ઈક્વાડોરના રાષ્ટ્રપતિ Daniel Noboa પર જીવલેણ હુમલો, પ્રદર્શનકારીઓએ કાફલા પર પથ્થરમારો કર્યો
- ઈક્વાડોરના રાષ્ટ્રપતિ પર થયો જીવલેણ હુમલો
- પ્રદર્શનકારીઓએ કાફલા પર પથ્થરમારો કર્યો
- ડેનિયલ નોબોઆ પર ફાયરિંગના પણ અહેવાલ
- વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા ગયા હતા
- ડીઝલની વધતી કિંમતથી નારાજ લોકોનું પ્રદર્શન
- પ્રદર્શનકારીઓએ અનેક સ્થળે કરી હતી તોડફોડ
Ecuadorian President Daniel Noboa : દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરમાં રાજકીય અસ્થિરતા અને જનતાના ઉગ્ર વિરોધ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆ પર જીવલેણ હુમલો થયો છે. ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા આશરે 500 જેટલા વિરોધીઓએ રાષ્ટ્રપતિના કાફલાને નિશાન બનાવ્યો હતો, જેના કારણે દેશભરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
વિરોધ પ્રદર્શન બન્યો હિંસક
આ ઘટના ત્યારે બની જ્યારે રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆ (President Daniel Noboa) એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ રાષ્ટ્રપતિના કાફલા પર હુમલો કર્યો. ઇક્વાડોર સરકારના મંત્રી ઇનેસ માન્ઝાનો દ્વારા સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિના કાફલા પર હુમલો થયો હતો અને વિરોધીઓએ પથ્થરમારો કર્યો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે કાફલાની કાર પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, જે દર્શાવે છે કે આ હુમલો માત્ર વિરોધ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ હત્યાના પ્રયાસનો ઇરાદો પણ હોઈ શકે છે. સદનસીબે, રાષ્ટ્રપતિ નોબોઆ આ હુમલામાં સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 5 શંકાસ્પદોની અટકાયત કરી છે.
🔴 En el día 16 del paro convocado por la Conaie, un grupo de manifestantes atacó una caravana en la que se trasladaba el Presidente Daniel Noboa hacia Sigsihuayco, en la provincia de Cañar, para entregar un sistema de alcantarillado.
📋 El hecho ocurrió mientras la fuerza… pic.twitter.com/iHdBYZgJNo
— Ecuadorplay (@EcuadorPlay) October 7, 2025
President Daniel Noboa પર હુમલાનું કારણ શું?
રાષ્ટ્રપતિ નોબોઆ પરનો આ હુમલો છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહેલા જન આંદોલનનું પરિણામ છે. આ વિરોધનું નેતૃત્વ નેશનલ ઇન્ડિજિનસ સિવિક યુનિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિરોધનું મુખ્ય કારણ સરકારનો ડીઝલ સબસિડી ઘટાડવાનો નિર્ણય છે. વિરોધીઓનું માનવું છે કે ડીઝલ સબસિડી ઘટાડવાથી ઇંધણના ભાવમાં વધારો થશે, જેની સીધી અસર નાના ખેડૂતો અને સ્વદેશી નાગરિક સમાજના સભ્યો પર પડશે. તેઓ કહે છે કે આ નિર્ણય તેમની આજીવિકા પર નકારાત્મક અસર કરશે. આ જ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક સ્થળોએ તોડફોડ પણ કરવામાં આવી હોવાના અહેવાલ છે, જે દર્શાવે છે કે જનતાનો રોષ કેટલો વધારે છે.
સરકારની આક્રમક પ્રતિક્રિયા અને કાયદાકીય કાર્યવાહી
રાષ્ટ્રપતિ પર થયેલા હુમલાને સરકારે ગંભીરતાથી લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ હુમલામાં સામેલ તમામ આરોપીઓ સામે આતંકવાદ અને હત્યાના કાવતરાના ગંભીર આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. જણાવી દઇએ કે, હુમલાના થોડા સમય બાદ, ઘટનાસ્થળથી 77 કિલોમીટર દૂર એક વિદ્યાર્થી કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ નોબોઆએ લોકોને હિંસક ઘટનાઓમાં સામેલ ન થવાની અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નવા ઇક્વાડોરમાં આવી ઘટનાઓ સહન કરવામાં આવશે નહીં અને હિંસા કરનાર દરેક વ્યક્તિને કાયદાનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : ટેરિફ મુદ્દે રાષ્ટ્રપતિ Trump નું નવું ગતકડું! US માં ટ્રકોની આયાત પર આ તારીખથી 25 ટકા ટેરિફ લાગુ થશે


