વિધાનસભા ચૂંટણી પૂર્વે સાવલી તાલુકામાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી આવી બહાર, આબરૂના ઉડ્યા ધજાગરા
સાવલી તાલુકામાં કોંગ્રેસ નામશેષ થવાના આરે છે. 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ તાલુકામાં વિરોધ પક્ષ જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને કોંગેસના કાર્યકરો ઘર ભેગા થઈ ગયા છે. તેવામાં બે ચાર ગણી શકાય તેટલા કોંગેસના કાર્યકરો પાંચ વર્ષમાં કાર્યક્રમો કરીને કોંગ્રેસ હોવાનો તાલુકાની જનતાને અહેસાસ કરાવતા રહ્યા છે. જેમાં મુખ્યત્વે સાવલી શહેર પ્રમુખ કલ્પેશ પટેલ, અમીશ પટેલ, હસુભાઈ પટેલ
Advertisement
સાવલી તાલુકામાં કોંગ્રેસ નામશેષ થવાના આરે છે. 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ તાલુકામાં વિરોધ પક્ષ જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને કોંગેસના કાર્યકરો ઘર ભેગા થઈ ગયા છે. તેવામાં બે ચાર ગણી શકાય તેટલા કોંગેસના કાર્યકરો પાંચ વર્ષમાં કાર્યક્રમો કરીને કોંગ્રેસ હોવાનો તાલુકાની જનતાને અહેસાસ કરાવતા રહ્યા છે.
જેમાં મુખ્યત્વે સાવલી શહેર પ્રમુખ કલ્પેશ પટેલ, અમીશ પટેલ, હસુભાઈ પટેલ, સાદીક અલી સૈયદ, ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ મહેશભાઈ પટેલ જેવા કોંગેસી અગ્રણીઓએ શાસક પક્ષો સામે વિવિધ પ્રશ્નો મુદ્દે આંદોલનો અને આવેદનપત્રો પાઠવીને વિરોધ પક્ષ જીવતો છે તેવા દાખલાઓ રજૂ કરતા રહ્યા છે. તેવામાં બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં પ્રદેશ સમિતિના આગેવાનોના હસ્તે જોડાઈ જતા કોંગ્રેસમાં નવો સંચાર અને પ્રાણ ફૂંકાયો હતો અને તાલુકામાં કોંગ્રેસનો ઉમેદવાર જીતે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં જ કોંગ્રેસનો આંતરિક ડખો અને કલેહ સપાટી પર આવ્યો છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં બળવો કરી એનસીપીમાં ચૂંટણી લડીને ડિપોઝિટ ગુમાવનાર માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ દ્વારા વિવાદસ્પદ નિવેદન આપતા ભારે ચકચાર મચી જવા પામી છે. તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભાની કોંગ્રેસમાંથી ટિકિટ મને જ મળવાની છે અને જો અન્ય કોઈ ઉમેદવાર અને જો કુલદીપસિંહને કોંગ્રેસે ટિકિટ આપી તો 2017 કરતાં ડબલ મતોથી કોંગ્રેસ હારશે. સાથે તેમણે કહ્યું કે, કુલદીપસિહે ઘણા બધા કાર્યક્રમો કર્યા અને ભાજપમાંથી ટિકિટ નહીં મળે તેવું નક્કી જણાતા કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. તેમણે બરોડા ડેરીમાં ઘણા ભ્રષ્ટાચાર કર્યા છે તેવો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે અને ફરી એકવાર કોંગ્રેસમાં આંતરિક કલેહ અને જૂથબંધી બહાર આવી છે.
સાવલી તાલુકો કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને સૌથી વધુ કોંગ્રેસ દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોએ સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના આગેવાનોની જૂથબંધી અને જો હુકમીના કારણે કોંગ્રેસના કદાવર નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. જેમાં હાલના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ એક સમયે કોંગ્રેસમાં હતા પરંતુ કેટલાક આગેવાનોને નીતિરીતિના કારણે કોંગ્રેસ છોડી ગયા હતા. હાલ સાવલી કોંગ્રેસ ધણી ધોરી વગરની છે અને સબળ નેતૃત્વનો અભાવ છે. તેવામાં ક્ષત્રિય આગેવાન અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાતા ઓરીજનલ કોંગ્રેસીઓમાં જોમ જુંસ્સો વધી ગયો હતો. પરંતુ કેટલાક ખુરશી પ્રેમી નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું અને પરિણામે ટાટીયા ખેંચની રમત ચાલુ થઈ ગઈ છે.
હાલ સાવલી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કેતન ઈનામદાર સૌથી મજબૂત નેતા છે અને હાલની કોંગ્રેસમાં તેમનો મુકાબલો કરી શકે તેવો એક પણ દાવેદાર કે ઉમેદવાર નથી. પરંતુ છેલ્લા બે વર્ષમાં કુલદીપ સિંહે ક્ષત્રિય સંમેલનો અને વિવિધ કાર્યક્રમો થકી ભારે લોકપ્રિયતા જગાવી છે. ત્યારે તેઓ તાલુકામાં એક મજબૂત આગેવાન તરીકે ઉપસી આવ્યા છે. તેવામાં તેઓ કોંગ્રેસમાં જોડાતા ભારે કાંટે કી ટક્કર ભાજપને આપે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ ખુમાનસિંહ ચૌહાણના વિવાદસ્પદ નિવેદન બાદ કોંગ્રેસની જૂથબંધી બહાર આવી છે અને સમગ્ર તાલુકામાં કોંગ્રેસની ભારે ફજેતી થવા પામી છે.


