Myanmar Earthquake: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં બે દિવસમાં બીજીવાર ભૂકંપ, લોકોમાં દહેશત
- મ્યાનમારમાં (Myanmar)માં છેલ્લા બે દિવસમાં ફરી એકવાર ભૂકંપ (Earthquake)ના આંચકા
- સતત આંચકાઓથી લોકોમાં ગભરાટ, ચિંતા વધી
- મ્યાનમાર ભૂકંપના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંનો એક
Myanmar Earthquake: ભારતના પડોશી દેશ મ્યાનમાર (Myanmar)માં છેલ્લા બે દિવસમાં ફરી એકવાર ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે, જેના કારણે સ્થાનિક લોકોની ચિંતા વધી ગઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર 16 નવેમ્બરના રોજ 3.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હતી. આ પહેલા 14 નવેમ્બરના રોજ 3.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે હવે ફરી બીજા ભૂંકપે મ્યાનમારને ધ્રુજાવી દીધુ છે. મ્યાનમાર પહેલાથી જ મોટા ભૂકંપને કારણે ભારે નુકસાન સહન કરી ચૂક્યું છે, તેથી આ સતત આંચકાઓથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
મ્યાનમારમાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા, ભયનો માહોલ
આજે રવિવારે સવારે મ્યાનમારની રાજધાની નાયપીડો અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી છે. ભારતીય સમય મુજબ રાત્રે 02:40 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ અહેવાલ આપ્યો છે કે તેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી.આ ભૂકંપનું એક મહત્વપૂર્ણ પાસું તેની ઊંડાઈ છે, જે ફક્ત 10 કિલોમીટર હતી. ભૂસ્તરશાસ્ત્રીઓ આવા ભૂકંપને 'છીછરા ભૂકંપ' અથવા 'સપાટીના ભૂકંપ' કહે છે. તે જમીનની ખૂબ નજીક આવે છે, તેથી તેમની ઊર્જા સીધી સપાટી પર પહોંચે છે. આ જ કારણ છે કે તેઓ ઇમારતોમાં મજબૂત કંપનને પેદા કરે છે અને માળખાકીય નુકસાનનું જોખમ વધારે છે.
આ પહેલા, 14 નવેમ્બરે મ્યાનમારમાં પણ 3.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તે ભૂકંપ 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. છેલ્લા 48 કલાકમાં આવેલા આ બે સતત ભૂકંપ, જેમાંથી એક છીછરો હતો, સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વધારી દે છે. માર્ચ 2025માં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 3,500 થી વધુ લોકોના મોત થયા હતા. જેથી લોકો ગભરાઈ ગયા છે.
મ્યાનમારમાં ભૂકંપનું આટલું મોટું જોખમ કેમ?
મ્યાનમાર ભૂકંપના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંનો એક છે. આ મુખ્યત્વે ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટોના આંતરછેદ પર સ્થિત હોવાને કારણે છે: ભારતીય પ્લેટ, યુરેશિયન પ્લેટ, સુંડા પ્લેટ અને બર્મા પ્લેટ. આ પ્લેટોની અથડામણ અને સતત ગતિશીલતા આ પ્રદેશમાં વારંવાર ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિઓનું કારણ બને છે. વધુમાં લગભગ 1,400 કિલોમીટર લાંબી એક મોટી ટ્રાન્સફોર્મ ફોલ્ટ લાઇન, જેને સાગાઇંગ ફોલ્ટ કહેવાય છે, તે મ્યાનમારમાંથી પસાર થાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આ ફોલ્ટ લાઇન દેશના મોટા ભાગોને ભૂકંપના નોંધપાત્ર જોખમમાં મૂકે છે.
આ વિસ્તારો ખૂબ જોખમમાં
સાગાઈંગ ફોલ્ટ સાગાઈંગ, મંડલે, બાગો અને યાંગોન પ્રદેશોમાંથી પસાર થાય છે. આ ચિંતાનો વિષય છે કારણ કે મ્યાનમારની આશરે 46 ટકા વસ્તી આ વિસ્તારોમાં રહે છે. ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં આટલી મોટી વસ્તીની હાજરી મોટા ભૂકંપની સ્થિતિમાં જાનમાલના નોંધપાત્ર નુકસાનનું જોખમ ઊભું કરે છે. મ્યાનમાર અનેકવાર મોટા ભૂકંપનો માર સહન કરી ચૂક્યું છે. માર્ચ 2025માં આવેલા વિનાશક ભૂકંપ ઉપરાંત 1903માં બાગોમાં 7.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે રાજધાની યાંગોન સુધી અનુભવાયો હતો. આ ઐતિહાસિક ઘટનાઓને હજુ પણ એક ચેતવણી તરીકે યાદ કરવામાં આવે છે કે મ્યાનમારમાં હંમેશા મોટા ભૂકંપ માટે તૈયાર રહેવું જોઈએ. આ વર્તમાન નાના ભૂકંપોને મોટા ભૂકંપના પૂર્વગામી તરીકે પણ જોઈ શકાય છે, જે લોકોમાં ભયનું વાતાવરણ બનાવે છે.
આ પણ વાંચોઃ Bihar Politics: નીતિશ કુમાર રાજીનામું આપશે, નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ, અમિત શાહની દિલ્હીમાં બેઠક


