Iran-Israel War : ઈરાને અમેરિકન બેઝ પર કરેલા હુમલા મુદ્દે વૈશ્વિક દેશોની પ્રતિક્રિયા
- અમેરિકા, કતાર અને સાઉદી અરેબિયા ઈરાનથી નારાજ
- ઈરાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યુઃ કતાર
- સાઉદી અરેબિયાએ ઈરાનના હુમલાની નિંદા કરી
- ફ્રાન્સે કહ્યું રાજદ્વારી માર્ગે તણાવનો ઉકેલ લાવો
Iran-Israel War : કતારમાં આવેલા અમેરિકન લશ્કરી બેઝ પર ઈરાને હુમલો કરી દેતા આંતરરાષ્ટ્રીય સ્તરે હાહાકાર મચી ગયો છે. ઈરાનના હુમલા પર સમગ્ર વિશ્વના અગ્રણી દેશોએ પ્રતિક્રિયા આપી છે. ઈરાનમાં તો આ હુમલા બાદ ઉજવણી કરવમાં આવી રહી છે. જ્યારે અમેરિકા દ્વારા ઈરાનના આ હુમલાને નબળા ગણવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ ઈરાનના આ હુમલાની નિંદા કરી છે. કતારે ઈરાનના આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. જો કે ઈરાન કતારને પોતાનો ભાઈ ગણાવી રહ્યો છે. ફ્રાન્સે આ સમગ્ર મામલે રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાની હિમાયત કરી છે.
ઈરાનના હુમલા અંગે અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ઈરાને કરેલા હુમલાને નબળા ગણાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને હુમલામાં કોઈ ખાસ નુકસાન થયું નથી. ઈરાને ફાયર કરેલ 14 મિસાઈલમાંથી 13 અમે રોકી દીધી છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વિરામ અંગે ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલમાં યુદ્ધ વિરામનો દાવો કરતા કહ્યું કે, 12 કલાકમાં બંને દેશ હથિયારો છોડી દેશે. હવે12 દિવસથી ચાલતું યુદ્ધ સમાપ્ત થશે. આ વિશ્વ માટે એક મહાન દિવસ છે. જેડી વેન્સે આ ઘટનાને મધ્યપૂર્વમાં શાંતિની એક મોટી શરૂઆત ગણાવી છે.
અમેરિકા પર હુમલા બાદ ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા
ઈરાને કતારમાં અમેરિકન લશ્કરી બેઝ પર કરેલા હુમલા બાદ પણ અક્કડ વલણ છોડ્યું નથી. ઈરાનના વડા ખામેનેઈ (Khamenei) એ જણાવ્યું છે કે, ઈરાન કોઈના આક્રમણને સહન કરશે નહીં. અમે કોઈના આક્રમણ સામે ઝૂકીશું નહીં. કતાર અમારો ભાઈ છે. ઈરાને કહ્યું યુદ્ધવિરામ અંગે હજુ કોઈ નિર્ણય નથી કર્યો. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ જણાવ્યું છે કે, ઈઝરાયલ હુમલા બંધ કરે પછી નિર્ણય કરીશું. ઈઝરાયલ સાથે કોઈ ફાયનલ યુદ્ધવિરામ અમે નથી કર્યો. અમેરિકી સૈન્ય બેઝ પર હુમલા બાદ ઈરાનમાં ભારે ઉજવણી કરવામાં આવી રહી છે. ઈરાનના અનેક શહેરોમાં લોકોએ કાર-બાઈક રેલી નીકાળવામાં આવી છે. દક્ષિણ ઈરાનના બસરા શહેરમાં રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ ઈરાની ધ્વજ સાથે ઉજવણી કરી.
આ પણ વાંચોઃ Iran-Israel ceasefire : ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત ઈરાને ફગાવી, ઈઝરાયલ મૌન
અમેરિકાનો યુદ્ધ વિરામનો દાવો પણ ઈઝરાયલે કર્યા હુમલા
એક તરફ અમેરિકા યુદ્ધ વિરામનો દાવો કરી રહ્યું છે. જો કે ઈઝરાયલની વાયુસેનાએ ઈરાનના IRGCના કમાન્ડ સેન્ટર પર હુમલો કરી દીધો છે. બાસિજ હેડક્વાર્ટર, અલબોર્ઝ કોર્પ્સનું મથક નષ્ટ કરી દીધું છે. થાર અલ્લાહ કમાન્ડ સેન્ટર પર પણ એરસ્ટ્રાઈક કરી દેવામાં આવી છે.
ઈઝરાયલ હુમલાના જવાબમાં ઈરાને કર્યા હુમલા
ઈઝરાયલ પર ઈરાનનો ફરીથી મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલમાં હાઈ એલર્ટ. ઈરાને તેલ અવીવ, નબ્લસ, તુબાસમાં મિસાઈલ હુમલો કરી દીધો છે. હાઈફા, નેગેવ, ગૈલિલિ, યેરૂશલેમમાં પણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. નેવાતિમ બેસ પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. જો કે IDF દ્વારા મિસાઈલ હુમલાને નિષ્ફળ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.
ઈરાક પણ યુદ્ધની જવાળામાં સળગ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધની જવાળાઓ ઈરાકને દઝાડી રહી છે. ઈરાકમાં એરફોર્સ કેમ્પ પર ડ્રોનથી હુમલો કરી દેવામાં આવ્યો છે. ડ્રોનથી રડારને નિશાન બનાવવામાં આવ્યા છે. બગદાદ નજીક તાજી લશ્કરી મથકે હુમલો કરાયો છે. હુમલો કોણે કર્યો તેને લઈને હાલ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વાયુસેવા પર મોટી અસર થઈ રહી છે. ખાડી દેશોમાં એરસ્પેસ બંધ થતાં અનેક ફ્લાઈટ રદ કરવી પડી છે. જેમાં ઈન્ડિગોની ખાડી દેશોની ફ્લાઈટો 10 કલાક સુધી રદ. અકાસા એરની 24 જૂન સુધીની અનેક ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. જેમાં દોહા, કુવૈત, અબુ ધાબીની ફ્લાઈટનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા અને સ્પાઈસજેટની પણ ફલાઈટો પણ રદ કરાઈ છે.
આ પણ વાંચોઃ Iran-Israel ceasefire : ટ્રમ્પે કરી ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામની જાહેરાત, કહ્યું - 12 દિવસનું યુદ્ધ હવે ખતમ થયું