Jamnagar : લા પિનોઝ પિઝામાં જીવાત મળી આવી, રેસ્ટોરન્ટ સીલ
- વધુ એક પિઝા સેન્ટરના પિઝામાં જીવાત નીકળી
- લા પિનોઝ પિઝા સેન્ટરમાં જોવા મળી જીવાત અને મૃત મચ્છર
- ગ્રાહક દ્વારા ફૂડ શાખામાં કરવામાં આવી ઓનલાઇન ફરિયાદ
- મહાનગરપાલિકાની ટિમ પહોંચી લા પિનોઝ પીત્ઝાએ સેન્ટર
- ફૂડ શાખા દ્વારા હાથ ધરવામાં આવી ચેકીંગ કાર્યવાહી
- ગંદગી અને અનહાઈજેનીક કન્ડિશન સામેં આવી
- ટીમના ચેકીંગ બાદ ફૂડ શાખાએ રેસ્ટોરન્ટ કર્યું સીલ
Jamnagar : જામનગરના રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી નજીક આવેલા લા પિનોઝ પિઝા (Pizza) સેન્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ગ્રાહકને પિઝામાંથી જીવાત અને મૃત મચ્છર મળી આવ્યા, જેના કારણે આ મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગ્રાહકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના પગલે મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને પિઝા સેન્ટર (Pizza Center) ની તપાસ કરી. તપાસ દરમિયાન અસ્વચ્છ અને અનહાઈજેનિક પરિસ્થિતિઓ જોવા મળતાં, મહાનગરપાલિકાએ આ રેસ્ટોરન્ટને અચોક્કસ મુદત માટે સીલ કરી દીધું.
મહાનગરપાલિકાની ઝડપી કાર્યવાહી
ગ્રાહકની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ તાત્કાલિક લા પિનોઝ પિઝા સેન્ટર (Pizza Center) પર પહોંચી. ફૂડ શાખાના અધિકારીઓ નીલેશ પી. ઝાસોલીયા અને દશરથભાઈ આસોડિયાની આગેવાની હેઠળ ટીમે રેસ્ટોરન્ટની વ્યાપક તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન રસોડામાં ગંદકી, અનહાઈજેનિક પરિસ્થિતિઓ અને ફ્રિજમાં પણ મચ્છરો જોવા મળ્યા. આવી ગંભીર ખામીઓને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ રેસ્ટોરન્ટને સીલ કરવાનો આદેશ આપ્યો. ઉપરાંત, રેસ્ટોરન્ટને સ્વચ્છતા અને હાઈજેનિક ધોરણોનું પાલન કરવા સૂચના આપવામાં આવી, અને જ્યાં સુધી આ ધોરણો પૂર્ણ ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો.
જામનગરમાં ફૂડ સેફ્ટીનો ચોંકાવનારો ઈતિહાસ
આ ઘટના જામનગરમાં ફૂડ સેફ્ટીને લગતી પ્રથમ ઘટના નથી. અગાઉ 2023માં, જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા યુએસ પિઝા ફ્રેન્ચાઈઝીમાં પણ એક ગ્રાહકને પિઝા (Pizza) માં જીવાત મળી હતી. આ ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ કરી હતી અને અનહાઈજેનિક પરિસ્થિતિઓ જોતાં રેસ્ટોરન્ટને 5 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રેસ્ટોરન્ટને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ અને પીવાના પાણીની ગુણવત્તાનો રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું હતું. આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે જામનગરમાં ફૂડ સેફ્ટી એક ગંભીર મુદ્દો બની રહ્યો છે.
આ પણ વાંચો : Video: અમદાવાદમાં ગુલાબજામુન બાદ હવે ઠંડા પીણામાં જોવા મળી જીવાત, ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ