અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા પરથી તમામ પ્રતિબંધો હટાવ્યા
- અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફરી ચોંકાવનારો નિર્ણય
- સીરિયા પરના તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાની જાહેરાત
- પ્રતિબંધ લાદવાનો અમારો હેતુ પૂર્ણ થયો છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
- રાષ્ટ્રપતિ અલ-શરા સાથે ડોનાલ્ડ ટ્રમ્પ કરશે મુલાકાત
Donald Trump Shocking Decision : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મેદાનમાં ચોંકાવનારો નિર્ણય લીધો છે, જ્યાં તેમણે સીરિયા (Syria) પરના તમામ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ (Trump) ના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિબંધો લાદવાનો જે મૂળ હેતુ હતો તે હવે પૂર્ણ થઈ ગયો છે અને હવે શાંતિ અને નવો સંવાદ સ્થાપવાનો સમય આવી ગયો છે.
ટ્રમ્પ સીરિયાના નવા રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
અમેરિકાએ સીરિયા પરના તમામ પ્રતિબંધો હટાવી લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે, 14 મે, 2025ના રોજ સાઉદી અરેબિયામાં સીરિયાના નવા રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાને મળવાના છે, જેમણે ગયા વર્ષે બશર અલ-અસદના શાસનનો અંત આણ્યો હતો. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે આ મુલાકાત સીરિયા સાથે સંબંધોને સામાન્ય બનાવવા અને મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવાના પ્રયાસોનો એક ભાગ છે, જે દાયકાઓ બાદ બંને દેશો વચ્ચેની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક ગણાશે.
અમેરિકા-સીરિયા સંબંધોમાં નવો અધ્યાય
અમેરિકા અને સીરિયા વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે, કારણ કે ડિસેમ્બર 2024માં સત્તા સંભાળનાર સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા સાથે સહકાર કેવી રીતે વધારવો તે અંગે અમેરિકા ગંભીરતાથી વિચારણા કરી રહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, વોશિંગ્ટન છોડતા પહેલા, સીરિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પગલું સીરિયાને “નવી શરૂઆત” આપવા માટે છે. આ નિર્ણયમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની વિનંતીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ પગલું મધ્ય પૂર્વના રાજકીય ગતિશીલતામાં મોટો ફેરફાર લાવી શકે છે, જેની શરૂઆત ટ્રમ્પ અને અલ-શારા વચ્ચેની આજની બેઠકથી થઈ રહી છે.
US એ સીરિયાના નવા રાષ્ટ્રપતિને ગણાવ્યા હતા આતંકવાદી
આ જાહેરાત સાથે જ ટ્રમ્પે સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શરાની સાથે આગામી મુલાકાત યોજવાની પણ જાહેરાત કરી છે. અલ-શારા, જેને એક સમયકાળે અમેરિકાએ ખતરનાક આતંકવાદી ગણાવી તેના પર 1 કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું, તે અગાઉ અલ-કાયદાની સાથે જોડાઈ ઈરાકમાં 2003માં અમેરિકાની સામે લડ્યો હતો. શરાએ સીરિયામાં બશર અલ-અસદના પરિવારના 54 વર્ષના શાસનનો અંત લાવ્યો હતો અને નવા શાસનનો દોર શરૂ કર્યો. અમેરિકાની આ ઘોષણાથી સીરિયાની રાજધાની દમિશ્કમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને ઉત્સવ મનાવ્યો હતો.
આ પણ વાંચો : 'America એ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કર્યો', ટ્રમ્પે સાઉદી અરેબિયામાં આ વાતનું પુનરાવર્તન કર્યું


