બાંગ્લાદેશના ઢાકામાં 12 માળની બિલ્ડીંગમાં આગ, 42 લોકોનું સલામત રેસ્ક્યુ
- બાંગ્લાદેશમાં ઔદ્યોગિક સુરક્ષામાં ઢીલાશના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે
- ઢાકામાં 12 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી
- દુર્ઘટનામાં દુકાનના પતરા કાપીતા બચાવ કામગીરીમાં મોડું થયું
- આટલી મોટી આગ લાગવાની ઘટના અંગેનું કારણ જાણી શકાયું નથી
Bangladesh-Dhaka Fire Tragedy : શનિવારે સવારે બાંગ્લાદેશની રાજધાનીમાં એક બજારમાં આવેલી 12 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર બજારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જબલ એ નૂર ટાવરમાં લાગેલી આગમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર સર્વિસના અધિકારીઓએ ઇમારતમાંથી ઓછામાં ઓછા 42 લોકોને બચાવ્યા હતા, એમ રાજ્ય સંચાલિત BSS સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે. છેલ્લા બે મહિનામાં ઢાકામાં બહુમાળી ઇમારતમાં આ બીજી મોટી આગ છે.
પોલીસને વહેલી સવારે આગની માહિતી મળી હતી
સ્થાનિક મીડિયા અનુસાર, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સને સવારે 5:37 વાગ્યે (સ્થાનિક સમય) આગ લાગવાની માહિતી મળી હતી, અને ફાયર એન્જિન સવારે 5:45 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર સર્વિસના મીડિયા અધિકારી અનવરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, આગને કાબુમાં લેવા માટે 18 ફાયર યુનિટ તૈનાત કરવામાં આવ્યા હતા. BGB ના જનસંપર્ક અધિકારી શરીફુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ભીડને નિયંત્રિત કરવા અને ઇમરજન્સી વાહનોની સરળ અવર-જવર સુનિશ્ચિત કરવા માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ના કર્મચારીઓને પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયર સર્વિસના સિનિયર સ્ટાફ ઓફિસર (મીડિયા સેલ) મોહમ્મદ શાહજહાં શિકદરે જણાવ્યું હતું કે, જે ઇમારતમાં આગ લાગી છે, તેમાં એક જ ભોંયરામાં અનેક અલગ અલગ બ્લોક હતા. ભોંયરામાં અને પહેલા માળે કપડાની દુકાનો અને નાના ભંગારના ગોડાઉનો હતા, જ્યારે ઉપરના માળે રહેણાંક એપાર્ટમેન્ટ હતા. ભોંયરામાં ફક્ત બે પ્રવેશદ્વાર છે.
અગ્નિશામકોને દુકાનોના શટર કાપવા પડ્યા
આગ બુઝાવવા માટે ફાયર ફાઇટર્સને મોટાભાગની દુકાનોના તાળા અને શટર કાપવા પડ્યા હતા, જેના કારણે કામગીરીમાં વિલંબ થયો હતો. આગનું કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. અહેવાલમાં સ્થાનિકો અને વ્યવસાયિકોએ જણાવ્યું હતું કે, ભોંયરામાં મુકી રાખવામાં આવેલા ભંગારના કપડાંથી આગ લાગી હશે, અધિકારીનું કહેવું છે કે, કારણ હજુ પણ અસ્પષ્ટ છે. બાંગ્લાદેશમાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો લાંબો ઇતિહાસ છે. સલામતીમાં ઢીલાશના કારણે અગાઉની ઔદ્યોગિક દુર્ઘટનાઓ ઘટી ચુકી છે.
અત્યાર સુધીની મોટી દુર્ઘટનાઓ
2021 માં, ખાદ્ય અને પીણાની ફેક્ટરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 52 લોકો મૃત્યુ પામ્યા હતા. ફેબ્રુઆરી 2019 માં, ઢાકાના સૌથી જૂના ભાગમાં એપાર્ટમેન્ટ્સ, દુકાનો અને વેરહાઉસથી ભરેલા 400 વર્ષ જૂના વિસ્તારમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા હતા. 2012 માં, ઢાકાની એક કપડાની ફેક્ટરીમાં બંધ દરવાજા પાછળ ફસાયેલા આશરે 117 કામદારો માર્યા ગયા હતા. બાંગ્લાદેશની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટના તે પછીના વર્ષે બની હતી, જ્યારે ઢાકાની બહાર રાણા પ્લાઝા કપડાની ફેક્ટરી ધરાશાયી થઈ હતી, જેમાં 1,100 થી વધુ લોકો માર્યા ગયા હતા. 2010 માં, જૂના ઢાકામાં ગેરકાયદેસર રીતે રસાયણોનો સંગ્રહ કરી રહેલા એક ઘરમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 123 લોકો માર્યા ગયા હતા. આ વર્ષે 14 ઓક્ટોબરના રોજ, રાજધાનીમાં એક કેમિકલ વેરહાઉસ અને તેની બાજુમાં આવેલી કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો ------ જળવાયુ પરિવર્તનથી પ્રાણીઓની 8 હજાર પ્રજાતિ લુપ્તતાના આરે, Oxford Uni નું ચોંકાવનારૂ તારણ


