US Flash Flood : અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ અને ભયંકર વાવાઝોડાથી વિનાશ વેરાયો, મૃતાંક 50ને પાર
- માત્ર 45 મિનિટમાં જ ગુઆડાલુપ નદીનું જળસ્તર અચાનક જ 26 ફૂટ જેટલું વધી ગયું હતું
- આ વિનાશક પૂરના કારણે નવ બાળકો સહિત મૃતાંક 50ને પાર થયો છે
- અત્યાર સુધી લગભગ 800થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે
US Flash Flood : અમેરિકાના ટેક્સાસમાં હિલ કાઉન્ટી વિસ્તારમાં 4થી જુલાઈએ ખાબકેલા ભારે વરસાદથી હાહાકાર મચી ગયો છે. આ વિનાશક પૂરના કારણે નવ બાળકો સહિત મૃતાંક 50ને પાર થયો છે. આ તબાહીમાંથી લગભગ 800થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ગુઆડાલુપ નદી (Guadalupe River) ના કિનારે સ્થિત ખ્રિસ્તી સમર કેમ્પ (Christian summer camp) ની 27 છોકરીઓ હજૂ પણ ગુમ છે. આ કુદરતી આપદામાં લાપતા લોકોને બચાવવા માટે રેસ્કયૂ ટીમો બોટ અને હેલિકોપ્ટરની મદદથી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
લગભગ 800થી વધુ લોકોનું રેસ્ક્યૂ
ટેક્સાસમાં હિલ કાઉન્ટી વિસ્તારમાં ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો છે. ભારે વરસાદને લીધે માત્ર 45 મિનિટમાં જ ગુઆડાલુપ નદીનું જળસ્તર અચાનક જ 26 ફૂટ જેટલું વધી ગયું હતું. જેના પરિણામે ઘરો અને વાહનો તણાઈ ગયા હતા. ટેક્સાસ ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના પ્રમુખે પસાર થઈ રહેલા સમયને મહત્વનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જેમ જેમ કલાકો પસાર થાય છે તેમ તેમ લાપતા લોકોને શોધવાની શક્યતા ઓછી થતી જાય છે. કેર કાઉન્ટીના શેરિફે જણાવ્યું હતું કે, અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસરે સાન એન્ટોનિયો (San Antonio)ની ઉત્તરે પિકનિક માટે 750 છોકરીઓએ કેમ્પ કર્યો હતો. જો કે ભારે વરસાદે સર્જેલા પૂરને કારણે બધું જ ખેદાન મેદાન થઈ ગયું હતું. વહીવટીતંત્રની સેંકડો ટીમો રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. આ કુદરતી કહેરમાંથી અત્યાર સુધી લગભગ 800થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Surat Rain: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
નદીનું જળસ્તર 26 ફૂટ વધી ગયું
ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં ગણતરીના કલાકોમાં જ લગભગ 1.8 ટ્રિલિયન ગેલન પાણી વરસ્યું હતું. કેર કાઉન્ટી પંથકમાં સ્થાનિક હવામાન વિભાગે 8 ઈંચ વરસાદની આગાહી કરી હતી. જેના બદલે 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. આ ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધી ગયું.
પરિસ્થિતિ અત્યંત વિકટ
હવામાનશાસ્ત્રી બોબ ફોગાર્ટી (Bob Fogarty) એ જણાવ્યું હતું કે, પાણીનું સ્તર એટલી ઝડપે વધ્યું કે લોકોને કંઈ વિચારવાનો સમય જ ન મળ્યો. કાઉન્ટી જજ રોબ કેલી (Rob Kelly) એ જણાવ્યું કે, અનેક મૃતદેહો મળી આવ્યા છે પરંતુ તેમની ઓળખ હજુ થઈ શકી નથી.અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ પરિસ્થિતિ અત્યંત વિકટ છે.
આ પણ વાંચોઃ PM Narendra Modi એ દલાઈ લામાને 90મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી