Israel-Iran War : ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલાથી વૈશ્વિક તણાવ, જાણો યુએન સેક્રેટરી જનરલે શું કરી અપીલ
- ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલાથી વૈશ્વિક તણાવ
- UNSCમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર ઇમરજન્સી બેઠક
- IAEAનો ખુલાસો: ઈરાનના 3 પરમાણુ સ્થળોને નુકસાન
- ચીન-રશિયાનો યુદ્ધવિરામ માટે જોરદાર દબાણ
Israel-Iran War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલાએ વૈશ્વિક તણાવમાં વધારો કર્યો છે. આ ઘટનાને પગલે ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ઇમરજન્સી બેઠક બોલાવવાની માગણી કરી હતી. ભારતીય સમય મુજબ રવિવારે મધ્યરાત્રિએ 12:30 વાગ્યે આ બેઠક યોજાઈ, જેમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા વિવાદ પર ચર્ચા થઈ. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ બેઠકમાં ઈરાનના પરમાણુ મથકોને થયેલા નુકસાનની માહિતી આપી. અમેરિકાએ પોતાના હુમલાને યોગ્ય ગણાવીને ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાથી રોકવાનો પોતાનો સંકલ્પ ફરી દોહરાવ્યો.
IAEAનો અહેવાલ: પરમાણુ મથકોને નુકસાન
રાફેલ ગ્રોસીએ UNSC બેઠકમાં જણાવ્યું કે, અમેરિકાના હુમલાઓએ ઈરાનના 3 મુખ્ય પરમાણુ સ્થળો—ફોર્ડો, ઇસ્ફહાન અને નાતાન્ઝને નુકસાન પહોંચાડ્યું છે. ફોર્ડો પરમાણુ સ્થળ પર બોમ્બમારાથી નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે નુકસાનનું સ્વરૂપ હજુ સ્પષ્ટ થયું નથી. ઇસ્ફહાન પ્લાન્ટના પ્રવેશદ્વારોને વિક્ષેપિત કરવાનો પ્રયાસ થયો, જ્યારે નાતાન્ઝ પર મિસાઈલ હુમલા થયા. સદનસીબે, આ ત્રણેય સ્થળો પરથી પરમાણુ રેડિયેશન લીક થયું નથી, પરંતુ નુકસાન નોંધપાત્ર છે. ગ્રોસીએ આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે જોખમી ગણાવ્યા અને તાત્કાલિક સંયમની જરૂરિયાત પર ભાર મૂક્યો.
રશિયા, ચીન અને પાકિસ્તાનનો યુદ્ધવિરામ પ્રસ્તાવ
રશિયા, ચીન અને પાકિસ્તાને બેઠકમાં ઈરાન પર અમેરિકાના હુલાની નિંદા કરી અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની માગણી કરી. રશિયન રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ અમેરિકાના હુમલાને 'પાન્ડોરા બોક્સ' ગણાવીને 2003ના ઇરાક હુમલા સાથે સરખામણી કરી. તેમણે અમેરિકા પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. ચીનના રાજદૂત ફુ કાંગે પણ મધ્ય પૂર્વની બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને યુદ્ધવિરામની હાકલ કરી. પાકિસ્તાને આ પ્રસ્તાવને ટેકો આપતાં ઈઝરાયલને સરહદ પાર ન કરવા ચેતવણી આપી. આ પ્રસ્તાવમાં IAEA-સંરક્ષિત પરમાણુ સ્થળો પર હુમલાની નિંદા કરવામાં આવી, પરંતુ અમેરિકા આ પ્રસ્તાવને વીટો કરી શકે તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.
યુએન સેક્રેટરી જનરલની અપીલ
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે બેઠકમાં મધ્ય પૂર્વની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે ઈરાન પરના અમેરિકાના હુમલાને વૈશ્વિક શાંતિ માટે જોખમી ગણાવ્યો અને તમામ સભ્ય દેશોને રાજદ્વારી રીતે વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી. ગુટેરેસે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને વધુ ઉગ્ર થતો અટકાવવા સંયમ અને સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ચેતવણી આપી કે આવા હુમલાઓથી વ્યાપક યુદ્ધનું જોખમ વધી શકે છે.
અમેરિકાનું વલણ
અમેરિકાએ UNSC બેઠકમાં પોતાના હુમલાને યોગ્ય ઠેરવ્યું અને ઈઝરાયલનું સમર્થન કર્યું. અમેરિકાએ દાવો કર્યો કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ નિવેદનથી ઈરાન અને તેના સમર્થક દેશો વચ્ચે તણાવ વધુ ગાઢ બન્યો છે. અમેરિકાના આ વલણે યુદ્ધવિરામની શક્યતાઓને જટિલ બનાવી દીધી છે.
આ પણ વાંચો : અમેરિકાના ઈરાન પર હુમલા બાદ હવે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંતા ઊભી થઇ! મુસ્લિમ દેશો આવ્યા એકસાથે