Attack : આ નેતાઓ પર પણ થઈ ચૂક્યા છે ઘાતકી હુમલા,કોઇનો થયો બચાવ તો કોઈએ ગુમાવ્યો જીવ
Attack: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક રેલી દરમિયાન થયેલા હુમલાથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલામાં(attack)થી બચી ગયા હતા. જોકે આ હુમલામાં ટ્રમ્પ ચોક્કસપણે ઘાયલ થયા હતા. ટ્રમ્પ પર આ હુમલો પેન્સિલવેનિયાના બટલરમાં થયો હતો. રેલી દરમિયાન થયેલા ફાયરિંગમાં ટ્રમ્પ સમર્થકના મોતના પણ સમાચાર છે. આ અગાઉ પણ વિશ્વના પ્રખ્યાત નેતા પર હુમલા થયા છે. ભારતમાં પણ બે વડાપ્રધાને જીવલેણ હુમલામાં તેમનો જીવ ગુમાવ્યો હતો. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર રાજીવ ગાંધી બંને પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
રાજીવ ગાંધીની પણ કરાઇ હતી હત્યા
21 મે, 1991ના દિવસે તામિલનાડુના શ્રીપેરંબદૂર ખાતે એક છોકરી હાથમાં ચંદનનો હાર લઈને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી તરફ આગળ વધી અને પગે લાગવા માટે નમી, ત્યારે કાનમાં ધાક બેસી જાય એવો જોરદાર વિસ્ફોટ થયો. ભારતની ધરતી ઉપર આ પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો, જેને એક મહિલાએ અંજામ આપ્યો હતો. એ વિસ્ફોટમાં કોંગ્રેસના યુવા નેતા તથા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું.
ઈન્દિરા ગાંધીની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના જ બે અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડને અંજામ આપનારા હુમલાખોરો ઓપરેશન બ્લુ સ્ટારથી નારાજ હતા.
સ્લોવાકિયાના પીએમ પર ઘાતક હુમલો
આ વર્ષે મે મહિનામાં સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે ફિકો પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ફિકો ગંભીર રીતે ઘાયલ થાય હતા. ફિકો પર હુમલો રાજધાની બ્રાતિસ્લાવાથી લગભગ 180 કિલોમીટર દૂર હેન્ડલોવામાં થયો હતો, જ્યારે પીએમ ફિકો સરકારી મીટિંગ સમાપ્ત કર્યા પછી એક સાંસ્કૃતિક સમુદાય કેન્દ્રમાં લોકોનું અભિવાદન કરી રહ્યા હતા.
હુમલામાં જાપાનના પીએમનો જીવ ગયો હતો
8 જુલાઈ, 2022 ના રોજ જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલામાં આબેનું મૃત્યુ થયું હતું. આબે જ્યારે નારા શહેરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમને નિશાન બનાવ્યા હતા. કહેવાય છે કે હુમલાખોરે આબે પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ આબેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાન પર આ હુમલો 3 નવેમ્બર 2022ના રોજ થયો હતો. આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈમરાન ખાન ઉપરાંત 14 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.
બેનઝીર ભુટ્ટોની પણ પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી
પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પણ 27 ડિસેમ્બર 2007ના રોજ હત્યા કરવામાં આવી હતી. જ્યારે ભુટ્ટો પર હુમલો થયો ત્યારે તે પાકિસ્તાનના રાવલપિંડીમાં પ્રચાર કરી રહ્યા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે ભુટ્ટો પોતાનું ભાષણ આપ્યા બાદ ચૂંટણી રેલીમાંથી બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન હુમલાખોર તેની નજીક આવ્યો અને તેને ગોળી મારી દીધી.
જ્હોન એફ કેનેડીની પણ હત્યા કરવામાં આવી હતી
અમેરિકાના 35મા પ્રમુખ જ્હોન એફ. કેનેડીની 22 નવેમ્બર, 1963ના રોજ હત્યા કરવામાં આવી હતી. જ્યારે કેનેડી પર હુમલો થયો ત્યારે તેઓ પોતાની ખુલ્લી કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન હુમલાખોરે તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો - Video : ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરીંગ કરનાર હુમલાખોરનો વીડિયો આવ્યો સામે
આ પણ વાંચો - Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હુમલા અંગે PM મોદીની પ્રતિક્રિયા
આ પણ વાંચો - Israel : ઇઝરાયેલનો હમાસના પર હવાઈ હુમલો, 71 મોત









