VADODARA : મગરની હાજરી વચ્ચે આડાશ મુકીને પાણીની લાઇનમાં સમારકામ
VADODARA : વડોદરાના કારેલીબાદ વિસ્તારના સાધનાનગર, નાગરવાડા, નવીધરતી અને ભૂતડીઝાંપા સહિતના વિસ્તારમાં રહેતા 25 હજાર લોકોને વિતેલા પખવાડિયાથી ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે. જેની ફરિયાદો ઉઠતા તપાસ કરવામાં આવી હતી. દરમિયાન વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ થયાનું સામે આવ્યું હતું. આ ભંગાણ વાટે આશરે 3 કરોડ લિટર પાણી વેડફાઇ ગયું હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. (VMC FAIL WATER MANAGEMENT IN SUMMER, RISKY LINE LEAKAGE REPAIRING - VADODARA)
ભંગાણ વાટે વિતેલા 15 દિવસમાં 3 કરોડ લિટર પાણી વેડફાઇ ગયું
વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત છે. પરંતુ પાલિકાનું તંત્ર તેની જાળવણીમાં ઉણું ઉતરી રહ્યું છે. અને આ વાતની સાબિતી અવાર-નવાર સામે આવતી રહે છે. તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં અનેક જગ્યાઓએ પીવાના પાણીની બુમો ઉઠી રહી હતી. તે અંગે તપાસ કરતા વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ હોવાનું સામે આવ્યું હતું. આ ભંગાણ વાટે વિતેલા 15 દિવસમાં 3 કરોડ લિટર પાણી વેડફાઇ ગયું હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.
કામગીરી સમયે ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથે મદદમાં રહેશે
આ લિકેજનું રીપેરીંગ કાર્ય પાલિકા માટે પકડાર સમાન છે. જ્યાં લિકેજ થયું છે, તે વિશ્વામિત્રી નદીની આસપાસ મગરની હાજરી જોવા મળે છે. આ કામગીરી સરળતાથી કરી શકાય તે માટે બેઝ લાઇન પર નવી લાઇન મુકીને તેનું જોડાણ આપનાર છે. આ સાથે જ નદીના પટમાં રસ્તો બનાવવામાં આવ્યો છે. મગરથી બચવા પતરાંની આડાશ કરવામાં આવનાર છે. આ કામગીરી સમયે ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથે મદદમાં રહેશે. હાલમાં કારેલીબાગ ટાંકીથી કાસમઆલા તરફના રોડ પર નાંખેલી નવી લાઇનને સ્કાવરિંગ કરીને તેનાથી પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જોડાણ ખોટું આપી દેવાના કારણે લોકો પાણી વિના ટળવળે તેવી સ્થિતી
બીજી તરફ પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રક્ટરોનું ભોપાળુ સામે આવ્યું છે. તાજેતરમાં ભૂપડીઝાંપના કાસમઆલા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે રૂ. 1.75 કરોડના ખર્ચે પાણીની નવી લાઇન નાંખવામાં આવી હતી. જો કે, આ લાઇનનું જોડાણ ખોટું આપી દેવાના કારણે લોકો પાણી વિના ટળવળે તેવી સ્થિતી સર્જાઇ હતી. બાદમાં તપાસ કરતા હકીકત સામે આવી હતી. જે બાદ ભૂલ સુધારવાની કામગીરી તંત્રએ યુદ્ધના ધોરણે હાથ ધરી છે.
આ પણ વાંચો --- Gujarati Top News : આજે 4 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


