થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે સીમા વિવાદ વકર્યો! બંને દેશોએ તેમના રાજદૂતોને પરત બોલાવ્યા
- થાઈલેન્ડ અને કંબોડિયામાં સરહદ વિવાદ વધુ વકર્યો
- બંને દેશોએ તેમના રાજદૂતોને પરત બોલાવી લીધા
- સુરંગ વિસ્ફોટમાં 5 થાઈ સૈનિકને ઈજા થતાં વિવાદ
- ઉબોન રાચથાની પ્રાંતમાં સુરંગમાં થયો હતો વિસ્ફોટ
- કાસિયા ટ્રી લાઈન નજીક ભારે ફાયરિંગ અને તોપમારો
- કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયનો થાઈલેન્ડ પર આરોપ
- થાઈલેન્ડે પ્રાદેશિક અખંડિતતાના ઉલ્લંઘનનો દાવો
Thailand and Cambodia Border dispute : થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે, જેના કારણે બંને દેશોના રાજદ્વારી સંબંધો આજે ખરાબ થઇ ગયા છે. આ વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં બંને દેશોએ પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે. આ ઉપરાંત, વિવાદિત સરહદી વિસ્તારોમાં સૈન્ય અથડામણો, ગોળીબાર અને સુરંગ વિસ્ફોટની ઘટનાઓએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. થાઈલેન્ડના લાઈવસ્ટ્રીમ વીડિયોમાં લોકો ઘર છોડીને કોંક્રીટ બંકરોમાં આશરો લેતા જોવા મળ્યા, જ્યારે પૃષ્ઠભૂમિમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા હતા, જે આ વિવાદની તીવ્રતાને દર્શાવે છે.
અથડામણનું કેન્દ્ર?
આ તાજેતરની અથડામણ થાઈલેન્ડના સુરિન પ્રાંત અને કંબોડિયાના ઓડર મીંચે પ્રાંતની સરહદ પર આવેલા પ્રાચીન પ્રસાત તા મુએન થોમ મંદિરની આસપાસના વિવાદિત વિસ્તારમાં થઈ હતી. ગુરુવારે સવારે થાઈ અને કંબોડિયન સૈનિકો વચ્ચે ભારે ગોળીબાર અને તોપમારો થયો. બંને દેશોએ એકબીજા પર પહેલા ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો. થાઈ સૈન્યનો દાવો છે કે કંબોડિયન સૈનિકોએ પહેલા હુમલો કર્યો, જ્યારે કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમના સૈનિકો થાઈલેન્ડની આક્રમકતાના જવાબમાં પોતાની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરી રહ્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ બંને પક્ષોએ જણાવ્યું હતું કે, સરહદ વિવાદ પર અઠવાડિયાથી ચાલી રહેલા તણાવને કારણે અથડામણમાં પરિણમ્યો હતો જેમાં ઓછામાં ઓછા 2 નાગરિકો માર્યા ગયા હતા.
Reuters reports, a Thai F-16 fighter jet bombed targets in Cambodia, both sides said, as weeks of tension over a border dispute escalated into clashes that have killed at least two civilians.
— ANI (@ANI) July 24, 2025
વિવાદની શરૂઆત
આ વિવાદની શરૂઆત મે મહિનામાં થઈ, જ્યારે વિવાદિત સરહદી વિસ્તારમાં થયેલી એક અથડામણમાં એક કંબોડિયન સૈનિકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ, બુધવારે થાઈલેન્ડના ઉબોન રાચથાની પ્રાંતમાં એક સુરંગ વિસ્ફોટમાં 5 થાઈ સૈનિકો ઘાયલ થયા, જેમાંથી એકે પોતાનો પગ ગુમાવ્યો. કંબોડિયાએ દાવો કર્યો કે આ વિસ્ફોટ તેના પ્રેહ વિહાર પ્રાંતમાં થયો હતો. આ ઉપરાંત, એક અઠવાડિયા પહેલા બીજા એક સુરંગ વિસ્ફોટમાં 3 થાઈ સૈનિકો ઘાયલ થયા હતા, જેમાં 1 સૈનિકનો પગ કાપવો પડ્યો હતો. થાઈલેન્ડે આરોપ લગાવ્યો કે આ સુરંગો તાજેતરમાં જ ગોઠવવામાં આવી હતી અને તે રશિયન ડિઝાઇનની હતી, જે થાઈ સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતી નથી. આ ઘટનાઓએ બંને દેશોની સેનાઓ વચ્ચે તણાવ વધાર્યો છે.
રાજદ્વારી સંબંધો
આ વિવાદના પરિણામે થાઈલેન્ડે તેની ઉત્તરપૂર્વીય સરહદી ચોકીઓ બંધ કરી દીધી અને કંબોડિયાના રાજદૂતને દેશ છોડવાનો આદેશ આપ્યો. કંબોડિયાએ પણ જવાબી કાર્યવાહી કરતાં થાઈલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોને ન્યૂનતમ સ્તરે લાવવાની જાહેરાત કરી અને બેંગકોકમાંથી પોતાના દૂતાવાસના તમામ સ્ટાફને પાછા બોલાવ્યા. આ ઉપરાંત, કંબોડિયાએ થાઈલેન્ડથી ફળો, શાકભાજી, બળતણ અને વીજળીની આયાત પર પ્રતિબંધ મૂક્યો, જ્યારે થાઈલેન્ડે પ્રવાસીઓ અને વેપારીઓની સરહદ પારની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો. આ પરસ્પરની પ્રતિબંધાત્મક કાર્યવાહીઓએ બંને દેશોના સંબંધોને દાયકાઓના નીચલા સ્તરે લાવી દીધા છે.
વિવાદનું મૂળ: ઐતિહાસિક સરહદી મુદ્દો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ એક સદીથી વધુ જૂનો છે, જે 1907માં ફ્રેન્ચ વસાહતી શાસન દરમિયાન નકશા દ્વારા નિર્ધારિત 817 કિલોમીટરની સરહદને લઈને શરૂ થયો હતો. આ નકશામાં પ્રેહ વિહાર મંદિર કંબોડિયામાં હોવાનું દર્શાવાયું હતું, જેને 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)એ પણ માન્યતા આપી. જોકે, આસપાસના વિસ્તારોની સરહદ હજુ પણ સ્પષ્ટ નથી, જેના કારણે વારંવાર તણાવ વધે છે. તાજેતરની અથડામણો એમેરાલ્ડ ટ્રાયેન્ગલ અને તા મુએન થોમ મંદિરની આસપાસના વિસ્તારોમાં થઈ, જે બંને દેશો દ્વારા દાવો કરવામાં આવે છે.
રાજકીય અસરો અને આંતરરાષ્ટ્રીય પ્રયાસો
આ વિવાદે થાઈલેન્ડની આંતરિક રાજનીતિ પર પણ ઊંડી અસર કરી છે. થાઈ વડાપ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રા એક લીક થયેલા ફોન કોલને કારણે વિવાદમાં આવ્યા, જેમાં તેમણે કંબોડિયાના પૂર્વ નેતા હુન સેન સાથે વાતચીતમાં થાઈ સૈન્યની ટીકા કરી હતી. આના પરિણામે તેમની સરકારના એક મહત્વના ગઠબંધન ભાગીદારે સાથ છોડી દીધો, અને તેમને 1 જુલાઈએ થાઈલેન્ડની બંધારણીય અદાલતે અધિકારો સ્થગિત કરી દીધા. બીજી તરફ, કંબોડિયાએ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનો સંપર્ક કર્યો, પરંતુ થાઈલેન્ડે ICJ ની અધિકારક્ષેત્રાને નકારીને દ્વિપક્ષીય વાટાઘાટો પર ભાર મૂક્યો.
આ પણ વાંચો : ટેકઓફ બાદ રશિયામાં યાત્રી વિમાન લાપતા! 50 મુસાફરો હતા સવાર


