Maldivesના પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે ભારતનું કર્યુ સમર્થન, ભારતીય સૈનિકો સંદર્ભે મુઈઝ્ઝુના નિર્ણયને ખોટો ઠેરવ્યો
- 1988માં ભારતીય સૈનિકોએ માલદીવમાં ઓપરેશન કેક્ટસ હાથ ધરીને સરકાર બચાવી હતી
- માલદીવના પ્રથમ અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ હંમેશા ભારતના સમર્થક રહ્યા છે
- નશીદે ભારતીય સૈનિકોને હટાવવાના મોહમ્મદ મુઇઝ્ઝુના નિર્ણયને વખોડી કાઢ્યો છે
Male: માલદીવમાં લોકશાહી ચૂંટણી શરૂ થયા પછીના પ્રથમ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું છે કે, માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવાનો નિર્ણય ખોટો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતીય સૈનિકોની હાજરીને કારણે માલદીવની સ્વતંત્રતા પર કોઈ ખતરો નહતો. 1988ની ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે આ હિંદ મહાસાગર દ્વીપસમૂહમાં અમુક અંશે ભારતીય લશ્કરી હાજરી જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.
શું છે 1988ની ઘટના?
ઉલ્લેખનીય છે કે 1988માં માલદીવમાં વિદેશી આતંકવાદીઓની મદદથી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. તે સમયે ભારતીય સૈનિકો માલે સુધી પહોંચી ગયા હતા અને ઓપરેશન કેકટસ હાથ ધરીને સરકારને બચાવી હતી.
આ પણ વાંચોઃ તુર્કીમાં વધી શકે છે રાજકીય અસ્થિરતા, એર્દોગનના મુખ્ય હરીફ ઈમામોગ્લુને જેલ થતાં જ વિવાદ વકર્યો
માલદીવ હજૂ પણ ચૂકવી રહ્યું છે ચીનને દેવું
ભારતની મુલાકાતે આવેલા માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું કે, તેમનો દેશ હજુ પણ ચીનને $2 બિલિયનનું દેવું ચૂકવી રહ્યો છે, જેના કારણે દેશને ભારે નુકસાન થઈ રહ્યું છે. માલદીવ છોડીને ઘાનામાં સ્થાયી થયેલા નાશીદે કહ્યું કે, દેશમાં ભારતીય સૈનિકોની હાજરી અયોગ્ય નિર્ણય નથી અને માલદીવ સરકાર અત્યારે સંરક્ષણ પર ભારે ખર્ચ કરી શકે તેમ નથી.
કોણ છે મોહમ્મદ નશીદ?
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ નશીદ વર્ષ 2008માં પ્રથમ લોકશાહી રીતે યોજાયેલી ચૂંટણી જીતી હતી અને માલદીવ દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ ભારતની ખૂબ નજીક રહ્યા છે. તેમનો ભારત તરફી અભિગમ હંમેશા હકારાત્મક રહ્યો છે. અત્યારે માલદીવના પૂર્વ અને પ્રથમ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ ભારતની મુલાકાતે આવેલ છે.
આ પણ વાંચોઃ આર્ટિસ્ટ પર ટ્રમ્પનો આક્ષેપ! ઓબામાનું ચિત્ર સારું, મારું ખરાબ કેમ?