પાકિસ્તાનના PM શાહબાઝ શરીફનું નિવેદન, કહ્યું, 'તાલિબાનને કચડ્યા વિના આગળ ન વધી શકીએ'
- શેહબાઝ શરીફે પાકિસ્તાનના રાજકીય અને સૈન્ય ધારકોને એક થવાની અપીલ કરી
- તાલિબાનને કચડી નાખ્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી
- આર્મીના જવાનોની શહાદત એ સૌથી મોટું બલિદાન
- TTPએ પાકિસ્તાની દળો પર અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી
શેહબાઝ શરીફે પાકિસ્તાનના રાજકીય અને સૈન્ય ધારકોને એક થવાની અપીલ કરી હતી અને દેશમાં વધી રહેલા સુરક્ષા સંકટનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આ ખતરાને હરાવવા અને દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આપણે એક મંચ પર આવવું પડશે.
શાહબાઝ શરીફનુ નિવેદન
ઈસ્લામાબાદમાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ (SIFC)ની સર્વોચ્ચ સમિતિને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાલિબાનને લઈને કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તાલિબાનને કચડી નાખ્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે, આ નિવેદન પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર વધી રહેલા તણાવ અને હિંસક ઘટનાઓ વચ્ચે આવ્યું છે. શાહબાઝ શરીફે કહ્યું કે, તાલિબાને ફરી માથું ઊંચું કર્યું છે અને અમે તેને કચડી નાખ્યા વિના આગળ વધી શકતા નથી. શરીફે વધુમાં કહ્યું કે, દરરોજ કોઈને કોઈ ઘટના બને છે. ભલે તે 10 ઓફિસર હોય, ફ્રન્ટિયર કોર્પ્સ, પોલીસ કે આર્મીના જવાનો હોય, તેમની શહાદત એ સૌથી મોટું બલિદાન છે. આપણે ન માત્ર તેમનું સન્માન કરવું જોઈએ, પરંતુ રાષ્ટ્રને પણ કહેવું જોઈએ કે, આ રાક્ષસને હરાવવાનું અમારું લક્ષ્ય છે.
TTPના અડ્ડાઓને ખતમ કરવા હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે, 24 ડિસેમ્બર 2024ના રોજ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ હવાઈ હુમલાઓ પાકિસ્તાનમાં ઘણા હુમલાઓ માટે જવાબદાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના અડ્ડાઓને ખતમ કરવા માટે કરવામાં આવ્યા હતા. આ હુમલા પછી, અફઘાન તાલિબાને આ હુમલાઓને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. તાલિબાનો દાવો કરે છે કે, મૃતકોમાં ઘણા પાકિસ્તાની શરણાર્થીઓ હતા. તેના જવાબમાં, 28 ડિસેમ્બરે, અફઘાન તાલિબાને પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. દરમિયાન, ટીટીપી પણ વધતા સંઘર્ષમાં સક્રિય રહી છે અને તેણે પાકિસ્તાની દળો પર અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બગડતા સંબંધો
આ હિંસા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ઉજાગર કરે છે. બંને દેશોએ એકબીજા પર સરહદ પારના આતંકવાદ માટે જવાબદાર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી! અત્યાર સુધીમાં 170 લોકોના મોત, ઈમરજન્સી લાગુ
TTP પાકિસ્તાન માટે કેવી રીતે મોટો ખતરો બન્યું?
ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) પાકિસ્તાન માટે એક ગંભીર પડકાર અને ખતરા તરીકે ઉભરી આવ્યું છે. આ બદલાવથી TTPને ફરી સંગઠિત થવાની અને મજબૂત બનવાની તક મળી, જેના પછી પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલાઓ વધુ તીવ્ર બન્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં TTPએ 1200થી વધુ હુમલા કર્યા છે, જેના કારણે પાકિસ્તાન પરેશાન છે. આ જૂથ અન્ય આતંકવાદી જૂથો સાથે તેના જોડાણનો લાભ લઈ રહ્યું છે અને કથિત રીતે અફઘાન તાલિબાન પાસેથી સમર્થન પ્રાપ્ત કરી રહ્યું છે, જે પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિને વધુ જટિલ બનાવે છે.
TTPનો હેતુ શું છે?
TTPનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની સરકારને ઉથલાવી દેવાનો અને શરિયા કાયદાની તેની કટ્ટરવાદી વિચારધારાના આધારે ઇસ્લામિક અમીરાત બનાવવાનો છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે તે આત્મઘાતી હુમલા અને ટાર્ગેટ કિલિંગ જેવી હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાની સેના અને સરકાર બંને પરેશાન છે.
આ પણ વાંચો : મોડલને આવ્યો હતો તાવ, એક્સ રે જોઇને ડોક્ટરે કહ્યું ગમે ત્યારે થઇ જશે તમારુ મોત