VADODARA : VMCના એક નિર્ણયે અનેકને ઘરે બેસવા મજબુર કર્યા
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ના વ્હીકલ પુલમાં કામ કરતા ડ્રાઇવરો કામ કરવાનો વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે, પરંતુ તેઓ શિક્ષણની દ્રષ્ટિએ ઘણા પાછળ છે. આજરોજ અચાનક પાલિકા દ્વારા ધો - 10 પાસ ના હોય તેવા ડ્રાઇવરોને (10 TH, FAIL DRIVER - VMC, VADODARA) કામ પર નહીં રાખવાના નિર્ણયની જાહેરાત કરીને તેન લાગુ કરતા અનેક પરિવારોની રોજીરોટી પર સંકટ આવી જવા પામ્યું છે. ત્યારે છુટા કરી દેવાયેલા ડ્રાઇવરો દ્વારા એકત્ર થઇને આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો છે. અને પરિવારોની રોજીરોટીને ધ્યાને રાખીને તેમને પરત લેવા માટેની માંગ બુલંદ કરી છે.
80 ટકા ડ્રાઇવરો અને તેમના પરિવારો રખડી જાય તેવી સ્થિતી
આજે વર્ષ 2025 નો પહેલો દિવસ છે. આજના દિવસની શરૂઆત કેટલાક લોકો માટે સેલીબ્રેશનથી થઇ હતી. પરંતુ તે બધાયના નસીબમાં હોતું નથી. પાલિકાના વ્હીકલ પુલમાં કામ કરતા ડ્રાઇવરો માટે આજની સવાર નોકરી પરથી છુટા કરી દેવાથી થઇ છે. કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક ધો - 10 પાસ ને જ ડ્રાઇવર તરીકે રાખવાનો નિયમ જાહેર કરીને તેની અમલવારી કરતા હવે 80 ટકા ડ્રાઇવરો અને તેમના પરિવારો રખડી જાય તેવી સ્થિતી સર્જાઇ છે. જેની સામે કાઢવામાં આવેલા તમામ ડ્રાઇવરો દ્વારા એકત્ર થઇને શાંતિપૂર્વક રીતે તમામને પરત લેવા માટેની માંગ મુકવામાં આવી છે.
અનુભવી, પણ અભણ ચાલકોને ગાડી પર ચઢવા દેવામાં આવ્યા નથી
યુનિયન પ્રેસીડેન્ટ જયેશ સોલંકીએ મીડિયાને જણાવ્યું કે, પાલિકા દ્વારા નવા વર્ષે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેની આજે સવારે જાણ કરવામાં આવી છે. કહ્યું કે, જે 10 પાસ હશે, તેને જ ડ્રાઇવરમાં લેવામાં આવશે. બીજા કોઇને લેવામાં નહીં આવે. જેના કારણે ગાડી ચલાવવામાં અનુભવી, પણ શિક્ષણમાં અભણ ચાલકોને ગાડી પર ચઢવા દેવામાં આવ્યા નથી. અમારે ત્યાં કામ કરતા 80 ટકા જેટલા ડ્રાઇવરો ધો- 10 નાપાસ છે. તેની પાસે અનુભવ બહોળો છે. શહેરમાં કોઇ પણ આફત આવી, ત્યારે આ જ ચાલકો દ્વારા મદદ પહોંચાડવામાં આવતી હતી. ત્યારે ડ્રાઇવર પાસે માત્ર અનુભવ મંગાતો હતો. નવા વર્ષે હવે ધો - 10 પાસ માંગે છે. જે નથી તેમને કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરવામાં આવ્યા છે. અમારી માંગ છે કે, ડ્રાઇવરો 21 વર્ષથી શહેરની સેવા કરી રહ્યા છે. તેનાથી તેમના ઘર ચાલે છે. તમારા એક નિર્ણયથી અનેક પરિવારોનું ભરણ-પોષણ છુટી રહ્યું છે. જુના ડ્રાઇવરોને કામ પર પરત લેવામાં આવે તેની અમારી માંગ છે.
આ પણ વાંચો -- VADODARA : વાહન અકસ્માતમાં મૃત્ય આંક ઘટ્યો, 12 બ્લેક સ્પોટ ઓળખાયા


