ફરી બોમ્બ વિસ્ફોટથી ધ્રૂજી ઉઠયું પાકિસ્તાન! સ્કૂલ બસમાં આત્મઘાતી હુમલામાં 4 બાળકના મોત
- ફરી બોમ્બ વિસ્ફોટથી ધ્રૂજી ઉઠયું પાકિસ્તાન
- સ્કૂલ બસમાં આત્મઘાતી હુમલામાં 4 બાળકના મોત
- બલુચિસ્તાનના કુઝદારમાં બસ પર મોટો હુમલો
- 38થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
- આત્મઘાતી વિસ્ફોટના પગલે અફરાતફડીનો માહોલ
- હુમલા અંગે કોઈએ નથી સ્વીકારી જવાબદારી
Bomb Blast in Pakistan : પાકિસ્તાનના અશાંત દક્ષિણપશ્ચિમ બલૂચિસ્તાનના કુઝદાર જિલ્લામાં આજે 21 મે, 2025ના રોજ એક આત્મઘાતી કાર બોમ્બ હુમલાએ સ્કૂલ બસને નિશાન બનાવી, જેમાં 4 બાળકોના કરુણ મોત થયા અને 38થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલો થતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ શંકા સ્થાનિક બલૂચ અલગાવવાદી જૂથો, ખાસ કરીને બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) પર જાય છે, જે આ પ્રદેશમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવતા રહ્યા છે.
હુમલા અંગે કોઈએ નથી સ્વીકારી જવાબદારી
મળી રહેલી માહિતી અનુસાર, બસ બાળકોને સ્કૂલે લઈ જઈ રહી હતી ત્યારે હુમલો થયો. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) પર શંકા છે. આ સંગઠન અગાઉ પણ આવા હુમલાઓમાં સામેલ રહ્યું છે. BLA એ ઘણી વખત પાકિસ્તાની સેનાના કાફલાઓને નિશાન બનાવ્યા છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ આ ઘટનાને "નિર્દોષ બાળકો સામેની બર્બરતા" ગણાવી અને ગુનેગારોને "જાનવરો" કહ્યા, કડક કાર્યવાહીની ચેતવણી આપી. તેમણે કહ્યું કે આ કાયરતાપૂર્ણ હુમલો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.
બલુચિસ્તાનમાં બગડતી સુરક્ષા સ્થિતિ
જણાવી દઈએ કે, બલુચિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી અલગતાવાદી હિંસા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. એક અઠવાડિયામાં કુઝદારમાં આ બીજો મોટો આતંકવાદી હુમલો છે, જે આ પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સતત થઈ રહેલા હુમલાઓએ સામાન્ય નાગરિકોની સલામતી જોખમમાં મૂકી છે. આ ઘટના બાદ, સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ હુમલાખોરોની ઓળખ કરીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં વધુ એક મોટા જંગના એંધાણ! ઇઝરાયલી સેના ઈરાનના પરમાણુ સ્થળો પર મોટા હુમલાની તૈયારીમાં