PM Modi બ્રિક્સ સમિટ બાદ બ્રાઝિલિયા શહેર પહોંચ્યા, સંરક્ષણ મંત્રી મુસિયોએ કર્યુ સ્વાગત
- બ્રિક્સ સમિટ બાદ વડાપ્રધાન મોદી બ્રાઝિલિયા પહોંચ્યા
- સંરક્ષણ મંત્રી જોસ મુસિયોએ વડાપ્રધાનનું કર્યુ ઉષ્માસભર સ્વાગત
- હું રાષ્ટ્રપતિ લુલા સાથે ભારત-બ્રાઝિલ સંબંધો પર વિગતવાર ચર્ચા કરીશ - PM મોદી
Brasilia : બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા હતા. એરપોર્ટ પર બ્રાઝિલના સંરક્ષણ મંત્રી જોસ મુસિયો મોન્ટેરો ફિલ્હો (Defence Minister Jose Mucio) દ્વારા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન સમક્ષ પરંપરાગત બ્રાઝિલિયન સામ્બા રેગે નૃત્ય (Samba Dance) રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને નૃત્યકારોની પ્રશંસા પણ કરી હતી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા (President Lula) ના આમંત્રણ પર થઈ રહી છે.
ભારત-બ્રાઝિલની મજબૂત ભાગીદારીમાં નવા કદમ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર (X) પર એક પોસ્ટમાં કહ્યું, ભારત-બ્રાઝિલની મજબૂત ભાગીદારીમાં નવા કદમ. PM નરેન્દ્ર મોદી બ્રાઝિલની રાજ્ય મુલાકાત માટે બ્રાઝિલિયા પહોંચ્યા. એરપોર્ટ પર બ્રાઝિલના સંરક્ષણ પ્રધાન જોસ મુસિયો મોન્ટેરો ફિલ્હો (Defence Minister Jose Mucio) દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પરંપરાગત બ્રાઝિલિયન સામ્બા રેગે પ્રદર્શને સ્વાગતને વધુ યાદગાર બનાવ્યું. વડાપ્રધાન હોટલ પહોંચ્યા ત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
#WATCH | Brazil | Prime Minister Narendra Modi witnesses a spiritual performance as he arrives at a hotel in Brasilia.
(Source: ANI/DD) pic.twitter.com/mwLgn9xmM9
— ANI (@ANI) July 7, 2025
રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો
PM મોદી રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જેમાં વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધો સહિત પરસ્પર હિતના ક્ષેત્રોમાં ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવા પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વાટાઘાટો બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. પીએમ મોદીએ રિયો ડી જાનેરોની તેમની મુલાકાતને મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું કે, બ્રિક્સ સમિટમાં વિશ્વ નેતાઓ સાથે વ્યાપક ચર્ચા થઈ હતી.
બ્રિક્સ સમિટની ફળશ્રુતિ
વડાપ્રધાન મોદીએ 'X' પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ બ્રિક્સ સમિટમાં હાજરી આપતા અને વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે, મારી રિયોની મુલાકાત ખૂબ જ મહત્વની અને સફળ રહી. બ્રિક્સ સમિટમાં અમારી વ્યાપક ચર્ચા થઈ. હું રાષ્ટ્રપતિ લુલા અને બ્રાઝિલ સરકારને તેમના બ્રિક્સ પ્રમુખપદ દરમિયાન આ પ્લેટફોર્મને વધુ અસરકારક બનાવવા બદલ અભિનંદન આપું છું. વિશ્વ નેતાઓ સાથેની મારી દ્વિપક્ષીય બેઠકો વિવિધ દેશો સાથે ભારતની મિત્રતાને પ્રોત્સાહન આપશે. તેમણે આગળ લખ્યું કે, હવે હું બ્રાઝિલિયાની રાજ્ય મુલાકાત માટે જઈ રહ્યો છું. હું રાષ્ટ્રપતિ લુલા સાથે ભારત-બ્રાઝિલ સંબંધોના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરીશ.
આ પણ વાંચોઃ બ્રિક્સના ઘોષણાપત્રથી લાલ પીળા થયા ટ્રમ્પ! ખુલ્લેઆમ આપી દીધી આ ધમકી


