જ્યોર્જિયા મેલોનીની ખૂબસૂરતી પર કાયલ થયા ડોનાલ્ડ ટ્રમ્પ, ઈટલીના PMનું રિએક્શન વાયરલ
- ઈજિપ્તમાં યોજાયેલા ગાઝા શાંતિ સંમેલનમાં ટ્રમ્પે કર્યા મેલોનીના વખાણ (Giorgia Meloni Trump Comment)
- ટ્રમ્પે મેલોનીને સંબોધન દરમિયાન સુંદર યુવા મહિલા કહીને સંબોધ્યા
- ટ્રમ્પે સુંદર યુવા મહિલા કહીને સંબોધતા મેલોનિ હસી પડ્યા
Giorgia Meloni Trump Comment : ઇજિપ્તના શર્મ અલ-શેખમાં યોજાયેલા ગાઝા શાંતિ સંમેલનમાંથી ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સંબંધિત અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મેલોની આ સંમેલનમાં હાજર રહેલા રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓમાં એકમાત્ર મહિલા હોવાથી, તે બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સંમેલનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ઇટલીના PM મેલોની સાથે મુલાકાત દરમિયાન એક અનોખા અંદાજમાં જોવા મળ્યા. તેમણે મેલોની સાથે હાથ મિલાવ્યો અને મજાકમાં કહ્યું, "તમે ખૂબ સારા લાગી રહ્યા છો, પણ તમારે ધૂમ્રપાન છોડી દેવું જોઈએ."
આ સાંભળીને મેલોની હસી પડ્યા અને તેમની સામે ઊભેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં પણ જોરથી હસી પડ્યા હતા. મેલોનીએ હસતાં હસતાં જવાબ આપ્યો કે, "મને ખબર છે, પણ જો હું ધૂમ્રપાન છોડી દઈશ, તો કદાચ હું ઓછી સામાજિક (less social) થઈ જઈશ. હું કોઈને મારવા નથી માંગતી." એર્દોગને કહ્યું કે તુર્કી 'ધૂમ્રપાન-મુક્ત ભવિષ્ય'નું સમર્થક છે, તેથી તેઓ દરેક જગ્યાએ લોકોને પ્રેરિત કરે છે. આ બંનેની વાતચીતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના મંચ પરથી વખાણ (Giorgia Meloni Trump Comment)
ગાઝા શાંતિ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી. ટ્રમ્પ મંચ પરથી મેલોનીની પ્રશંસા કરતાં તેમને એક 'સુંદર યુવા મહિલા' તરીકે સંબોધ્યા. ટ્રમ્પે કહ્યું કે, "મને આમ કહેવાની પરવાનગી નથી, કારણ કે જો અમેરિકામાં કોઈ મહિલા માટે 'સુંદર' શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો તે તમારા રાજકીય જીવનનો અંત લાવી શકે છે, પણ હું મારું નસીબ અજમાવીશ."
સુંદર કહેવામાં વાંધો નથી, ખરુ નેં : ટ્રમ્પ
આ કહીને ટ્રમ્પ મેલોની તરફ વળ્યા, જે પાછળ ઊભા રહીને સ્મિત આપી રહ્યા હતા. ટ્રમ્પે પૂછ્યું, "તમને સુંદર કહેવામાં કોઈ વાંધો નથી, ખરું ને? કારણ કે તમે સુંદર છો." આના પર મેલોની હસી પડ્યા. ટ્રમ્પે મેલોનીને એક 'અદ્ભુત નેતા' ગણાવ્યા અને કહ્યું કે ઇટલી જ નહીં, આખી દુનિયામાં લોકો તેમનું સન્માન કરે છે.
શહબાઝ શરીફના વખાણ પર મેલોનીનું રિએક્શન વાયરલ
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે જ્યારે સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા, ખાસ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં તેમની ભૂમિકા વિશે વાત કરી, ત્યારે ઇટલીના PM જ્યોર્જિયા મેલોનીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. આ દરમિયાન તેમનું જે રિએક્શન હતું, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જ્યારે શહબાઝ શરીફ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવાની વાત કરી રહ્યા હતા, ત્યારે મેલોનીએ અસહજતાથી પોતાના હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું હતું.
આ પણ વાંચો : હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ પર પૂર્ણવિરામ, ઈજિપ્તમાં ગાઝા શાંતિ યોજનાના પર હસ્તાક્ષર