LAC નજીક ચીન બનાવી રહ્યું છે રેલ કોરિડોર,ભારત માટે ખતરાની ઘંટી!
- LAC નજીક ચીનની વધુ એક અવળચંડાઈ
- તિબેટથી શિનજિયાન સુધી નવી રેલ લાઇન બનશે
- ચીનની સૈનિક ક્ષમતા વધારવાનો સીધો પ્રયાસ
LAC : ચીન અવારનવાર કોઈને કોઈ રીતે અવળચંડાઈ કરતું રહ્યું છે. ત્યારે ફરી એક વખત ચીન તરફથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચીન તિબેટથી શિનજિયાન સુધી નવી રેલ લાઇન બાંધવા જઈ રહ્યું છે, જેનો મોટો હિસ્સો ભારતની અક્સાઈ ચિન સરહદ અને એલએસીની(LAC ) નજીકથી પસાર થશે. આ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ ચીનની સૈનિક ક્ષમતા વધારવાનો સીધો પ્રયાસ છે.
પ્રોજેક્ટની વિગતો
આ રેલ લાઇન તિબેટના શિગાત્સેથી શરૂ થઈને અક્સાઈ ચિન મારફતે શિનજિયાનના હોતાં શહેર સુધી જશે. અંદાજે 2,000 કિમી લાંબી આ લાઇન કુનલુન, કરાકોરમ, કૈલાશ અને હિમાલય પર્વતમાળાઓમાંથી પસાર થશે. સરેરાશ 4,500 મીટરની ઊંચાઈ, ગ્લેશિયર અને જામી ગયેલી નદીઓ જેવા કઠિન પરિસ્થિતિઓને કારણે આ કામ ખૂબ જ પડકારજનક છે. ચીનની નવી બનાવેલી શિનજિયાન-તિબેટ રેલવે કંપની (XTRC) આ પ્રોજેક્ટ સંભાળશે અને 2035 સુધી લ્હાસાને કેન્દ્ર બનાવી 5,000 કિમી રેલ નેટવર્ક બનાવવાનો ધ્યેય ધરાવે છે.
ભારત માટે ચિંતા (LAC)
અક્સાઈ ચિન ભારતનો ભાગ છે, પરંતુ 1950થી ચીનના કબજામાં છે. 1962ના ભારત-ચીન યુદ્ધ પહેલા ચીને આ વિસ્તારમાં હાઈવે બનાવ્યો હતો. હવે ત્યાંથી રેલ પસાર થવી, ભારત માટે સીધી ચેતવણી છે.
સૈનિક તૈનાતી (LAC)
એલએસીની નજીક રેલ લાઇન થવાથી ચીન પોતાની સૈનિક અને હથિયારની ઝડપથી તૈનાતી કરી શકશે, ખાસ કરીને અરુણાચલ અને સિક્કિમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં.
આ પણ વાંચો -Trump China tariffs: ચીન સામે ઘૂંટણિયે પડ્યા ટ્રમ્પ? ટેરિફ સસ્પેન્સન 90 દિવસ લંબાવ્યું
અન્ય વિસ્તરણ યોજનાઓ
ચીન લ્હાસાથી નિંગચી અને ત્યારબાદ ચેંગદુ સુધી રેલ જોડાણ લાવવા ઈચ્છે છે. સાથે જ, નેપાળની સરહદ પાસે ગીરંગ અને ડોકલામ નજીકની ચુંબિ ઘાટી સુધી રેલ લાઇન લઈ જવાની યોજના પણ છે. જ્યાં 2017માં ભારત-ચીન વચ્ચે ટકરાવ થયો હતો.
ભારતની તૈયારી
હાલ સુધી ભારત તરફથી આ પ્રોજેક્ટ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં રસ્તા અને રેલ્વે બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. ચીનની આ રેલ યોજના એશિયામાં સ્ટ્રેટેજિક સંતુલન પર અસર પાડવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો -Indonesia Earthquake : ઇન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી ધ્રુજી ઉઠી, 6.3ની તીવ્રતા નોંધાઈ
પ્રથમવાર તિબેટને તેના રેલ નેટવર્ક સાથે જોડ્યું
ચીને 2006 માં પ્રથમવાર તિબેટને તેના રેલ નેટવર્ક સાથે જોડ્યું. તે વર્ષે, ગોલમુદથી લ્હાસા સુધીની ટ્રેન 4,000 મીટરની ઊંચાઈએ પર્માફ્રોસ્ટ (સ્થિર માટી) દ્વારા 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી. તિબેટને ચીનના રેલ નેટવર્ક સાથે જોડવાનું આ પહેલું પગલું હતું. આ પછી, 2014 માં લ્હાસા-શિગાત્સે અને 2021 માં લ્હાસા-ન્યિંગચી રેલ લાઇન શરૂ કરવામાં આવી. હવે ચીન તેના રેલ નેટવર્કને વધુ ઊંડાણમાં લઈ જવા માંગે છે, ખાસ કરીને ભારતીય સરહદની નજીક.
નવી રેલ લાઇન તિબેટ-શિનજિયાંગ કનેક્શન
ચીન 2008 થી આ નવા રેલ પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યું હતું, જે હવે અમલમાં મૂકવા માટે તૈયાર છે. આ રેલ લાઇન શિનજિયાંગના હોતાનથી તિબેટના લ્હાસા સુધી જશે, જે લગભગ 2000 કિમી લાંબી હશે. તે તિબેટના શિગાત્સેથી શરૂ થશે, નેપાળની સરહદ સાથે ઉત્તરપશ્ચિમમાં ચાલશે, પછી અક્સાઈ ચીનમાંથી પસાર થઈને શિનજિયાંગના હોતાન પહોંચશે.


