ટ્રમ્પ વહીવટીતંત્રની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી, અનેક શહેરોમાં દરોડા
- યુએસની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી
- 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ
- સેંકડો લોકોનો લશ્કરી વિમાન દ્વારા દેશ નિકાલ
US immigration raids : ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યાના 72 કલાકની અંદર, વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છેલ્લા 12 થી 15 કલાકમાં જ ટ્રમ્પ વહીવટીતંત્રે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ અને અટકાયત કરી છે. આ સાથે, અમેરિકન અધિકારીઓએ અમેરિકન ડ્રીમની શોધમાં યુએસ આવેલા હજારો- લાખો લોકો વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ
વ્હાઇટ હાઉસે ટ્વિટ કર્યું કે, અત્યાર સુધીમાં 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 373 લોકોને અટકાયતમાં લઈને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ICE એ કહ્યું છે કે, તેણે ટ્રમ્પ દ્વારા આપેલા આદેશ પર સામૂહિક હકાલપટ્ટીનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. ICE ના રડાર પર એવા ઇમિગ્રન્ટ્સ છે જેમને અમેરિકન કોર્ટે કોઈને કોઈ ગુના માટે સજા ફટકારી છે.
યુએસ એજન્ટોના અનેક શહેરોમાં દરોડા
યુએસ એજન્ટો વોશિંગ્ટન, ડી.સી., ફિલાડેલ્ફિયા, બોસ્ટન, એટલાન્ટા, નેવાર્ક અને મિયામી સહિત અનેક શહેરોમાં દરોડા પાડી રહ્યા છે. અમેરિકન ફેડરલ એજન્સીઓ આ સ્થળોને ગેરકાયદેસર ગુનેગારો માટે સેન્ચ્યુરી (અભયારણ્ય) માને છે. આ એવા વિસ્તારો છે, જ્યાં ગેરકાયદેસર ગુનેગારો સરળતાથી રહે છે અને તેમને રક્ષણ પણ મળે છે.
સેંકડો લોકોનો લશ્કરી વિમાન દ્વારા દેશ નિકાલ
ટ્રમ્પના પ્રેસ સેક્રેટરીએ પાછળથી X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે અને સેંકડો લોકોને લશ્કરી વિમાન દ્વારા દેશ નિકાલ કરવામાં આવ્યા છે. જોકે, તેમને ક્યાં દેશ નિકાલ કરવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે 'મેક ઇન અમેરિકા' ની કરી જાહેરાત, શું ભારતને થશે અસર ?
ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન ઓપરેશન
કેરોલિન લેવિટે કહ્યું, ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન ઓપરેશન સારી રીતે ચાલી રહ્યું છે, વાયદાઓ કરવામાં આવ્યા હતા. વચનો પાળવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ધરપકડ કરાયેલા કેટલાક લોકોના નામ અને ગુનાઓ પણ શેર કર્યા છે. આ ગુનાઓમાં બળાત્કાર, બાળકો સાથે જાતીય વર્તન અને 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકનું સતત જાતીય શોષણ સામેલ છે.
538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારોની ધરપકડ
કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારોની ધરપકડ કરી છે, જેમાં એક શંકાસ્પદ આતંકવાદી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્યો અને સગીરો સામેના જાતીય ગુનાઓના દોષિત ઠેરવવામાં આવેલા ઘણા ગુનેગારોનો સમાવેશ થાય છે.
શહેરમાં ICE દરોડા વોરંટ વિના પાડવામાં આવ્યા
ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ન્યુ જર્સી શહેરના નેવાર્કના મેયર રાસ બારાકાએ જણાવ્યું હતું કે, શહેરમાં ICE દરોડા વોરંટ વિના પાડવામાં આવ્યા હતા, અને તેના કારણે ગેરકાયદેસર રહેવાસીઓ તેમજ નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ એક સ્થાનિક સંસ્થા પર દરોડો પાડ્યો હતો. જ્યારે લોકોને ગેરકાયદેસર રીતે આતંકિત કરવામાં આવી રહ્યા હોય ત્યારે નેવાર્ક ચૂપ બેસી રહેશે નહીં.
આ પણ વાંચો : એવું શું થયું કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ છોડી રહ્યા છે નોકરી? જાણો આ ડર પાછળનું કારણ