Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાવલીના રાજકારણમાં ગરમાવો, જાણો આ નેતાએ શું ભર્યું પગલું

વડોદરા (Vadodara) જીલ્લાના સાવલી વિધાનસભા મતવિસ્તાર (Savli Assembly Constituency)માં વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકારણ (Politics)માં ઉથલપાથલ થતાં રાજકિય ગરમાવો આવી ગયો છે. ભાજપ(BJP)ના ક્ષત્રિય નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ ભાજપમાંથી સાવલી વિધાનસભાની ટિકિટ નહીં મળે તેવા અંદેશા માત્રથી ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કરતા ખળભળાટ મચી ગયો છે. 6 મહિનાથી લોકસંપર્ક કરતા હતાડેસર તાલુકાના વેજપુરના à
સાવલીના રાજકારણમાં ગરમાવો  જાણો આ નેતાએ શું ભર્યું પગલું
Advertisement
વડોદરા (Vadodara) જીલ્લાના સાવલી વિધાનસભા મતવિસ્તાર (Savli Assembly Constituency)માં વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકારણ (Politics)માં ઉથલપાથલ થતાં રાજકિય ગરમાવો આવી ગયો છે. ભાજપ(BJP)ના ક્ષત્રિય નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ ભાજપમાંથી સાવલી વિધાનસભાની ટિકિટ નહીં મળે તેવા અંદેશા માત્રથી ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કરતા ખળભળાટ મચી ગયો છે. 

6 મહિનાથી લોકસંપર્ક કરતા હતા
ડેસર તાલુકાના વેજપુરના કુલદીપસિંહ ઉદેસિંહ રાઉલજી વર્ષોથી બરોડા ડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવે છે અને છેલ્લા એક વર્ષથી સાવલી ડેસરના ક્ષત્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. સાવલી ૧૩૫  વિધાનસભા બેઠક પરથી ભાજપમાં ચૂંટણી લડવાની પ્રબળ ઈચ્છાઓ સાથે સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્યના ગામડાઓ તેઓ ખૂંદી વળ્યા છે. છેલ્લા છ મહિના ઉપરાંતથી લોક સંપર્ક કરીને પ્રજાને જણાવી રહ્યા હતા કે હું વિધાનસભામાં સાવલી બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો છું.

સી.આર.પાટીલના સંકેતથી ખળભળાટ
જો કે સાવલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરમાં કેતન ઇનામદારને વિધાનસભાની ટિકિટ મળશે તેવા સંકેતો આપતા કુલદીપસિંહના ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડવાના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું હતું.  જોકે હજુ સુધી ભાજપ મોવડી મંડળે સાવલીની ટિકિટ બાબતે કોઈ સેન્સ લીધા નથી છતાં પોતે મનોમન એવું નક્કી કરી નાખ્યું હતું કે પ્રદેશ પ્રમુખે ઇશારો કર્યો છે માટે મને ટિકિટ નહીં મળે. જેથી તેઓએ ભાજપ છોડવાનું નક્કી કરી નાખ્યું હતું તેવું સ્થાનિક લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

કેતન ઇનામદારે યોજ્યો શસ્ત્રપૂજનનો કાર્યક્રમ
જ્યારે બીજી તરફ દશેરાના દિવસે સાવલી પોઇચા ચોકડી ખાતેના ભાટિયા મેદાનમાં ધારાસભ્ય આયોજિત ક્ષત્રિય રાજપૂત સમાજના શસ્ત્ર પૂજન કાર્યક્રમ દરમિયાન સાવલી હાઇસ્કૂલ ખાતેથી કાઢવામાં આવેલી શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપરાંત જુદી જુદી જ્ઞાતિના હજારો લોકો ઉમટી આવતા કુલદીપસિંહ રાઉલજી એ પોતાનું માપદંડ કાઢી લીધું હોવાનું પણ મનાય છે. સાવલીમાં કેતન ઇનામદારનું વર્ચસ્વ જોતા પાર્ટી અન્ય ઉમેદવારના માથે કળશ ઢોળે તેવું હાલનું વાતાવરણ જોતા લાગતું પણ નથી.
ભાજપ છોડે તેવી ચર્ચા હતી
ભાજપમાંથી તેઓને ટિકિટ નહીં મળે તેવા પ્રબળ એંધાણ વર્તાતા  કુલદીપસિંહે ભાજપને રામરામ કરીને કોંગ્રેસમાં જોડાઈ જવાની શક્યતાઓ છેલ્લા અઠવાડિયા દરમિયાનથી સાવલી ડેસર તાલુકા વાસીઓ ના મુખે ચર્ચાતી હતી તે  વાત આજે સાબિત થઈ હતી.

કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાયા 
૭  ઓક્ટોબરે અમદાવાદની કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠકમાં કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. તેઓ વિધિવતરીતે  ૭૦૦  કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. સાવલી ડેસર તાલુકામાં હાલ કુલદીપસિંહ રાઉલજી ક્ષત્રિય સમાજ પર પ્રભુત્વ ધરાવે છે જેથી સાવલી વિધાનસભા બેઠકની ટિકિટ માટે કોંગ્રેસના પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યા છે પરંતુ તેઓએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ માટે આવ્યો નથી. માત્ર પ્રજાની સેવા કરવી તે જ મારો હેતુ છે. ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી મારી અવગણના થતી હતી માટે હું કોંગ્રેસમાં જોડાયો છું

કોંગ્રેસમાંથી ઉઠ્યો વિરોધ 
જ્યારે બીજી તરફ ગોઠડા જિલ્લા પંચાયત સભ્ય ડો. પ્યારે સાહેબ, સાવલી ડેસર કોંગ્રેસના માજી પ્રમુખો નારણભાઈ રાઠોડ, દલપતસિંહ પરમાર, ઉદેશિહ પરમાર, જેસર ગોપરી સરપંચ અજીતસિંહ પરમાર સાથે ૫૦  કાર્યકરોએ બેઠક યોજી હતી તેમાં કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં લેવામાં આવ્યા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ નિર્ણય માત્ર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટનો છે. તેને કોંગ્રેસમાં અમો સ્વીકારવાના નથી.
ટિકીટ મળશે તો વિરોધ 
કોંગ્રેસનું મોવડી મંડળ જો કુલદીપસિંહ રાઉલજીને સાવલી વિધાનસભાની ટિકિટ આપશે તો અમો ૫૦૦ કાર્યકરો સાથે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈને સખત વિરોધ કરીશું  તેમ આ આગેવાનોએ જણાવ્યું હતું. 
Tags :
Advertisement

.

×