56 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન ગુયાનાના પ્રવાસે, ગુજરાતીઓએ બેનર સાથે PM મોદીનું કર્યુ સ્વાગત!
- ગુયાનામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત
- 56 વર્ષ બાદ ભારતના PM ગુયાનાના પ્રવાસે
- ગુયાનામાં પણ ગુજરાતીઓનો અનોખો અંદાજ
- ગુજરાતી ભાષામાં બેનર સાથે PMનું કર્યુ સ્વાગત
- સુરત અને બારડોલીના લોકોએ સ્વાગત કર્યુ
PM Modi in Guyana : વિશ્વમંચ પર ભારતના નેતૃત્વને મજબૂત બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટ પછી બ્રાઝિલના રિયો ડી જાનેરોથી સીધા ગુયાના પહોંચ્યા છે. 56 વર્ષમાં તેઓ ગુયાનાની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. જ્યોર્જટાઉન એરપોર્ટ પર તેમનું ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી અને ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ મુલાકાતમાં ભારત અને ગુયાનાના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થવાની પૂરી શક્યતા છે.
ગુયાનામાં ગુજરાતીઓએ બેનર સાથે કર્યું સ્વાગત
56 વર્ષ બાદ ભારતના કોઇ વડાપ્રધાન ગુયાનાની મુલાકાતે પહોંચ્યા છે. PM મોદી ગુયાના પહોંચ્યા જ્યા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ગુયાનાની મુલાકાત લઇને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. ગુયાના અને ભારતના સંબંધોમાં આ એક મહત્વપૂર્ણ મંચ માનવામાં આવે છે, જે બંને દેશોની વચ્ચે મજબૂત વેપાર અને સંસ્કૃતિ સંબંધોને પ્રોત્સાહન આપે છે. જણાવી દઇએ કે, ગુજરાતી નાગરિકો દરેક જગ્યાએ તેમનું નામ અને ભાષાને મોખરે રાખીને વિશ્વભરમાં દેશનું ગૌરવ વધારી રહ્યા છે. PM મોદીની ગુયાનાની મુલાકાતે પણ ગુજરાતી નાગરિકોનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. અહીંના ગુજરાતી સમાજે બેનર સાથે PM મોદીનું હાર્દિક સ્વાગત કર્યું. મળતી માહિતી અનુસાર, આ સુરત અને બારડોલીના લોકો હતા જેમણે તેમનું સ્વાગત કર્યું હતું.
ગુયાનાની અર્થવ્યવસ્થા અને સંભવિત ડીલ
વર્ષ 2020માં ગુયાનામાં તેલ અને ગેસના ભંડારો મળી આવ્યા બાદ તેની GDP 40% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી રહી છે, જેને કારણે તે વૈશ્વિક વેપાર અને રોકાણ માટે આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી અને રાષ્ટ્રપતિ ઈરફાન અલી ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સહમતિઓ પર પહોંચે તેવી શક્યતાઓ છે. ગુયાના, જેની મોટાભાગની વસ્તી ભારતીય મૂળની છે, જ્યા નવી ટેકનોલોજી અને સંસાધન પરિવર્તન માટે ચર્ચા થવાની આશા છે.
આ પણ વાંચો: Cash For Votes Case : મહારાષ્ટ્ર કેશ કાંડ બાદ રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો કટાક્ષ