અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? અત્યારે બંને દેશોના કેવા છે હાલાત
- અફઘાનિસ્તાન-પાકિસ્તાનના યુદ્ધ અંગે ટ્રમ્પનું નિવેદન (Pakistan Afghanistan conflict)
- પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ પણ ઉકેલીશઃ ટ્રમ્પ
- ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો લીધો શ્રેય
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હું યુદ્ધ રોકાવવામાં માહેર
- કેટલાક સંઘર્ષોને વેપાર અને ટેરિફથી ઉકેલ્યાઃ ટ્રમ્પ
Pakistan Afghanistan conflict : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ મોડી રાત્રે યુદ્ધવિરામ સાથે શાંત પડ્યો, પરંતુ પાકિસ્તાને અફઘાનિસ્તાનને 'જડબાતોડ જવાબ' આપવાની ધમકી આપી છે. બંને દેશોએ આ યુદ્ધમાં થયેલા નુકસાનના આંકડા અલગ-અલગ રજૂ કર્યા છે, જેનાથી તણાવ હજુ પણ યથાવત છે.
અફઘાન સેનાનો દાવો છે કે તેમણે 58 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે અને 25 પાકિસ્તાની ચોકીઓ પર કબજો જમાવ્યો છે. જોકે, પાકિસ્તાને આ દાવાને નકારી કાઢતા માત્ર 23 સૈનિકોના મોત થયાની વાત કરી છે અને તેના બદલે 200 તાલિબાની લડવૈયાઓને મારવાનો દાવો કર્યો છે.
પાક-અફઘાન સંઘર્ષ પર ટ્રમ્પની પ્રતિક્રિયા (Pakistan Afghanistan conflict)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ જતી વખતે એરફોર્સ-1માં પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ અત્યાર સુધીમાં 8 યુદ્ધો રોકાવી ચૂક્યા છે, જેમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ 8મું યુદ્ધ હતું.
હું યુદ્ધ રોકાવવામાં માહેર(Pakistan Afghanistan conflict)
ટ્રમ્પે પાક-અફઘાન સંઘર્ષ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "મેં સાંભળ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે, તો તેમને મારા પાછા આવવાની રાહ જોવી પડશે. હું યુદ્ધો રોકી રહ્યો છું કારણ કે હું યુદ્ધો ઉકેલવામાં માહેર છું." તેમણે વધુમાં દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને પણ ટેરિફ અને વેપારની ધમકી આપીને રોક્યો હતો, અને કેટલાક લાંબા સમયથી ચાલતા યુદ્ધોને એક જ દિવસમાં ઉકેલી દીધા હતા.
સંઘર્ષની શરૂઆત કેવી રીતે થઈ?
આ સંઘર્ષ 9 ઓક્ટોબર, 2025ના રોજ શરૂ થયો જ્યારે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કાબુલ, ખોસ્ત, જલાલાબાદ અને પક્તિકામાં હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓ તહરીક-એ-પાકિસ્તાન (TTP) ના વડા નૂર વલી મહેસૂદને ઠાર કરવા અને TTPના આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 23 લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનનો વળતો હુમલો
પાકિસ્તાનના આ હુમલાના જવાબમાં, 12 ઓક્ટોબરે અફઘાન સેનાએ ડ્યુરન્ડ લાઇન પાર કરી અને પાકિસ્તાનની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો. આ ઘટના બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની તેની સરહદો અને દેશમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. બંને દેશોએ એકબીજા પર સરહદ પાર કરવાના નિયમનું ઉલ્લંઘન કરવા અને યુદ્ધ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.
યુદ્ધવિરામની કૂટનીતિ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર મધ્ય પૂર્વના દેશોએ તુરંત પ્રતિક્રિયા આપી. સાઉદી અરેબિયા, કતાર અને ઈરાને બંને દેશોને સંયમ જાળવવાની અને યુદ્ધવિરામની અપીલ કરી. સાઉદી અરેબિયા અને કતરે સંઘર્ષને રોકવા માટે મધ્યસ્થી કરવાની પણ કોશિશ કરી. ઇસ્લામિક અમીરાતના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પુષ્ટિ કરી કે તેઓ કતાર અને સાઉદી અરેબિયાની વિનંતીઓને માની રહ્યા છે, ત્યારબાદ યુદ્ધવિરામ થયો.
અફઘાનિસ્તાનની ચેતવણી
બીજી તરફ, અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પણ દિવસભરની કાર્યવાહી બાદ મધ્યરાત્રિએ ઓપરેશન સમાપ્ત કરવાની જાહેરાત કરી. જોકે, તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે જો પાકિસ્તાને ફરીથી અફઘાનિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો તો સેના જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહેશે.
આ પણ વાંચો : ગાઝા શાંતિ સંમેલન: ઇજિપ્તે PM મોદીને નિમંત્રણ આપ્યું, ટ્રમ્પ સાથે મુલાકાત?