US-China Trade War: ચીની વસ્તુઓ પર ટ્રમ્પનો 100% ટેરિફ, જિનપિંગ સાથેની મુલાકાત રદ
- ચીન પર 100 ટકા ટેરિફની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત (US-China Trade War)
- 1 નવેમ્બર 2025થી ચીનની તમામ વસ્તુઓ 100 ટકા ટેરિફ લાગુ
- રેયર અર્થ એલિમેન્ટ્સ પર ચીનનું નિયંત્રણ વધતા ભડક્યા ટ્રમ્પ
US-China Trade War : ચીન દ્વારા રેયર અર્થ એલિમેન્ટ્સની નિકાસ પર નિયંત્રણો કડક કર્યા પછી, અમેરિકાએ પણ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 નવેમ્બર, 2025થી ચીનથી આવતા સૉફ્ટવેર સહિતના તમામ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. આ પગલાની અસર વૈશ્વિક વેપાર પર જોવા મળી શકે છે.
યુએસ-ચીન વિવાદનું મૂળ શું છે?
આ વેપાર વિવાદ 9 ઑક્ટોબરના રોજ શરૂ થયો, જ્યારે ચીને રેયર અર્થ એલિમેન્ટ્સ, ટંગસ્ટન અને મોલિબ્ડેનમના વેપાર પર પોતાનું નિયંત્રણ વધાર્યું. અમેરિકાએ આ નિર્ણયને પોતાના પર સીધું દબાણ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો. રેયર અર્થ એલિમેન્ટ્સમાં 17 રાસાયણિક તત્ત્વોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર્સ અને સૈન્ય ઉપકરણો બનાવવામાં થાય છે. આ તત્ત્વોના વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 80 થી 90 ટકા જેટલો છે. 1 ડિસેમ્બર, 2025થી ચીન ઇલેક્ટ્રિક વાહનો અને ડિફેન્સ રડાર સિસ્ટમ્સમાં વપરાતા 12માંથી 5 મુખ્ય રેયર અર્થ એલિમેન્ટ્સની અમેરિકા માટે નિકાસ પર વધારાના નિયંત્રણો લાગુ કરશે.
US President Donald J. Trump announces 100% tariffs on China, in addition to any tariffs they are currently paying, and export controls on all critical software, starting November 1. pic.twitter.com/Cu1ibmVAQd
— ANI (@ANI) October 10, 2025
ટ્રમ્પનો આકરો જવાબ અને એશિયા ટૂર રદ
ચીનના આ પગલાના પગલે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે તરત જ કડક વળતો જવાબ આપવાની ચેતવણી આપી હતી અને રાત થતાં-થતાં તેને સાચી સાબિત કરી. તેમણે ચીનથી આયાત થતા તમામ ઉત્પાદનો પર અગાઉના ટેરિફ ઉપરાંત 100 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે, જેમાં હવે ચીનના સૉફ્ટવેર પણ સામેલ છે.
"શી જિનપિંગને મળવાનું કોઈ કારણ નથી"
ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની પોતાની એશિયા ટૂર દરમિયાનની મુલાકાત પણ રદ કરી દીધી છે. મીડિયાને જવાબ આપતા તેમણે કહ્યું કે, "મીટિંગ રદ નથી કરી, પરંતુ વર્તમાન વિવાદના કારણે તેને રદ જ ગણવી જોઈએ, કારણ કે મને નથી લાગતું કે હવે અમે બંને એકબીજાને મળવા ઇચ્છીશું." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચીને રેયર અર્થ એલિમેન્ટ્સની નિકાસ પર આટલો કડક પ્રતિબંધ મૂક્યા પછી તેમની પાસે શી જિનપિંગને મળવાનું કોઈ કારણ બચતું નથી. ટ્રમ્પના આ અચાનક અને આકરા પગલાથી વૈશ્વિક વેપારની સંપૂર્ણ અવધારણા બદલાઈ ગઈ છે અને દુનિયા આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે.
આ પણ વાંચો : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા વ્હાઇટહાઉસે આપી આ પ્રતિક્રિયા


