બડાઈની બબાલમાં બાળકોની બલિ...ગાઝા યુદ્ધમાં 18 મહિનામાં 17000 બાળકોનું થયું મૃત્યુ
- UNRWAના વડા ફિલિપ લાઝારિનીએ બાળકોના મૃત્યુની ઘટનાને માનવતા પર ડાઘ સમાન ગણાવી
- ગાઝા દુર્ઘટનામાં દરરોજ ઓછામાં ઓછા 100 બાળકો માર્યા જાય છે અથવા ઘાયલ થાય છે-યુએન
- 7 ઓક્ટોબર 2023(છેલ્લા 18 મહિના)થી ચાલતા યુદ્ધે 17000 બાળકોનો ભોગ લીધો-પેલેસ્ટાઈન
Gaza War: ઈઝરાયલ-હમાસ યુદ્ધ સંદર્ભે પેલેસ્ટાઈનના સરકારી વિભાગનો એક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ જાહેર થતા જ અરેરાટી વ્યાપી ગઈ છે કારણ કે આ રિપોર્ટમાં 7 ઓક્ટોબર 2023(છેલ્લા 18 મહિના)થી ચાલતા યુદ્ધે 17000 બાળકોનો ભોગ લીધા હોવાનો ઉલ્લેખ છે. આ માહિતીથી દરેકનું કાળજુ કંપી ગયું છે મૃતક બાળકો તરફ સૌ કોઈ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. યુદ્ધ વિરામ બાદ 18 માર્ચે ફરી શરૂ થયેલા ગાઝા યુદ્ધમાં ઈઝરાયલનો રાક્ષસી ચહેરો જાહેર થઈ ગયો છે. યુએનના એક અહેવાલ અનુસાર ગાઝા દુર્ઘટનામાં દરરોજ ઓછામાં ઓછા 100 બાળકો માર્યા જાય છે અથવા ઘાયલ થાય છે.
નિર્દોષ બાળપણ રોંદાયું
ગાઝા યુદ્ધની કપરી પરિસ્થિતિમાં નિર્દોષ બાળપણ રાખમાં ફેરવાઈ રહ્યું છે. અહીં ચાલી રહેલી હિંસા અને વિનાશને લીધે 18 માર્ચથી દરરોજ સરેરાશ 100થી વધુ બાળકો માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે યુએનના આ અહેવાલથી ચકચાર મચી ગઈ છે. UNRWAના વડા ફિલિપ લાઝારિનીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, બાળકોની હત્યા માટે કોઈ લાયક કારણ હોઈ શકે નહીં. તેમણે ગાઝામાં બાળકોના મૃત્યુની ઘટનાને માનવતા પર ડાઘ સમાન ગણાવી છે.
આ પણ વાંચોઃ બગરામ એરબેઝ પર અમેરિકાનું C-17 Cargo Plane થયું લેન્ડ....શું તાલિબાને કરી પીછેહઠ ???
શું કહે છે યુનિસેફનો ડેટા ?
ઈઝરાયલ-હમાસના યુદ્ધ પર યુનિસેફે ડેટા જાહેર કર્યો છે. જેમાં જણાવાયું હતું કે, ગયા મહિને 18 માર્ચે ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામ ભંગ થયા પછી, અત્યાર સુધીમાં 322 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરિન રસેલ કહે છે કે 2 મહિનાના યુદ્ધવિરામથી બાળકોને ઘણી રાહત મળી, પરંતુ હવે તેઓ ફરીથી ભયંકર હિંસાની ઝપેટમાં આવી ગયા છે. 18 મહિનાની યુદ્ધની આગમાં અત્યાર સુધીમાં 17000 બાળકોનો ભોગ લેવાયો છે.
ઈઝરાયલે 1100 બાળકોને બંધક બનાવ્યા
અતિશય ખૂંખાર ગણાતા હમાસે પણ યુદ્ધમાં બાળકોની સ્થિતિ સંદર્ભે સંવેદના વ્યક્ત કરી છે અને ઈઝરાયલની નીતિઓની નિંદા કરી છે. હમાસનું કહેવું છે કે, 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયેલી સેના દ્વારા આશરે 1,100 બાળકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે 39,000 બાળકોએ માતા, પિતા અથવા માતા-પિતા બંને ગુમાવ્યા છે. પેલેસ્ટિનિયનના એક સંગઠને કહ્યું છે કે, પશ્ચિમ કાંઠાના 1,200 બાળકોને ઈઝરાયલ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેઓ દરરોજ ત્રાસ, ભૂખમરો અને તબીબી અસુવિધા જેવી અમાનવીય પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તેમાં જેલમાં મૃત્યુ પામેલ 17 વર્ષીય વલીદ અહેમદનો પણ સમાવેશ થાય છે.
ગાઝા યુદ્ધમાં મૃતાંક 50000ને પાર પહોંચ્યો
ઈઝરાયલ-હમાસની આ લડાઈને કારણે, ગાઝામાં અત્યાર સુધીમાં 50,600થી વધુ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે. આમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ICC એ નવેમ્બર 2024માં યુદ્ધ અપરાધોના આરોપસર ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સામે અરેસ્ટ વોરંટ જારી કર્યુ હતું. એટલું જ નહિ ઈઝરાયલ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICC)માં નરસંહારનો કેસ પણ ચાલી રહ્યો છે.
5 એપ્રિલ એટલે પેલેસ્ટાઈનનો બાળ દિવસ
પેલેસ્ટાઈનમાં દર 5મી એપ્રિલ બાળ દિવસ તરીકે ઉજવાય છે. બાળ દિવસ નિમિત્તે પેલેસ્ટિનિયન શિક્ષણ મંત્રાલયે યુદ્ધ સંદર્ભે જણાવ્યું કે, ઓક્ટોબર 2023થી ગાઝામાં 17,000 થી વધુ બાળકો માર્યા ગયા છે.
આ પણ વાંચોઃ USA Tariffs : ટ્રમ્પના ટેરિફ વોરમાં વિશ્વભરના બજાર ધડામ, જાણો કયા કેવી છે સ્થિતિ