VADODARA : વોર્ડ નં - 1 માં દુષિત પાણીને પગલે રોગચાળો વકર્યો
VADODARA : વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 1 માં પાલિકા (VMC - WARD, 1) દ્વારા નાગરિકોને પહોંચાડવામાં આવતું પીવાનું પાણી દુષિત પહોંચાડવામાં આવતું હોવાના કારણે નાગરિકો પાણીજન્ય તથા ચામડીના રોગોનો શિકાર થઇ રહ્યા છે. જેથી નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ચોખ્ખુ પાણી પહોંચાડવા માટેની જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે. વિસ્તારમાં આશરે 7 જેટલા ઠેકાણે આ પ્રકારે દુષિત પાણી આવતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુ એક સનસનીખેજ કિસ્સો સપાટી પર આવ્યો
વડોદરાના શહેરવાસીઓને પીવાનું પાણી પહોંચાડી શકાય તેટલા પર્યાપ્ત સ્ત્રોત પાલિકા પાસે ઉપલબ્ધ છે. પરંતુ તેના મેનેજમેન્ટમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. આ વાતની પ્રતિતિ નાગરિકોને વર્ષ દરમિયાન થતી રહે છે. આવો જ વધુ એક સનસનીખેજ કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના વહીવહી વોર્ડ નં - 1 માં આવતા નવાયાર્ડ, લાલપુરા ગામ, ભીલચાલ, કુમારચાલ, રામેશ્વરચાલ, જુની-નવી રામવાડી, સરસ્વતીનગર, રસુલજીની ચાલ વગેરેમાં પાલિકા દ્વારા પીવાના દુષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સંકલનના અભાવે વહીવટી તંત્રની કર્મચારીઓ પર પકડ નથી
જેના કારણે વિસ્તારના નાગરિકો પાણીજન્ય અને ચામડીના રોગોના શિકાર થયા છે. પત્રમાં મુકેલા આરોપ અનુસાર, ઝોન અને વિતરણ શાખાના સંકલનના અભાવે વહીવટી તંત્રની કર્મચારીઓ પર પકડ નથી. જેથી રોજે રોજ જે કામગીરી થવી જોઇએ તે થતી નથી. જેને પગલે જો નાગરિકો પાણીજન્ય રોચચાળામાં ફસાયા અથવા તો કોઇ મોટો રોગચાળો ફાટી નીકળ્યો અને જાનહાની થશે, તો તેના જવાબદાર આપ (મ્યુનિસિપલ કમિશનર, વડોદરા) રહેશો. જેથી તાત્કાલિક ધોરણે નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ સાથે પુષ્પાબેન વાઘેલાએ વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખીને જાણ કરી છે.
તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું
16, જાન્યુઆરીના રોજ આ પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખવામાં આવ્યો છે. હવે આટલો ગંભીર મામલો ઉજાગર થયા બાદ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : રોડ પર ઝડપનો કહેર વર્તાવતા બાઇકર્સ ઝબ્બે


