Vikas Saptah 2025 : સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૨૪ વર્ષ
- Vikas Saptah 2025 : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે ૧૮૦ Truenat મશીનોના લોકાર્પણ કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરાયા
૦૦૦૦૦૦૦ - કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ એમ.ઓ.યુ, "સ્વસ્થ નાગરિક સશક્ત શહેર" પુસ્તિકાનું વિમોચન કરાયું
૦૦૦૦૦૦૦૦ - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ :
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર રાજકીય કામગીરી જ નહીં પરંતુ સમાજમાં પ્રવર્તતી રૂઢિગત માન્યતાઓને બદલાવવાનો પ્રયાસ કર્યો
આયુષ્માન કાર્ડ અંતર્ગત ગુજરાતના તમામ નાગરિકોને ૧૦ લાખ સુધીની સારવાર તદ્દન નિ:શુલ્ક
Vikas Saptah 2025 : રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel)ના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન ૧૮૦ Truenat મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામક કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતાં.
કેન્સર પણ એક ગંભીર રોગ છે. રાજ્યમાં જોવા મળતા ૭૫ ટકા કરતાં વધુ કેસો એડવાન્સ સ્ટેજમાં જ નિદાન પામે છે, જેના કારણે દર્દી અને તેમના પરિવાર પર ભારે આર્થિક ભારણ પડે છે અને જીવનગુણવત્તા ઘટે છે. પરંતુ જો વહેલી તકે નિદાન થાય તો સારવાર અસરકારક બને છે, ખર્ચ ઘટે છે અને દર્દીનું જીવનગુણવત્તા જળવાઈ રહે છે.
ગુજરાતમાં મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ રોગોના વહેલા નિદાન માટે રાજ્ય સરકાર GCRI સાથે મળીને વિશાળ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યું છે. આશરે ૨૭,૦૦૦ આરોગ્ય કર્મીઓને રૂ. ૬.૭૨ કરોડના ખર્ચે તાલીમ આપવામાં આવશે.
Vikas Saptah 2025: જેનેરીક દવાઓના કારણે અગાઉ ૧૦૦ રૂપિયામાં મળતી દવાઓ આજે રૂ.૩૦ થી પણ ઓછામાં મળતી થઈ
ટીબી મુક્ત ભારતની નેમમાં ગુજરાતની પ્રતિબધ્ધતાને દર્શાવતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)એ "ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્મા" મંત્રને ધ્યાને રાખી રાષ્ટ્રસેવા માટે દિવસ-રાત કાર્ય કર્યું છે. માત્ર રાજકીય કામગીરી જ નહીં પરંતુ સમાજમાં પણ અનેક રૂઢિગત માન્યતાઓને બદલાવવાનો તેમણે પ્રયાસ કર્યો છે, જેના પરિણામે આજે સમાજમાં જેન્ડર રેશિયો મિશન એટલે કે દીકરા-દીકરી સમાનતા, સ્વચ્છતા જેવા મહત્વના વિષયો પર લોકોમાં જાગૃતતા આવી છે.
સામાન્ય ગરીબ ઘરના લોકોને હવે આરોગ્યની સારવાર માટે મુશ્કેલી વેઠવી પડતી નથી. પ્રધાનમંત્રીએ આપેલ જન કલ્યાણકારી યોજના આયુષ્માન કાર્ડ અંતર્ગત પાંચ લાખ સુધીની સારવાર હવે નિ:શુલ્ક થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વની ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ નાગરિકોને ૧૦ લાખ સુધીની સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આ સાથે જ જેનેરીક દવાઓના કારણે અગાઉ ૧૦૦ રૂપિયામાં મળતી દવાઓ આજે રૂ.૩૦ થી પણ ઓછામાં મળતી થઈ છે.
Vikas Saptah 2025 : પ્રધાનમંત્રીએ આફતને અવસરમાં પલટાવી
૨૦૦૧ બાદની ગુજરાતની સ્થિતિના પરિવર્તન વિશે જણાવતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, "પ્રધાનમંત્રીના કાર્યકાળથી વિકાસના નવા યુગ અને વિકાસની રાજનીતિનો પ્રારંભ થયો જેના પરિણામો ગુજરાત આજે મેળવી રહ્યું છે. સ્વાભિમાન, સ્વમાન અને રોજગાર સાથે દેશના નાગરિકો આત્મનિર્ભર બની રહ્યા છે. આઝાદી સમયે ગાંધીજીએ સ્વચ્છતા, શૌચાલય, અસ્પૃશ્યતા અને સ્વદેશી જેવા મૂલ્યોનો આગ્રહ રાખ્યો હતો જેનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી આહવાન કરી સ્વદેશી અને સ્વનિર્ભરતાની આહલેક જગાવી છે ત્યારે કાપડ, અન્ન, ઇલેક્ટ્રોનિક્સ કે કોઈપણ વસ્તુ સ્વદેશી જ ઉપયોગમાં લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
આજે ૧૨,૦૦૦ જેટલી એમ.બી.બી.એસ. ડોક્ટરોની જગ્યા સામે ૨૦,૦૦૦ જેટલી અરજીઓ તંત્રને પ્રાપ્ત થઈ છે જે ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપી જાય છે. મંત્રીએ ઉપસ્થિત સૌને વિકસિત ભારતની પરિકલ્પનામાં વિકસિત ગુજરાત માટે પ્રયત્નશીલ રહેવા અને વિકસિત ભારત તરીકે ભવિષ્યની પેઢી એક સ્ટેટસ એટલે કે ગૌરવ મેળવી શકે તેવા રાષ્ટ્રના નિર્માણ માટે સહયોગી બનવા અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમારોહમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે, ૨૦૦૧ પહેલા ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપની આપદાઓ સાથે જ માળખાકીય સુવિધાઓની અત્યંત તકલીફ હતી. એક સમયે એવો હતો જ્યારે લોકોને પીવા માટે સામાન્ય દિવસોમાં વ્યક્તિદીઠ માત્ર ૨૦લી. પાણી અને ઉનાળામાં વધુમાં વધુ ૩૦ લીટર પાણી આપી શકવાની ક્ષમતા રહેતી. આ માટે પણ ૧૮૦૦ ટીડીએસ, ૨૨૦૦ ટીડીએસના ભાંભરા પાણીનો ઉપયોગ કરવા લોકો મજબૂર રહેતા.
૧૯૯૫માં એમબીબીએસમાં માત્ર ૫૫૦ સીટ ઉપલબ્ધ હતી, જે આજે ૧૫ ગણી થઈ
પ્રધાનમંત્રીએ આફતને અવસરમાં પલટાવી ભૂકંપ બાદ અનેક વ્યવસ્થાઓ વિકસાવી. સૌરાષ્ટ્રની પાણીની તકલીફ માટે નર્મદાના નીરનો ઉપયોગ કર્યો. આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ૨૪ કલાક પાણીની વ્યવસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે. ૧૯૯૫માં એમબીબીએસમાં માત્ર ૫૫૦ સીટ ઉપલબ્ધ હતી, જે આજે ૧૫ ગણી થઈ છે. ડોક્ટર, પેરામેડિક સ્ટાફ તમામને વિશિષ્ટ તાલીમ સાથે તૈયાર કરવામાં આવ્યા છે, જેના પરિણામે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ લોકો ગુજરાતમાં સારવાર અર્થે આવી રહ્યા છે.
આરોગ્ય મંત્રીના હસ્તે શહેરી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ઉમદા પ્રયાસને દર્શાવતી "સ્વસ્થ નાગરિક સશક્ત શહેર" પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ શપથ તથા અંગદાન માટેના શપથ લઇ દેશના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આરોગ્ય કમિશનર અર્બન શ્રી હર્ષદ પટેલે આભાર દર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને રેસીડેન્ટ ડોક્ટર્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : VGRC : રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’


