Vikasit Gujarat : રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈપ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની ઊચ્ચસ્તરીય સમીક્ષા
- રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સ (High priority projects)ની કામગીરીની પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
- રાજ્ય સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષાના ઉપક્રમમાં અંદાજે રૂ.૧૧,૭૩૫ કરોડના બહુવિધ ૧૨ પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી
------- - મુખ્યમંત્રીશ્રીએ મુખ્યત્વે સમીક્ષા કરેલા પ્રોજેક્ટ
* વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ઐતિહાસિક નગરી વડનગરનું ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ
* હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી
* પાવાગઢ શ્રી મહાકાળી માતા મંદિર વિકાસ
* કચ્છના સરહદી વિસ્તારમાં ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્ઝ પ્લાન્ટેશન
* પોરબંદર ઘેડના મોકર સાગર - કર્લી રિચાર્જનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ
* દ્વારકા કોરિડોર
* શિવરાજપુર અને સોમનાથ બીચ ડેવલપમેન્ટ
* કંથારપુર મહાકાળી વડનો વિકાસ
* ધરોઈ ડેમનું ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ
* ધોલેરા SIRમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર - સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એમિનીટીઝ ડેવલપમેન્ટ
* અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ મોટેરાથી મહાત્મા મંદિર
* સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ
Vikasit Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈપ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષાના ઉપક્રમ અંતર્ગત કુલ રૂ. ૧૧,૭૩૫ કરોડના ૧૨ જેટલા બહુવિધ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ વિભાગોના વરિષ્ઠ સચિવો અને અમલીકરણ અધિકારીઓને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે.
આ પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમયમાં અવશ્યપણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે અધિકારીઓને સુચન કરવા સાથે પ્રોજેક્ટ્સના ક્વોલિટી વર્ક માટે સંબંધિત વિભાગો સતત ફોલોઅપ અને ફિલ્ડ વિઝીટ દ્વારા મોનિટરિંગ કરતા રહે તેવી તાકીદ પણ કરી હતી.
મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સમીક્ષા બેઠક યોજી હતી.
પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે તેની ચાલી રહેલી કામગીરીની વિગતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ની વતન ભૂમિ અને ઐતિહાસિક નગરી વડનગરના ઈન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પાંચ જેટલા પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે તેની ચાલી રહેલી કામગીરીની વિગતો તેમણે મેળવી હતી.
વડનગરના આ પાંચ પ્રોજેક્ટ્સમાં શર્મિષ્ઠા તળાવ ખાતે એક્વા સ્ક્રિન પ્રોજેક્શન એન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન, રેલવે સ્ટેશન પાસે જાહેર કેન્દ્ર અને પરીવન કેન્દ્રનો વિકાસ, ઐતિહાસિક સપ્તર્ષિ આરો અને દાઈ તળાવનું બ્યુટીફિકેશન તેમજ તાના-રીરીના ભવ્ય સંગીત વારસાને શ્રદ્ધાંજલિ રૂપ સંગીત સંગ્રહાલયના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.
બહુવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા
પ્રવાસન વિભાગ દ્વારા હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી, પાવાગઢ મહાકાળી માતા મંદિર વિકાસ કામો, ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્સ, પોરબંદરના મોકર સાગરનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ, દ્વારકા કોરિડોર, શિવરાજપુર અને સોમનાથ બીચ ડેવલપમેન્ટ તથા કંથારપુર મહાકાળી વડ અને ધરોઈ ડેમ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ મળીને કુલ અંદાજે રૂ.૪,૧૮૪ કરોડના બહુવિધ (Vikasit Gujarat )પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સીટી તરીકે વિકસી રહેલા ધોલેરા SIRમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, એક્સપ્રેસવે, ધોલેરા ભીમનાથ રેલ્વે લાઈન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેમજ હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન અને ફૂડ કોર્ટ જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ મળીને ૭૫૫૧ કરોડ રૂપિયાના જે પ્રોજેક્ટ્સ નિર્માણાધિન છે તેની પ્રગતિની વિગતો મેળવી હતી.
આ ઉપરાંત ધોલેરામાં હોટેલ્સ, શોપીંગ મોલ્સ, લેન્ડ સ્કેપીંગ અને ગાર્ડન, ટેન્ટ સીટી અને આવાસીય સુવિધા જેવી સોશિયલ એમેનીટીઝ તેમજ દરિયા નજીકની જમીનમાં ગ્રીન વોલ અન્વયે ૫૧૬ હેક્ટરમાં મેનગ્રુવ્ઝ અને વન કવચ ઊભું કરવાના થનારા કામો અંગે પણ સમીક્ષા કરી હતી.
માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ્સ ઝડપભેર પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન
ધોલેરા સેમીકન્ડક્ટર સેક્ટરનું હબ બની રહ્યું છે અને વિશ્વની ખ્યાતનામ સેમીકન્ડક્ટર ચીપ ઉત્પાદન કંપનીઝ પોતાના એકમો ધોલેરામાં સ્થાપી રહી છે તે ધ્યાનમાં લેતા મુખ્યમંત્રીશ્રીએ આ બધા જ માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ્સ ઝડપભેર પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન પણ કર્યુ હતુ.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨ની કામગીરી અંતર્ગત મોટેરાથી મહાત્મા મંદિર સુધીના પ્રગતી હેઠળના પ્રોજેક્ટ્સની વિગતો તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના બે કોરીડોરના બાંધકામ નિર્માણ પ્રોજેક્ટની પણ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા થઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રારંભિક કામગીરી અને પ્રગતિથી લઈને પ્રોજેક્ટ્સ પૂર્ણતા સુધી સંબંધિત વિભાગોના સંકલન માટે મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં રચેલી હાઈ લેવલ કમિટીની બેઠકો સમયાંતરે યોજીને મુખ્ય સચિવશ્રી કક્ષાએ સમીક્ષા હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.
Vikasit Gujarat અંતર્ગત જે પ્રોજેક્ટ્સમાં કેન્દ્રીય એજન્સીઓ અને મંત્રાલયો પણ સંકળાયેલા છે તેની સાથે પણ સતત ફોલોઅપ અને સંકલન માટે રાજ્ય સરકારના જે તે વિભાગોના વરિષ્ઠ સચિવોને મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
સમીક્ષા બેઠકમાં સહભાગી અધિકારીઓ
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર એસ.એસ. રાઠૌર, વિભાગોના અગ્ર સચિવશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.
આ પણ વાંચો : America : ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામી (BAPS) ને ઓહાયો રાજ્ય દ્વારા સન્માનિત કરાયા, ગવર્નરે આપ્યું માન્યતા પત્ર


