પાકિસ્તાનમાં તાલિબાનનો આતંક! 10 પોલીસકર્મીઓને ઉતાર્યા મોતને ઘાટ
- પાકિસ્તાનમાં તાલિબાનનો હુમલો
- 10 પોલીસકર્મીને ઉતાર્યા મોતને ઘાટ, 7 ઘાયલ
- તાલિબાનના હુમલામાં સતત વધારો: પાકિસ્તાનમાં ભયનો માહોલ
Pakistan News : પાકિસ્તાનમાં તાલિબાનની હિંસા વધુને વધુ ગંભીર બની રહી છે. તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા પોલીસકર્મીઓ પર વધુ એક હુમલો કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનની સરહદ નજીક ફરજ બજાવતા 10 પોલીસકર્મીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જ્યારે 7 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં એક ચેકપોસ્ટ પર થયો હતો. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે, અને પાકિસ્તાનની સુરક્ષા માટે ગંભીર સવાલો ઉભા થયા છે.
સુરક્ષા દળો પર આતંકવાદી હુમલામાં સતત વધારો
હમણાં જ પાકિસ્તાની તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઘાતક હુમલા બાદ, એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ લગભગ 1 કલાક સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો. હુમલામાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીના 10 જવાન શહીદ થયા, જ્યારે અન્ય 7ને ગંભીર ઇજા પહોંચી છે. જણાવાયું છે કે, 20 થી 25 જેટલા આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો, જે પાકિસ્તાનમાં સુરક્ષા દળોને ટાર્ગેટ કરવાનો સતત ભાગ છે. આ પ્રકારના હુમલાઓમાં સતત વધારો 2021થી જોવા મળી રહ્યો છે, તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરીથી સત્તામાં આવ્યું હતું.
પહેલા પણ થયેલા હુમલાઓનું પુનરાવર્તન
આ ઘટનાની સાથે જ પાકિસ્તાનમાં વધતા આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. અગાઉ 2023ના ઓગસ્ટમાં પંજાબ પ્રાંતમાં પણ જબરદસ્ત હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ રોકેટ વડે પોલીસ ટીમને નિશાન બનાવી હતી. આ હુમલામાં 11 પોલીસકર્મીઓના જીવ ગયા હતા અને ઘણા પોલીસકર્મીઓને બંધક પણ બનાવવામાં આવ્યા હતા. આ હુમલાના સમયે પોલીસ વાહન કાદવમાં ફસાઈ જતાં આતંકવાદીઓએ તેનો લાભ લીધો હતો. આવા હુમલાઓમાં, આતંકવાદીઓ વધુને વધુ પોલીસ અને સુરક્ષા દળોને ટાર્ગેટ કરે છે, અને અનેક પોલીસકર્મીઓના જીવ ગયા છે.
પાકિસ્તાનમાં સુરક્ષા માટે ચિંતાનો વિષય
આ પ્રકારના કૃત્યો પાકિસ્તાનના સુરક્ષા પ્રબંધોને ગંભીર રીતે પડકારે છે. કરાચી અને પેશાવરના મોટા શહેરોમાં પણ આતંકવાદીઓએ પોલીસ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે, જે સપષ્ટ રીતે બતાવે છે કે તાલિબાન સમૂહ પાકિસ્તાનમાં પોતાની મજબૂતી વધારી રહ્યો છે. પાકિસ્તાન સરકાર અને સુરક્ષા દળો હવે એવા ઉકેલો શોધી રહ્યા છે કે આતંકવાદને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
આ પણ વાંચો: ફિલિપાઈન્સમાં ચોતરફ તબાહી, તોફાનના કારણે ઓછામાં ઓછા 26 લોકોના મોત


