Donald Trump : "હવે ખૂબ મોડું થઈ ગયું છે," PM મોદીને પુતિન-જિનપિંગ સાથે જોઈ ટ્રમ્પને ખટક્યું
- ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ (Donald Trump)
- ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકયો
- ટ્રમ્પે પોસ્ટ કરી ભારત પર કર્યા પ્રહાર
Donald Trump : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ (Donald Trump) મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકયો છે. પહેલા ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો શ્રેય લેવા પ્રયાસ કર્યા, પછી ટ્રેડ ડીલ મુદ્દે પણ તણાવ થતાં બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે. એવામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર આકરા પ્રહાર કર્યા છે. આટલું જ નહીં ટ્રમ્પનો દાવો છે કે ભારતે ટેરિફ ઘટાડવાની ઓફર આપી છે.
ટ્રમ્પના ફરી ભારત પર પ્રહાર (Donald Trump)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ (Truth Social) સોશિયલ પર પોસ્ટ કરી ભારત પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, કે 'અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો બિઝનેસ કરે છે પરંતુ ભારત આપણી સાથે મોટા પ્રમાણમાં બિઝનેસ કરે છે. બીજા શબ્દોમાં કહું તો ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સામાન વેચે છે.આપણે તેમના સૌથી મોટા ગ્રાહક છીએ પણ આપણે ત્યાં ખૂબ ઓછો સામાન વેચીએ છીએ. છેલ્લા ઘણા દાયકાઓથી આ એકતરફી સંબંધો ચાલી રહ્યા હતા.'
ભારતે ટેરિફ ઘટાડવા પ્રસ્તાવ આપ્યો: ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે વધુમાં કહ્યું, કે 'ભારત અત્યાર સુધી અમેરિકા પર ખૂબ મોટા પ્રમાણમાં ટેરિફ લગાવતું હતું, જેના કારણે ત્યાં કોઈ પણ સામાન વેચવો ખૂબ અઘરો હતો. આટલું જ નહીં ભારત મોટા પ્રમાણમાં ઓઇલ અને સૈન્ય હથિયારો રશિયા પાસેથી જ ખરીદે છે. ભારતે હવે ટેરિફ ઘટાડવા પ્રસ્તાવ આપ્યો છે, પણ હવે ખૂબ વિલંબ થઈ રહ્યો છે. ભારતે આ વર્ષો અગાઉ જ કરવા જેવું હતું.
આ પણ વાંચો-India-America Controversy : અમેરિકામાં બ્રાહ્મણ’ શબ્દને લઈને વિવાદ, કોંગ્રેસના નેતાએ કર્યું સમર્થન
ચીનમાં યોજાઈ SCO સમિટ; ભારત, ચીન અને રશિયાની એકતા દેખાઈ
નોંધનીય છે કે આજે જ વડાપ્રધાન મોદી ચીનમાં આયોજિત SCO સમિટમાં સામેલ થયા હતા. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓની મુલાકાતની તસવીરો વિશ્વ આખામાં વાઇરલ થઈ હતી. આ સમિટમાં અમેરિકાનું નામ લીધા વિના કડક સંદેશો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-SCO Summit : મોદી-પુતિન સાથે હસતાં હસતાં આગળ વધ્યા,શાહબાઝ શરીફ જોતા રહ્યા,જુઓ વીડિયો.
રશિયાના ઓઇલ મુદ્દે ભારત પર સતત અમેરિકાનું દબાણ
બીજી તરફ અમેરિકા દ્વારા ભારત પર સતત રશિયાના ઓઇલ મુદ્દે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના કેબિનેટના સદસ્યો, ટ્રમ્પના સલાહકાર અને વ્હાઇટ હાઉસના પ્રવક્તા અવાર નવાર રશિયાથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારત પર પ્રહાર કરી રહ્યા છે. જોકે ભારતે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે ઓઇલ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે, ચીન અને યુરોપ પણ ઓઇલ અને ગેસ ખરીદે છે. ભારતને જ્યાંથી સૌથી સારી ડીલ મળશે ત્યાંથી ઓઇલ ખરીદવામાં આવશે.