US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્પષ્ટ સંકેત, જરૂર પડશે તો અમે ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી બોમ્બ ફેંકીશું
- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્પષ્ટ સંકેત
- જરૂર પડશે તો અમે ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી બોમ્બ ફેંકીશું : ટ્રમ્પ
- ટ્રમ્પના ઈરાન પર હુમલા અંગેના નિવેદનથી ચર્ચા તીવ્ર બની
US President Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે હવે દુનિયાભરમાં અલગ-અલગ ચર્ચાઓ થવા લાગી છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે તેઓ પોતે એક દેશ પર હુમલો કર્યા બાદ પોતાને નોબલ પુરસ્કાર મળવાની આશા રાખતા હોય. સમજણનો અભાવ કે પછી તેઓ જાણી જોઇને આવું કરી રહ્યા છે, તે તો હવે આવનારા સમયમાં સ્પષ્ટ થઇ જશે પરંતું જે રીતે ઈરાન-ઈઝરાયેલને લઇને તેમના એક પછી એક નિવેદનો સામે આવી રહ્યા છે તે તો કઇંક એવું જ કહી રહ્યા છે કે ક્યારે શું બોલવું તેની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમજ નથી. તાજેતરમાં તેમનું ઈરાનને લઇને એક આવું જ નિવેદન સામે આવ્યું છે જેણે ફરી ટ્રમ્પમાં સમજણનો અભાવ હોય તેવું ફલીત કર્યું છે. આવો આ આર્ટિકલ દ્વારા જાણીએ તેમણે શું કહ્યું.
કોંગ્રેસની મંજૂરી વિના હુમલાનો વિવાદ
જણાવી દઇએ કે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો, જેના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે. આ મુદ્દે યુએસ સેનેટમાં ગરમાગરમ ચર્ચા થઈ, જેમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પની લશ્કરી કાર્યવાહી પર અંકુશ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે શુક્રવારે નિષ્ફળ ગયો. જણાવી દઇએ કે, ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા બાદ ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિની યુદ્ધ શક્તિઓ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વર્જિનિયાના સેનેટર ટિમ કેન દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ટ્રમ્પે ઈરાન સામે કોઈપણ વધુ લશ્કરી કાર્યવાહી પહેલાં કોંગ્રેસની મંજૂરી લેવી જોઈએ. જોકે, રિપબ્લિકન પાર્ટીએ આ ઠરાવનો સખત વિરોધ કર્યો, જેના કારણે તે પસાર થઈ શક્યો નહીં. આ ઘટનાએ ટ્રમ્પના નિર્ણયો પર રાજકીય ગતિવિધિઓને વેગ આપ્યો છે.
ટ્રમ્પનું નિવેદન અને રિપબ્લિકનોનું સમર્થન
શુક્રવારે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં ઈરાનના પરમાણુ સ્થળો પર ફરીથી હુમલો કરશે, તો તેમણે નિશ્ચિતપણે જવાબ આપ્યો, "હા, ચોક્કસ, કોઈ શંકા વિના." ટ્રમ્પના આ નિવેદનથી સેનેટમાં ચર્ચા વધુ તીવ્ર બની. રિપબ્લિકન પાર્ટી, જેની પાસે સેનેટમાં 53-47ની બહુમતી છે, તેઓ ઈરાન પર હુમલો કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉભા છે. રિપબ્લિકન સેનેટર્સનું માનવું છે કે ઈરાન એક ગંભીર ખતરો છે, અને ટ્રમ્પના ગયા અઠવાડિયે 3 પરમાણુ સ્થળો પર કરેલા હુમલા નિર્ણાયક અને જરૂરી હતા. તેમણે ટ્રમ્પના કોંગ્રેસની મંજૂરી વિના લીધેલા આ પગલાને પણ યોગ્ય ગણાવ્યું.
રાજકીય ખેંચતાણ અને ભાવિ સંભાવનાઓ
આ ઘટનાએ અમેરિકન રાજકારણમાં ઊંડી અસર કરી છે. ડેમોક્રેટ્સનો ઠરાવ ભલે નિષ્ફળ ગયો હોય, પરંતુ આ મુદ્દો લાંબા સમય સુધી ચર્ચામાં રહેવાની શક્યતા છે. ટ્રમ્પની આક્રમક નીતિઓ અને ઈરાન સામેની તેમની લશ્કરી રણનીતિએ વૈશ્વિક સ્તરે પણ ચિંતા ઉભી કરી છે. સેનેટમાં રિપબ્લિકનોની બહુમતી હોવા છતાં, ડેમોક્રેટ્સ ભવિષ્યમાં ફરીથી આવા ઠરાવ રજૂ કરી શકે છે, જેનો હેતુ રાષ્ટ્રપતિની લશ્કરી શક્તિઓને નિયંત્રિત કરવાનો રહેશે. હાલમાં, આ ઘટનાએ ઈરાન-અમેરિકા સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવ્યા છે, અને તેની અસર આગામી દિવસોમાં વૈશ્વિક રાજકારણ પર પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : ભાન ભૂલ્યા US President Trump! ઈરાન હુમલાની તુલના હિરોશિમા સાથે કરી, જાણો શું છે તેમનો તર્ક


