VADODARA : વાઘોડિયાની ખાનગી યુનિ.ની બસ કાંસમાં ખાબકી
VADODARA : વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં આવેલી જાણીતી ખાનગી યુનિવર્સિટીની બસ કાંસમાં ખાબકી (WAGHODIA PRIVATE UNIVERSITY BUS TURNED ROADSIDE - VADODARA) છે. સવારે વિદ્યાર્થીઓને યુનિ.માં લઇ જતી બસના ચાલકે વડોદરા ગ્રામ્યના સર્કિટ હાઉસ પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનામાં બસ ચાલક સહિત બે વિદ્યાર્થીનીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ આખે આખે કાંસમાં ઉતરી ગઇ અને ત્યાર બાદ પલટી જતા, તેની સ્પીડનો અંદાજો લગાડી શકાય તેમ છે. ત્યારે આવા બેદરકાર બસ ચાલક સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
બસ વાઘોડિયા ખાતેના કોલેજ કેમ્પસમાં જઈ રહી હતી
વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં પારૂલ યુનિવર્સિટી આવેલી છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લાવવા-લઇ જવા માટે લક્ઝરી બસની સુવિધા આપવામાં આવે છે. આજે સવારે નિયત રૂટ પર વિદ્યાર્થીઓને લઇને બસ વાઘોડિયા ખાતેના કોલેજ કેમ્પસમાં જઈ રહી હતી. દરમિયાન ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા તરફ જતા, રસ્તામાં આવતા વડોદરા ગ્રામ્ય સર્કિટ હાઉસ પાસે બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને વિદ્યાર્થીઓ ભરેલી બસ કાંસમાં જઇને ખાબકી હતી.
કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો
બસ કાંસમાં ઉતર્યા બાદ પલટી ખાઇ ગઇ હતી, જે જોતા તેની ઝડપનો અંદાજો લગાડી શકાય તેમ છે. ઘટનાને પગલે બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા તથા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં બે વિદ્યાર્થીનીઓ અને ચાલક ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને વધુ કાર્યવાહીની તજવીજ શરૂ કરી દેવામાં આવી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ST બસ કંડક્ટરની બેગ ચોરાઇ, ટીકીટ મશીન સહિત રોકડ ગાયબ


