાતા ફરી વિવાદ સપાટી પર આવ્યો છે.
......તો અનેકના દબાણો તુટશે
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુરના સરસ્વતી કોમ્પલેક્ષથી અલવાનાકા તરફનો રસ્તો 15 મીટરથી 24 મીટરનો કરવાના કામ દરમિયાન અનેકના દબાણો તુટશે. જે પૈકી કેટલાક ભાજપના સંગઠનના હોદ્દેદારોના જ દબાણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરખાસ્ત અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.
આ પણ વાંચો --- VADODARA : SMC ની રેડમાં રૂ. 2.44 કરોડનો દારૂ પકડાતા PI સસ્પેન્ડ, ACP ને તપાસ સોંપાઇ


