Jamnagar: જિલ્લાના તમામ કર્મચારીઓને રજાઓમાં હેડકવાર્ટર નહી છોડવા આદેશ, જાણો શું છે કારણ
- જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
- તહેવારો અને લોકમેળાને ધ્યાને લઈ નિર્ણય લેવાયો
- કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટરની સૂચના
Jamnagar: જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર કેતન ઠક્કરનો આદેશ
કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, સંભવિત ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં લઇ મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે, તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે. જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓએ કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના કોઈપણ અધિકારી કે કર્મચારીને પોતાનું હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કઈ કેડરના અધિકારીઓ અને તેના વિભાગને સ્પષ્ટ સુચના?
આ સૂચનાઓનો કડક અમલ કરવા માટે, સર્વે પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સર્વે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, જેટકો, પી.જી.વી.સી.એલ., નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), જી.એસ.આર.ટી.સી., માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય, પંચાયત તથા વિદ્યુત), સિંચાઈ વિભાગ, ઉંડ જળ સિંચન વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ (રાજ્ય), એન.એચ.એ.આઈ., ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ખાણ ખનીજ વિભાગ, આયોજન કચેરી, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, વાસ્મો, આરોગ્ય વિભાગ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જી.જી. હોસ્પિટલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે.સાથે જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જામનગરના સંકલનમાં રહીને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.
કેમ કરવામાં આવ્યા આદેશ ?
ભારે વરસાદ અને લોકમેળા સહિતના આયોજનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી જિલ્લા પ્રસાસન દ્વારા અગમચેતીના ભાગ રૂપે રજાઓ રદ કરી કર્મચારીઓએને હેડ કવાટર નહિ છોડવા આદેશ કરવમાં આવ્યો છે. ભૂતકાળમાં કુદરતી આફતો સમયે અધિકારીઓ અને કર્મચારીઓની રજાને લઈને અનેક ઉણપો સામે આવી હતી જેને લઈને અગાઉથી જ તાકીદ કરી કલેકટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
અહેવાલ: નાથુ રામદા, જામનગર
આ પણ વાંચો: Jamnagar : Reliance કંપનીમાં સ્ક્રેપ વેપાર કરતી પેઢીએ વે બ્રીઝના કર્મીઓ સાથે મળી 1 કરોડની છેતરપીંડી આચરી


