અમેરિકાના ડલ્લાસમાં પરિવારની સામે જ ભારતીય મોટેલ મેનેજરની ક્રૂર હત્યા
- Dallas માં ભારતીય મોટેલ મેનેજરની ક્રૂર હત્યા
- ટેક્સાસમાં કર્ણાટકના ચંદ્ર મૌલીની નૃશંસ હત્યા
- કર્મચારીના હુમલામાં ભારતીય મેનેજરનું શિરચ્છેદ
- ડલ્લાસની ઘટના: પરિવારની સામે જ પતિની હત્યા
Murder in Dallas : અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરમાં એક અત્યંત કરુણ અને ક્રૂર ઘટનાએ સમગ્ર ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. 10 સપ્ટેમ્બર, 2025ના રોજ, કર્ણાટકના મૂળ નિવાસી અને ડલ્લાસના એક મોટેલ મેનેજર, 50 વર્ષીય ચંદ્ર મૌલી "બોબ" નાગમલ્લાયાની તેમના જ એક કર્મચારી દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ભયાનક ઘટના તેમની પત્ની અને 18 વર્ષના પુત્રની નજર સામે બની. આ મામલામાં આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર કેપિટલ મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના માટે તેને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે.
એક મામૂલી દલીલ અને ભયાનક અંત
આ ભયાનક ઘટનાની શરૂઆત એક નાનકડી દલીલથી થઈ. પોલીસના એરેસ્ટ એફિડેવિટ અનુસાર, નાગમલ્લાયા મોટેલના એક રૂમમાં સફાઈ કરી રહેલા કર્મચારીઓ પાસે ગયા. તેમણે 37 વર્ષીય આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ અને અન્ય એક કર્મચારીને ખરાબ થઈ ગયેલા વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા માટે કહ્યું. નાગમલ્લાયાએ સીધા કોબોસ-માર્ટિનેઝને બદલે બીજા કર્મચારીને અંગ્રેજીમાં સમજાવ્યું અને તેને વાતનો અનુવાદ કરવા કહ્યું. આ વાતથી કોબોસ-માર્ટિનેઝને અપમાન લાગ્યું અને તે ગુસ્સે થઈ ગયો.
ગુસ્સામાં તેણે એક તલવાર જેવું તીક્ષ્ણ હથિયાર કાઢ્યું અને નાગમલ્લાયા પર હુમલો કર્યો. પોતાની અને પરિવારની સલામતી માટે નાગમલ્લાયા મોટેલના પાર્કિંગ લોટ તરફ ભાગ્યા, જ્યાં તેમની પત્ની અને પુત્ર હાજર હતા. પરંતુ કોબોસ-માર્ટિનેઝે તેમનો પીછો કર્યો અને જીવલેણ હુમલો કર્યો. નાગમલ્લાયાના પુત્રએ બેટ વડે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ રહ્યો.
CCTV ફૂટેજમાં ક્રૂરતાનો ખુલાસો
આ ઘટનાના CCTV ફૂટેજમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટ જોવા મળી રહી છે. ફૂટેજમાં દેખાય છે કે કોબોસ-માર્ટિનેઝે માત્ર 4 મિનિટમાં નાગમલ્લાયા પર 60થી વધુ ઘા કર્યા, જેના કારણે તેમનું માથું ધડથી અલગ થઈ ગયું. હુમલા બાદ પણ આરોપીની ક્રૂરતા અટકી નહી. તેણે કપાયેલા માથાને ફૂટબોલની જેમ લાત મારીને ફંગોળ્યું અને પછી તેને એક કચરાપેટીમાં નાખી દીધું. આ ઘટના સવારે 9:30 વાગ્યાની આસપાસ બની, અને આસપાસના રહેવાસીઓએ તરત જ પોલીસને જાણ કરી. ડલ્લાસ પોલીસ વિભાગે આરોપીને લોહીથી લથપથ કપડાં અને હથિયાર સાથે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી.
આરોપીએ નાગમલ્લાયાના ખિસ્સામાંથી તેમનો મોબાઈલ ફોન અને કી કાર્ડ પણ ચોરી લીધા હતા. આ ઘટના મોટેલના ઈસ્ટ ડલ્લાસ વિસ્તારમાં આવેલા Downtown Suites Motelમાં બની.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
મૃતક ચંદ્ર મૌલી "બોબ" નાગમલ્લાયા મૂળ કર્ણાટકના હતા અને છેલ્લા 2-3 વર્ષથી આ મોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા. તેઓ તેમના પરિવાર સાથે જ મોટેલમાં રહેતા હતા. આ ઘટનાએ ભારતીય ડાયસ્પોરામાં સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે.
બીજી તરફ, આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ ક્યુબન મૂળનો ઇમિગ્રન્ટ છે અને તેનો ગુનાહિત ઇતિહાસ છે. તે અગાઉ પણ ICE એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સની કસ્ટડીમાં હતો અને ગયા વર્ષે જ મુક્ત થયો હતો. તેના ગુનાહિત ઇતિહાસને કારણે ICE પણ આ કેસની તપાસમાં જોડાઈ છે.
ભારતીય સમુદાયમાં ગુસ્સો
આ ભયાનક ઘટનાથી ભારતીય સમુદાયમાં શોક અને ગુસ્સો ફેલાયો છે. ડલ્લાસના ભારતીય સમુદાયે નાગમલ્લાયાના પરિવાર માટે ફંડરેઝર શરૂ કર્યું છે, જેથી અંતિમ સંસ્કાર, તાત્કાલિક જીવન ખર્ચ અને પુત્રના શિક્ષણ માટે મદદ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને નાગમલ્લાયાના પરિવારને વિઝા, લોજિસ્ટિક્સ અને કાનૂની સહાય પૂરી પાડી રહ્યા છે. આ ઘટનાએ અમેરિકામાં કાર્યસ્થળની સલામતી, ઇમિગ્રન્ટ કર્મચારીઓ વચ્ચેના સંઘર્ષ અને ભારતીય ડાયસ્પોરાના રક્ષણ જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. આ ક્રૂર હત્યાએ સાબિત કર્યું છે કે ક્યારેક એક નાનકડી દલીલ પણ કેટલું ભયાનક રૂપ લઈ શકે છે.
આ પણ વાંચો : ભારતે પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા UNમાં કર્યું મતદાન, અમેરિકાનો વિરોધમાં મત


