ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World Obesity Day: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોનાં કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે.
06:00 PM Mar 04, 2025 IST | Kanu Jani
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોનાં કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે.
CM_Gujarat_first

World Obesity Day-ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તા.૪ માર્ચ - વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-144 અંતર્ગત એક નિવેદન દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે.

મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ

આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ (PM Narendra Modi) તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં આ મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ (CM Bhupendra Patel) વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના જનહિતકારી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આહવાનોને ગુજરાતે હંમેશા ત્વરિત અને ઉત્સાહપ્રેરક પ્રતિસાદ આપ્યો છે. તેમણે વધતી જતી મેદસ્વિતા અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે વિષયને પણ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે (World Obesity Day) વિધાનસભા ગૃહમાં કરેલા નિવેદનમાં કહ્યું કે, રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટે અભિયાન ચલાવશે.

આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ

તેજો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસના વડાપ્રધાનશ્રીના ધ્યેયને હાંસલ કરવા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને World Obesity Day- અંતર્ગત “મેદસ્વિતામુક્ત ગુજરાત” અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો.

સ્થૂળતા એટલે શું તે સમજીએ

* અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર મેદસ્વિપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

* કોઈપણ વ્યક્તિની સ્થૂળતા વર્ગીકૃત કરવા માટે BMI એટલે કે, બોડી માસ ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે. ૨૫ કે તેથી વધુના બી.એમ.આઈ.ને વધુ વજનવાળા અને ૩૦ કે તેથી વધુના બી.એમ.આઈ.ને મેદસ્વિતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ભારત અને ગુજરાતમાં મેદસ્વિતાપણુ

* નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFH-5 (૨૦૧૯-૨૦૨૧) મુજબ ભારતમાં એકંદરે ૨૪% સ્ત્રીઓ અને ૨૩% પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં ૨૨.૬ ટકા અને પુરુષોમાં ૧૯.૯ ટકાનું જોવા મળ્યું છે.

સ્થૂળતા માટે મુખ્યતઃ જવાબદાર પરિબળો

* સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્યત: પરિબળો જવાબદાર છે._

અસરો

* આના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુ:ખાવા તેમજ ડિપ્રેશન જેવી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ માટે વધુ પડતો ખર્ચ કરવો પડે છે.

મેદસ્વિતા નિયંત્રણ અને નિવારણ ઉપાયો
* સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે.

* એટલું જ નહિ, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંઘ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં

* કેન્દ્ર અને રાજ્ય સરકાર મેદસ્વિતા સામે ઈટ રાઈટ મુવમેન્ટ અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ (Fit India Movement) દ્વારા સંતુલિત આહાર તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરે છે.

* હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી સ્થૂળતાની જટિલતાઓ માટે ચકાસણી કરવામાં આવે છે અને નિદાન પામેલ દર્દીઓને નિ:શુલ્ક સારવાર અને સંદર્ભ સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.

મેદસ્વિતા-જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક વ્યક્તિ, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.

Tags :
CM Bhupendra PatelFit India MovementGUJARAT FIRST NEWSGujarat Legislative Assembly HouseNFH-5Obesity-free Gujaratpm narendra modiWHOWorld Obesity Day
Next Article