Jamnagar: લિફ્ટ તૂટતાં યુવાનનું કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ
Jamnagar: જામનગર (Jamnagar) શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટ રિપેરીંગ દરમિયાન ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં માત્ર 21 વર્ષીય યુવાન નવાઝ હનીફભાઈ સોરઠીયાનું કરુણ મોત નીપજ્યું છે.
જામનગરમાં લિફ્ટ તૂટતાં યુવાનનું કરુણ મોત
મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે નવાઝ અન્ય ટેક્નિશિયન સાથે ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની લિફ્ટનું રિપેરીંગ કરી રહ્યો હતો. રિપેરીંગ દરમિયાન અચાનક લિફ્ટનો બોલ્ટ ખુલી ગયો અને લિફ્ટ ઝડપથી નીચે પડી. આ સમયે લિફ્ટની અંદર હતા નવાઝ લિફ્ટ સાથે જ નીચે પછડાયો અને તેને ગંભીર ઈજા થઈ.સ્થાનિકોએ જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા નવાઝને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. નવાઝના માથા અને છાતીમાં ગંભીર ઈજા થઈ હોવાનું પ્રાથમાણિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસ ટુકડી હોસ્પિટલ ખાતે દોડી ગઈ
આ બનાવની જાણ થતાં જ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટુકડી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લિફ્ટની જાળવણી કરતી કંપની સામે પણ કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે.એકમાત્ર કમાતો સભ્ય નવાઝના અચાનક અવસાનથી સોરઠીયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિકોએ લિફ્ટની નિયમિત તપાસ અને સલામતીના ધોરણોનું કડક પાલન થાય તેવી માગણી કરી છે.
આ પણ વાંચો: Vadodara માં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, બુલેટચાલકને ગંભીર ઈજા


