નેપાળમાં ક્યારે થશે સામાન્ય ચૂંટણી? વચગાળાના PMના શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિની જાહેરાત
- નેપાળમાં વચગાળા PMના શપથ બાદ સામાન્ય ચૂંટણીની જાહેરાત (Nepal General Election)
- રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે 12 સપ્ટેમ્બર 2025ના રોજ સુશીલા કાર્કીને લેવડાવ્યા શપશ
- સુશીલા કાર્કીના શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિએ સામાન્ય ચૂંટણીની તારીખ કરી જાહેર
- નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ યોજાશે સામાન્ય ચૂંટણી
Nepal General Election : નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે, જ્યાં 'જનરેશન-ઝેડ' (Gen-Z) યુવાનોના અસાધારણ બળવાએ માત્ર સત્તાનું તખ્તાપલટ કર્યું નથી, પરંતુ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન તરીકે સ્થાપિત કર્યા છે. 9 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે 12 સપ્ટેમ્બરની સાંજે સુશીલા કાર્કીને શપથ લેવડાવ્યા.
શીતલ નિવાસ (રાષ્ટ્રપતિ ભવન) ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ રામ સહાય યાદવ, મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માન સિંહ રાવત અને ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સૌથી મોટી જાહેરાત સામાન્ય ચૂંટણીઓને લઈને કરવામાં આવી.
યુવાનોના વિશ્વાસ પર ખરી ઉતરશે સુશીલા કાર્કી
12 સપ્ટેમ્બરના રોજ સુશીલા કાર્કીએ નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ પદ સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે, "હું યુવાનોના વિશ્વાસ પર ખરી ઉતરીશ. દેશમાં ભ્રષ્ટાચારનો અંત લાવવો અને શાંતિની પુનઃસ્થાપના કરવી એ મારું પ્રથમ અને મુખ્ય લક્ષ્ય હશે." તેમની આ નિમણૂક નેપાળી યુવાનોની માંગણી પર થઈ છે.
ઓનલાઈન સર્વે દ્વારા થઈ પસંદગી (Nepal General Election)
'હમી નેપાળ' નામના યુવા સંગઠને એક ઓનલાઇન સર્વે દ્વારા સુશીલા કાર્કીનું નામ પસંદ કર્યું હતું. નેપાળ સેનાના પ્રમુખ જનરલ અશોક રાજ સિગડેલે આ નિમણૂકને આવકારીને કહ્યું કે, "સુશીલા દેશમાં રાજકીય સ્થિરતા લાવશે." આ પ્રસંગે ભારત તરફથી રાજદૂત નવીન શ્રીવાસ્તવે અભિનંદન પાઠવ્યા, જે નેપાળ-ભારત સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપે છે.
Nepal President Ram Chandra Poudel, as per the recommendation of Prime Minister Sushila Karki, has dissolved the current House of Representatives with effect from 11:00 PM on Friday, Bhadra 27, 2082 BS.
The date for the election of the new House of Representatives has been… pic.twitter.com/QTPrDlypxC
— ANI (@ANI) September 12, 2025
પાંચ માર્ચે સામાન્ય ચૂંટણીઓની જાહેરાત (Nepal General Election)
સુશીલા કાર્કીના શપથ લીધા બાદ તરત જ રાષ્ટ્રપતિએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે 5 માર્ચ 2026ના રોજ દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની ઘોષણા કરી. આ નિર્ણય આગામી 6 મહિનાના વચગાળાના સમયગાળા પછી લેવામાં આવ્યો છે, જેથી યુવાનોને દેશ માટે નવા વડાપ્રધાન પસંદ કરવાનો અવકાશ મળે.
દેશમાં જરુરી સુધારા લાવવામાં આવશે : કાર્કી
સુશીલા કાર્કીએ જણાવ્યું કે, "હું માત્ર વચગાળાની સરકાર ચલાવીશ, પરંતુ ચૂંટણી પહેલાં દેશમાં જરૂરી સુધારાઓ લાવીશ." આ નિર્ણય જનરેશન-ઝેડ, સેના અને રાષ્ટ્રપતિ વચ્ચેની સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ અંગે યુવા નેતા ઓજસ્વીએ કહ્યું, "અમને વિશ્વાસ છે કે સુશીલા એક નવા નેપાળનું નિર્માણ કરશે. 5 માર્ચે થનારા મતદાનથી દેશમાં સાચું પરિવર્તન આવશે."
કોણ છે સુશીલા કાર્કી?
સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952ના રોજ વિરાટનગરમાં થયો હતો. તેઓ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (2016-2017) તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1979માં તેમણે વકીલાતની શરૂઆત કરી.
તેમની પ્રામાણિક્તાને કારણે થયા પસંદ
મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે અનેક મંત્રીઓને જેલમાં મોકલ્યા હતા અને મહિલા અધિકારોનું રક્ષણ કર્યું હતું. વર્ષ 2017માં તેમને મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને પુનઃસ્થાપિત કર્યા. જનરેશન-ઝેડના યુવાનોએ તેમને તેમની પ્રામાણિકતા અને તટસ્થતાને કારણે પસંદ કર્યા. આ માટે કુલમન ઘીસિંગ (વીજળી સુધારક) અને બાલેન શાહ (કાઠમંડુના મેયર) જેવા અન્ય દાવેદારો પણ હતા, પરંતુ સુશીલા કાર્કી તેમની પ્રથમ પસંદગી બની.
આ પણ વાંચો : નેપાળના વચગાળાની સરકારના Sushila Karki વડાપ્રધાન બન્યા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ


