ભારતે UNHRC માં પડોશી દેશને અરીસો બતાવ્યો! પોતાના જ લોકો પર બોમ્બ વરસાવી રહ્યું છે પાકિસ્તાન
- UNHRCમાં ભારતે પાકિસ્તાનનો બરાબર ઉધડો લીધો
- PoK ખાલી કરો, કાશ્મીર પર જુઠ્ઠાણા બંધ કરોઃ ભારત
- ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું PoK ખાલી કરો
- માનવાધિકાર ઉલ્લંઘન, આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું
- 'પાકિસ્તાન વેન્ટિલેટર પર રહેલી અર્થવ્યવસ્થા પર ધ્યાન આપે'
- 'પોતાના જ લોકો પર બોમ્બ વરસાવી રહ્યું છે પાકિસ્તાન'
UNHRC : આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી ફરી એકવાર ખુલીને સામે આવી છે. મંગળવારે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે પાકિસ્તાનને તેના પોતાના જ દેશમાં માનવ અધિકારના ભંગ બદલ જવાબદાર ઠેરવ્યું, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા હવાઈ હુમલાઓનો ઉલ્લેખ કરીને, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.
ભારતની પ્રતિક્રિયા શા માટે આવી?
ભારતની આ કડક પ્રતિક્રિયા એક ચોક્કસ ઘટના બાદ આવી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની તિરાહ ખીણમાં થયેલા હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હોવાના અહેવાલો હતા. જોકે, પાકિસ્તાન સરકારે આ ઘટનાને પાકિસ્તાની તાલિબાન લડવૈયાઓ દ્વારા સંગ્રહિત બોમ્બ બનાવવાની સામગ્રીના અચાનક વિસ્ફોટનું પરિણામ ગણાવ્યું. પરંતુ, સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો અને અન્ય અહેવાલો સૂચવે છે કે આ વિનાશ પાકિસ્તાની વાયુસેના (PAF) દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓનું પરિણામ હતું. આ વીડિયોમાં કાટમાળ, સળગી ગયેલા વાહનો અને ધરાશાયી થયેલી ઇમારતોમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવતા દર્શાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાના આ કથિત કૃત્ય બાદ ભારતે ચૂપ રહેવું યોગ્ય ન માન્યું.
UNHRC માં ભારતીય રાજદ્વારીનો સણસણતો જવાબ
ભારતે UNHRC માં પાકિસ્તાનનો બરાબર ઉધડો લીધો હતો. ભારતીય વિદેશ સેવાના અધિકારી ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના પાયાવિહોણા બચાવનો જડબાતોડ જવાબ આપ્યો. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું, "આ પરિષદના એક સભ્ય દેશ ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ઉશ્કેરણીજનક નિવેદનો કરવા માટે આ મંચનો દુરુપયોગ કરી રહ્યા છે." ત્યાગીએ ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાને ભારતીય પ્રદેશો પર લાલચ રાખવાને બદલે તેના પોતાના આંતરિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય પ્રદેશો ખાલી કરવા જોઈએ.
UNHRCમાં ભારતે પાકિસ્તાનનો બરાબર ઉધડો લીધો | Gujarat First #India #Unhrc #ExposePakistan #PoK #HumanRightsViolations #CounterTerrorism #GlobalDiplomacy #gujaratfirst pic.twitter.com/KrVBWtY0c7
— Gujarat First (@GujaratFirst) September 24, 2025
ભારતીય વિદેશ સેવાના અધિકારીએ પાકિસ્તાનનો ઉદડો લીધો
આ સાથે, તેમણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, જે અન્ય દેશોની મદદ પર ચાલે છે, તેના લશ્કરી વર્ચસ્વથી દબાયેલા રાજકારણ અને માનવ અધિકારોના ભંગ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનને સીધું સંભળાવતા કહ્યું, "તેઓ જ્યારે આતંકવાદની નિકાસ, યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓને આશ્રય અને પોતાના જ લોકો પર બોમ્બમારો કરવા જેવી પ્રવૃત્તિઓમાંથી વિરામ લે, ત્યારે કદાચ આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે." આ નિવેદન પાકિસ્તાન પર સીધો અને ગંભીર આરોપ હતો, જેણે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું.
પાકિસ્તાનનો દંભ અને ભારતનો મજબૂત પક્ષ
પાકિસ્તાન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દો ઉઠાવીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે. જોકે, ભારત હંમેશા સ્પષ્ટ કરતું આવ્યું છે કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને આ પાકિસ્તાનનો આંતરિક મામલો નથી. આ સાથે, ભારતે પાકિસ્તાનના પોતાના જ દેશમાં ચાલી રહેલા માનવ અધિકારના ભંગ, આતંકવાદને સમર્થન અને લઘુમતીઓ પર થતા અત્યાચાર જેવા મુદ્દાઓનો પણ પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો : યુએન મહાસભામાં ટ્રમ્પનો હુંકાર: ભારત-ચીન પર યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ


