Israel Hamas War : ઇઝરાયલે તોડ્યો યુદ્ધવિરામ! ગાઝા પર કર્યો ફરીથી હુમલો, ટ્રમ્પને પણ આની જાણ હતી
- ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ તૂટી ગયો
- ગાઝા પર થયેલા હુમલામાં 200 થી વધુ લોકોના મોત
- હમાસે બંધકોને મુક્ત કરવાનો ઇનકાર કર્યો
Israel Hamas War Truce: : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામનો આખરે અંત આવ્યો છે. આ યુદ્ધવિરામ બે મહિના સુધી ચાલ્યો, પરંતુ મંગળવારે સવારે અચાનક ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો. ગાઝા સરકારના મીડિયા કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે. આ હુમલો અચાનક નથી થયો. ઈઝરાયેલે આ અંગે અમેરિકાને અગાઉથી જ જાણ કરી દીધી હતી. પરંતુ સવાલ એ છે કે આ યુદ્ધવિરામ કેમ ચાલી ન શક્યું? ઈઝરાયલના રક્ષા મંત્રીએ આ અંગે માહિતી આપી છે. IDF ના હુમલા પછી તેમણે એક નિવેદન બહાર પાડ્યું. જેમાં તેમણે કહ્યું, 'આજે રાત્રે આપણે ગાઝાના યુદ્ધમાં પાછા ફર્યા છીએ.' હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાનો ઇનકાર અને IDF સૈનિકોને નુકસાન પહોંચાડવાની ધમકીઓને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે. ઇઝરાયલે ગાઝા પર એવા સમયે હુમલો કર્યો છે, જ્યારે અમેરિકા યમનમાં હૂતીઓ પર બોમ્બમારો કરી રહ્યું છે.
અમે લડાઈ બંધ કરીશું નહીં
તેમણે કહ્યું, 'જો હમાસ બાકીના 59 બંધકોને મુક્ત નહીં કરે તો ગાઝામાં નર્કના દરવાજા ખુલશે.' અમે હમાસ પર એવા બળ સાથે હુમલો કરીશું જે તેણે પહેલાં ક્યારેય જોયો નહી હોય. કાત્ઝે કહ્યું કે, જ્યાં સુધી તમામ બંધકો ઘરે પરત ન ફરે અને યુદ્ધના તમામ ઉદ્દેશ્યો પૂરા ન થાય ત્યાં સુધી અમે લડાઈ બંધ કરીશું નહીં. જ્યારે હમાસે કરારની મૂળભૂત શરતોને વળગી રહેવાનો આગ્રહ રાખ્યો છે. IDF એ એક નિવેદનમાં કહ્યું, IDF અને ISA હાલમાં ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા લક્ષ્યો પર વ્યાપક હુમલાઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો : russia ukraine war: યુક્રેન સાથે યુદ્ધ વિરામની શક્યતાઓ ધૂંધળી બની, રશિયાએ રજૂ કરી આકરી શરતો
શું કહ્યું વ્હાઇટ હાઉસે?
રિપોર્ટ અનુસાર ઈઝરાયેલે આ હુમલા અંગે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પહેલા જ જાણ કરી દીધી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા બ્રાયન હ્યુજીસએ કહ્યું કે, 'હમાસ યુદ્ધવિરામને લંબાવવા માટે બંધકોને મુક્ત કરી શક્યું હોત, પરંતુ તેણે ઇનકાર કરીને યુદ્ધનો વિકલ્પ પસંદ કર્યો હતો.'
હમાસે યુદ્ધવિરામનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં
ગયા અઠવાડિયે, ટ્રમ્પ વહીવટીતંત્રે યુદ્ધવિરામ લંબાવવાનો પ્રયાસ કર્યો અને બંને પક્ષો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. કતારની રાજધાની દોહામાં યોજાયેલી આ વાતચીત કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ હતી. વ્હાઇટ હાઉસે કહ્યું કે, હમાસે તેના પ્રસ્તાવને ફગાવી દીધો. સ્થાનિક સમય અનુસાર, સવારે 2 વાગ્યે હવાઈ હુમલો શરૂ થયો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ 7 ઓક્ટોબર 2023 ના રોજ શરૂ થયું, જ્યારે હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી યુદ્ધમાં 48,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો : Sunita Williams ને પૃથ્વી પર પરત લાવવાનો માર્ગ મોકળો, જાણો ક્યારે આવશે


