Weather Update : ગુજરાત સહિત ઉત્તર ભારતમાં પારો ગગડ્યો! દક્ષિણમાં વધ્યું વરસાદનું જોર
- Weather Update
- ગુજરાતમાં ઠંડીનો ચમકારો, તાપમાન 17થી નીચે
- પારો ગગડ્યો, ગુજરાતમાં શિયાળો શરૂ
- અમદાવાદમાં 17, નલિયામાં 16 – ઠંડી વધવાની ચેતવણી
- દક્ષિણમાં મેઘરાજા તોફાન પર, ઉત્તર ભારતે ઓઢી ઠંડી ચાદર
- એક બાજુ વરસાદ, બીજી બાજુ શીતલહેર – હવામાનનો બેવડો મિજાજ
Weather Update : મોનસૂન (ચોમાસું) સત્તાવાર રીતે દેશમાંથી વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ વાતાવરણના મિજાજમાં હજીય સ્થિરતા જોવા મળી નથી. હાલ ભારતમાં હવામાનનો 'બેવડો મિજાજ' જોવા મળી રહ્યો છે. એક તરફ દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે, તો બીજી તરફ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શીત લહેરનો પગરવ સંભળાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે હવે ઠંડીની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે.
દક્ષિણમાં વરસાદનું જોર, ઉત્તર અને પશ્ચિમમાં પારો ગગડ્યો
ચોમાસાની વિદાય બાદ પણ દક્ષિણ ભારતમાં મેઘરાજાએ પોતાનું જોર જાળવી રાખ્યું છે. હવામાન વિભાગે (Weather Department) તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ રાજ્યોમાં પવનની ઝડપ વધવાની અને તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સુધીનો નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.
વળી દરિયાકાંઠે રહેતા લોકો અને ખાસ કરીને માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આ પરિસ્થિતિમાં દરિયો ખેડવા ન જાય. ભારે પવન અને વરસાદને કારણે દરિયામાં તોફાની માહોલ સર્જાઈ શકે છે. જણાવી દઇએ કે, જ્યાં દક્ષિણ ભારત વરસાદથી ભીંજાઈ રહ્યું છે, ત્યાં ઉત્તર અને પશ્ચિમ ભારત ધીમે ધીમે શીત લહેરની લપેટમાં આવી રહ્યું છે. તાપમાનમાં થઈ રહેલો ઝડપી ઘટાડો સ્પષ્ટ સંકેત આપે છે કે હવે સ્વેટર અને શાલ બહાર કાઢવાનો સમય આવી ગયો છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો (Weather)
ગુજરાતમાં તાપમાન ઝડપથી નીચે આવી રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કચ્છનું નલિયા 16 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પારો 15 થી 17 ડિગ્રી વચ્ચે સ્થિર થયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, એટલે કે ઠંડીનો અનુભવ વધશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઠંડીનો પગરવ
ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આજે, 8 નવેમ્બરે, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 13 થી 14 ડિગ્રી સુધી ગગડી શકે છે. સવારે અને સાંજે લગભગ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે ઠંડી વધુ આકરી લાગશે. વિભાગે લોકોને સવાર-સાંજ ગરમ કપડાં પહેરવાની સલાહ આપી છે.
#WATCH | A thick layer of smog blankets Assam's Nagaon as North and North-East India witnesses the onset of winters pic.twitter.com/3yEAiL7plp
— ANI (@ANI) November 8, 2025
અન્ય રાજ્યોની સ્થિતિ
- ઉત્તર પ્રદેશ : આગામી 24 કલાકમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. વરસાદની શક્યતા નથી, પરંતુ સવારના ભાગે ધુમ્મસ વધવાની શક્યતા છે, જેના કારણે ગ્રામિણ વિસ્તારોમાં દૃશ્યતા ઘટી શકે છે.
- બિહાર : અહીં હવામાન સ્થિર રહેશે, પરંતુ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટતા સવાર-સાંજ ઠંડીનો અનુભવ થશે.
- ઝારખંડ : રાંચીમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા
પહાડી રાજ્યોમાં તો શિયાળાની સંપૂર્ણ શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તરાખંડની જો વાત કરીએ તો અહીં તીવ્ર ઠંડીનું આગમન થઈ રહ્યું છે. નૈનિતાલમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી ઘટી શકે છે, જ્યારે દેહરાદૂનમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાની શક્યતા છે. વળી હિમાચલ પ્રદેશના મનાલી અને લાહૌલ સ્પીતી જેવા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. મનાલીમાં મહત્તમ તાપમાન 6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન -12 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની રહ્યું છે.
આ પણ વાંચો : Gujarat Weather: કમોસમી વરસાદ અને ઠંડી મામલે અંબાલાલ પટેલે કરી આગાહી


