ના ફ્લાઇટ, ના મુસાફરો... પાકિસ્તાને રૂ. 2079 કરોડ ખર્ચીને બનાવ્યું આ એરપોર્ટ
- પાકિસ્તાનનું નવું ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ ગયું
- ચીન દ્વારા $240 મિલિયનના ખર્ચે બનાવવામાં આવ્યું
- એરપોર્ટ હજુ સુધી કાર્યરત થયુ નથી
Gwadar International Airport : પાકિસ્તાનનું સૌથી નવું અને મોંઘું ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ ગયું છે. તે ચીન દ્વારા $240 મિલિયનના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ ઓક્ટોબર 2024 માં સંપૂર્ણપણે તૈયાર તો થઈ ગયું, પરંતુ તે હજુ સુધી કાર્યરત નથી. જ્યાં આ એરપોર્ટ બનેલું છે, ત્યાં ન તો કોઈ મુસાફરો છે કે ન તો કોઈ વિમાન. ન્યૂ ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે કાર્યરત થશે તેની કોઈને ખબર નથી.
ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો એક મહત્વપૂર્ણ ભાગ
લગભગ 4300 એકરમાં ફેલાયેલા આ એરપોર્ટનું કામ 2019 માં શરૂ થયું હતું અને 20 જાન્યુઆરી 2025 ના રોજ તેનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ન્યૂ ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો એક ભાગ છે, જે એક અબજ ડોલરનો પ્રોજેક્ટ છે. તેનો ઉદ્દેશ્ય ચીનના પશ્ચિમી શિનજિયાંગ પ્રાંતને અરબી સમુદ્ર સાથે જોડવાનો છે. ગ્વાદરના લોકો કહે છે કે આનાથી કોઈ ખાસ ફાયદો થશે નહીં, જ્યારે પાકિસ્તાની અધિકારીઓ તેને એક મોટો વિકાસ ગણાવી રહ્યા છે.
ગ્વાદર વિસ્તારમાં મૂળભૂત જરૂરિયાતોનો અભાવ
પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં સ્થિત ગ્વાદર વિસ્તારમાં વીજળી અને સ્વચ્છ પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોનો અભાવ છે. પાકિસ્તાન-ચીન સંબંધોના નિષ્ણાત અઝીમ ખાલિદે કહ્યું કે, આ એરપોર્ટ પાકિસ્તાન કે ગ્વાદર માટે નથી. આ ચીન માટે છે, જેથી તેઓ તેમના નાગરિકો માટે ગ્વાદર અને બલૂચિસ્તાનમાં સુરક્ષિત પ્રવેશ પ્રદાન કરી શકે.
આ પણ વાંચો : શું ભારત પહેલા બાંગ્લાદેશમાં શરૂ થશે સ્ટારલિંક ? યુનુસે એલોન મસ્કને આપ્યું આમંત્રણ
પાકિસ્તાને ગ્વાદરમાં સુરક્ષા વધારી
આ એરપોર્ટ એવા સમયે બનાવવામાં આવ્યું છે જ્યારે બલુચિસ્તાનના સામાન્ય લોકો ત્યાં ચીનના શોષણનો વિરોધ કરી રહ્યા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) આ ક્ષેત્રમાં ચીની રોકાણોને નિશાન બનાવી રહી છે, જેના કારણે પાકિસ્તાને ગ્વાદરમાં તેની સૈન્ય હાજરી વધારી દીધી છે. અહીં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન BLA ને આતંકવાદી સંગઠન માને છે.
સ્થાનિક લોકોએ શું કહ્યું?
ચીની કર્મચારીઓ અને અધિકારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે અહી રસ્તાઓ વારંવાર બંધ કરી દેવામાં આવે છે. ગ્વાદરના રહેવાસી ખુદા બક્ષ હાશિમે જણાવ્યું કે, તેમની પાસે રસ્તાઓ પર ઓળખ માંગવામાં આવે છે. તેમણે કહ્યું, "અમારે કહેવુ પડે છે કે અમે કોણ છીએ, ક્યાંથી આવી રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, ક્યાં રહીએ છીએ." અધિકારીઓએ દાવો કર્યો હતો કે CPECએ 2,000 નોકરીઓનું સર્જન કર્યું છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે નોકરીઓ સ્થાનિક બલૂચ રહેવાસીઓ માટે છે કે પાકિસ્તાનના અન્ય ભાગોના લોકો માટે.
આ પણ વાંચો : Giorgia Meloni Speech: PM Modi, મેલોની અને ટ્રમ્પ એકસાથે બોલે છે તો... ડાબેરીઓ પર ગુસ્સે થયા ઇટાલીના PM જ્યોર્જિયા


