હમાસમાં નેતૃત્વનો સંકટ! સિનવારના મૃત્યુ બાદ લીડરની નહીં થાય જાહેરાત
- હમાસને યાહ્યા સિનવારના મોતથી મોટો આંચકો
- હમાસમાં નવું નેતૃત્વ: કતાર સમિતિ સંભાળશે જવાબદારી
- હમાસના શહીદ સિનવાર બાદ નવી રણનીતિ
ગાઝામાં છેલ્લા એક વર્ષથી ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા હમાસ (Hamas) ને તેના ચીફ યાહ્યા સિનવારના મોતથી મોટો આંચકો લાગ્યો છે. હવે હમાસ તેના નેતૃત્વને લઈને રણનીતિ બદલવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, હમાસ એક જ ઉત્તરાધિકારીની નિમણૂક કરવાને બદલે હવે કતારની એક સમિતિને આ જવાબદારી સોંપવાનું વિચારી રહી છે.
નવા નેતાના નામની જાહેરાત નહીં
હમાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂથે માર્ચમાં આગામી આંતરિક ચૂંટણી સુધી નવા નેતાના નામની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે ઈઝરાયેલની સેનાએ યાહ્યા સિનવારને મારી નાખ્યો હતો. ઈઝરાયલના જણાવ્યા અનુસાર યાહ્યા સિનવાર ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે થયેલા રોકેટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ અંગે હમાસના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "નેતૃત્વને લઈને હમાસની સ્થિતિ એ છે કે શહીદ યાહ્યા સિનવારના ઉત્તરાધિકારીની આગામી ચૂંટણી સુધી નિમણૂક ન કરવી જોઈએ."
5 સભ્યોની સમિતિ નેતૃત્વની જવાબદારી સંભાળશે
આ સમય દરમિયાન, ઈરાનમાં રાજકીય વડા ઈસ્માઈલ હનીયેહની હત્યા બાદ ઓગસ્ટમાં રચાયેલી 5 સભ્યોની સમિતિ નેતૃત્વની જવાબદારી સંભાળશે. સિનવારને 2017માં હમાસના ગાઝાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જુલાઈમાં હાનીયેહની હત્યા બાદ તેણે જૂથમાં અગ્રણી ભૂમિકા નિભાવી હતી. અન્ય એક સ્ત્રોતે જાહેર કર્યું કે રાજકીય વડાની નિમણૂક અંગે આંતરિક ચર્ચાઓ થઈ હતી જેની ઓળખ ગુપ્ત રહેશે પરંતુ નેતૃત્વએ આખરે સમિતિ દ્વારા સામૂહિક શાસન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.
સમિતિના તમામ સભ્યો હાલમાં કતારમાં હાજર
ગાઝા, વેસ્ટ બેંક અને પેલેસ્ટિનિયન ડાયસ્પોરાના અગ્રણી પ્રતિનિધિઓની બનેલી સમિતિમાં ખલીલ અલ-હૈયા (ગાઝા), ઝહેર જબરીન (વેસ્ટ બેંક) અને ખાલેદ મેશાલ (વિદેશમાં પેલેસ્ટિનિયનોનું પ્રતિનિધિત્વ કરે છે)નો સમાવેશ થાય છે. અન્ય બે મુખ્ય સભ્યો મોહમ્મદ દરવીશ છે જે હમાસની શુરા સલાહકાર પરિષદના વડા અને રાજકીય બ્યુરોના સચિવ છે. સમિતિના તમામ સભ્યો હાલમાં કતારમાં હાજર છે. સમિતિને યુદ્ધ દરમિયાન હમાસને નિયંત્રિત કરવા, વ્યૂહાત્મક નિર્ણયો લેવા અને જૂથની ભાવિ યોજનાઓને આકાર આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. એક મીડિયા સંસ્થાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, "સમિતિ યુદ્ધ અને અસાધારણ સંજોગો દરમિયાન ચળવળને નિયંત્રિત કરશે અને તેના ભવિષ્યના આયોજન પર પણ કામ કરશે.
આ પણ વાંચો: હોસ્પિટલની નીચે બનાવેલું Hezbollah નું સિક્રેટ બંકર મળતા ખળભળાટ