World Health Day : ગુજરાત માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર
- World Health Day : 7 એપ્રિલ 2025, વિશ્વ આરોગ્ય દિવસ: "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય"ની થીમ પર ખરું ઉતર્યું ગુજરાત, માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર
- ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં આયોજિત SKOCH 100 સમિટમાં બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ગુજરાત બે ગોલ્ડ SKOCH અવૉર્ડથી સન્માનિત
- ગુજરાતમાં માતૃ મૃત્યુ દરમાં 50% અને શિશુ મૃત્યુ દરમાં 57.41%નો નોંધપાત્ર ઘટાડો થયો
- ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું દેશનું એકમાત્ર રાજ્ય, અત્યાર સુધીમાં 1.15 કરોડ કાર્ડ જારી કરવામાં આવ્યા
- 99.97% સંસ્થાકીય ડિલિવરી દર સાથે ગુજરાતે રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો
- 2019થી 2023 દરમ્યાન, ગુજરાત નવજાત શિશુઓની આરોગ્ય તપાસ, જન્મજાત વિકૃતિની ઓળખ અને તેમના અસરકારક સંચાલનમાં મોખરે રહ્યું
World Health Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના “સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત”ના વિઝનને અનુસરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યની દરેક માતા અને બાળકને જીવનની શરૂઆતથી જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળે એ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત સરકારના આ પ્રયાસો વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ- "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય" સાથે સુસંગત છે.
World Health Day-વિશ્વ આરોગ્ય દિવસ 2025ની આ થીમ માતૃ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારોને સશક્ત બનાવવા અને માતા અને નવજાત શિશુની આરોગ્ય સેવાઓમાં રોકાણ વધારવાનો છે. આ દિશામાં, રાજ્ય સરકારે અનેક નવીન અને અસરકારક પહેલો હાથ ધરી છે, જેના કારણે ગુજરાતે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ગુજરાતે માતૃ મૃત્યુ દરમાં 50%નો નોંધપાત્ર ઘટાડો કરીને માતૃત્વને બનાવ્યું સુરક્ષિત
ગુજરાત સરકારે માતૃ સ્વાસ્થ્યને સુધારવા માટે કરેલા પ્રયાસો દ્વારા માતૃ મૃત્યુ દરમાં 50%નો નોંધપાત્ર ઘટાડો હાંસલ કર્યો છે. ગુજરાતનો માતૃ મૃત્યુ દર (MMR) વર્ષ 2011-13માં 112 હતો, જે 2020માં જાહેર થયેલા ડેટા મુજબ ઘટીને 57 થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 14 લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓને સમયસર ગુણવત્તાયુક્ત તપાસ, રસીકરણ અને પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતે માતૃ અને બાળ સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે 121 ફર્સ્ટ રેફરલ યુનિટ્સ (FRUs), 153 બ્લડ સ્ટોરેજ યુનિટ્સ અને 20 મૅટરનિટી આઈસીયુની સ્થાપના કરી છે, જેથી કટોકટીની સ્થિતિમાં સમયસર અને સુરક્ષિત સારવાર સુનિશ્ચિત થઈ શકે. આના પરિણામે, રાજ્યએ 99.97% સંસ્થાકીય ડિલિવરી દર હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
HBNC,HBYC અને SNCU કાર્યક્રમોની સકારાત્મક અસર: શિશુ મૃત્યુ દરમાં 57.40%નો નોંધપાત્ર ઘટાડો
World Health Day ઊજવણી નિમિત્તે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)ને અનુરૂપ 2030 સુધીમાં શિશુ મૃત્યુ દરને સિંગલ ડિજિટમાં લાવવાના લક્ષ્યની દિશામાં કામ કરી રહી છે. આ પ્રયાસોના પરિણામે, ગુજરાતમાં શિશુ મૃત્યુ દર (IMR)માં 2005માં 1,000 લાઇવ બર્થ દીઠ 54થી ઘટીને 2020માં 23 થયો છે, જે 57.40%નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર (HBNC) અને હોમ-બેઝ્ડ યંગ ચાઇલ્ડ કેર (HBYC) જેવી મુખ્ય પહેલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, SAANS અને સ્ટોપ ડાયેરિયા જેવા અભિયાનો તેમજ નવજાત શિશુની સંભાળ માટે ગુજરાતનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં 58 સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ્સ (SNCU), 138 ન્યુબોર્ન સ્ટેબિલાઇઝેશન યુનિટ (NBSU), અને 1,083 ન્યુબોર્ન કેર કોર્નર (NBCC)નો સમાવેશ થાય છે, તેણે પણ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
SH-RBSK અને "બ્રેકિંગ ધ સાયલન્સ" Breaking the Silence અભિયાન બાળ સ્વાસ્થ્ય માટે બન્યું આશાનું કિરણ
ગુજરાતની મહત્વપૂર્ણ યોજના SH-RBSK (શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) હેઠળ, રાજ્યમાં દર વર્ષે 992 મોબાઇલ હેલ્થ ટીમો અને 28 જિલ્લા પ્રારંભિક હસ્તક્ષેપ કેન્દ્રો દ્વારા 1.61 કરોડથી વધુ બાળકોની તપાસ કરવામાં આવે છે. જાન્યુઆરી 2025 સુધીમાં, આ પહેલ હેઠળ 206 કિડની, 37 લીવર અને 211 બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 20,981 બાળકોને કિડની સંબંધિત, 11,215 બાળકોને કેન્સર અને 1,67,379 બાળકોને હૃદય સંબંધિત રોગો માટે નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.
તે જ રીતે, SH-RBSK હેઠળ ગુજરાત સરકારની "બ્રેકિંગ ધ સાયલન્સ" Breaking the Silence ઝુંબેશ ગંભીર હિઅરિંગ લોસ (શ્રવણશક્તિ ગુમાવનારા) ધરાવતા બાળકોને નિ:શુલ્ક કૉક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીની સુવિધા પ્રદાન કરે છે. રાજ્ય સરકાર તરફથી ₹228 કરોડના સહયોગથી આ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 3,260 બાળકોએ શ્રવણશક્તિ પાછી મેળવી છે. આ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2025માં, ગુજરાતના આરોગ્ય વિભાગને બાળ સ્વાસ્થ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ બે પ્રતિષ્ઠિત ગોલ્ડ SKOCH અવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે ગુજરાત
World Health Day નિમિત્તે આ પણ ઉલ્લેખનીય છે કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જે શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ રિપોર્ટ જારી કરે છે. અત્યાર સુધીમાં 1.15 કરોડથી વધુ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આ ડિજિટલ હેલ્થ કાર્ડમાં દરેક વિદ્યાર્થીની સંપૂર્ણ આરોગ્ય તપાસ અને સારવાર સંબંધિત વિગતો હોય છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી શકાય. બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ મેળવતાં ગુજરાતે 2019થી 2023 દરમ્યાન નવજાત શિશુઓની આરોગ્ય તપાસ, જન્મજાત વિકૃતિની ઓળખ અને તેમના અસરકારક સંચાલનમાં મોટા રાજ્યોની શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો -VADODARA : ઐતિહાસીક ધરોહરમાં ઉમેરાયું ડાયનેમીક ફસાડ લાઇટીંગનું આકર્ષણ


