PM Modi in Maldives : રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ
- માલદીવ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું
- રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ ખુદ ઉપસ્થિત રહીને વડાપ્રધાન મોદીને આવકાર્યા
- રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ મોટી સંખ્યામાં પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા
PM Modi in Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની સફળ યાત્રા પૂર્ણ કરીને માલદીવ પહોંચ્યા. માલદીવમાં એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદી (PM Modi) નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ (Mohammed Muizzu) એ ખુદ વડાપ્રધાન મોદીને એરપોર્ટ પર આવકાર્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિ ઉપરાંત એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને આવકારવા માટે માલદીવના વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, નાણાં પ્રધાન અને ગૃહ સુરક્ષા પ્રધાન શમીહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
માલદીવના સૂર બદલાયા
માલદીવની મુલાકાતે પહોંચેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માલે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ પોતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ માલદીવની વિદેશ નીતિ ભારત વિરુદ્ધ હોવાનું જણાતું હતું. ખુદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ જ ઈન્ડિયા આઉટ (India Out)નો રાગ આલાપ્યો હતો. મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા પછી તેમની નીતિ ચીન તરફી હતી. જો કે માલદીવના 60 મા સ્વાતંત્ર્ય સમારોહમાં વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ આપીને માલદીવના રાષ્ટ્રપતિ હવે પોતાની વિદેશ નીતિમાં પરિવર્તન લાવવા માંગતા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જાન્યુઆરી 2024 માં, માલદીવના કેટલાક મંત્રીઓએ વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાત અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જેના પછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા. ભારતમાં 'માલદીવનો બહિષ્કાર' કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય સમારોહમાં બનશે મુખ્ય અતિથિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઈટેડ કિંગડમની સફળ રાજદ્વારી મુલાકાત પછી માલદીવના પ્રવાસે છે. મોદીની આ મુલાકાત ભારત અને આ માલદીવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારીતાની નવી શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુના આમંત્રણ પર 25 થી 26 જુલાઈ સુધી માલદીવનો પ્રવાસ કરશે. તેઓ મુખ્ય અતિથિ તરીકે માલદીવની રાજધાની માલેમાં આયોજિત 60મા સ્વતંત્રતા દિવસ સમારોહ (60th Independence Day) માં પણ હાજરી આપશે.
આ પણ વાંચોઃ PM Modi in Maldives : બ્રિટનની સફળ યાત્રા બાદ વડાપ્રધાન મોદી માલદીવના પ્રવાસે, ખાસ બની રહેશે માલદીવ પ્રવાસ