Jamnagar માં યોજાઈ અનોખી લાડું આરોગવાની સ્પર્ધા, જાણો કોણે બાજી મારી
- Jamnagar માં યોજાઈ અનોખી લાડું આરોગવાની સ્પર્ધા
- બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા યોજવામાં આવી સ્પર્ધા
- છેલ્લા 17 વર્ષથી સ્પર્ધા કરવામાં આવે છે આયોજન
- 11 મહિલા 18 બાળકો 30 પુરુષોએ સ્પર્ધામાં ભાગ લીધો
- 100 ગ્રામ વજનનો એક લાડું બનાવવામાં આવ્યો
- આ સ્પર્ધામા 15 મિનિટ જેટલો સમય રાખવામાં આવ્યો
- પુરુષોમાં 9 લાડું ખાઈને નાનજીભાઈ મકવાણા પ્રથમ નંબર
- સ્ત્રીઓમાં 7 લાડું ખાઈને પદમીબેન ગજેરા પ્રથમ નંબર
Laddu Eating Competition in Jamnagar : જામનગર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા અનોખી લાડું આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ખાસ વાત એ છે કે આ સ્પર્ધાનું આયોજન સતત 17મા વર્ષે કરવામાં આવ્યું છે. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાતા વાતાવરણ જીવંત અને ઉત્સાહી બની ગયું હતું.
દરેક ઉંમરના લોકોએ લીધો ઉત્સાહભેર ભાગ
આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં જામનગર શહેર (Jamnagar City) અને જિલ્લાની સાથે ખંભાળિયા, પોરબંદર અને રાજકોટમાંથી કુલ 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળકો, મહિલાઓ અને પુરુષો એમ 3 અલગ અલગ વિભાગોમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધકને ખાસ તૈયાર કરાયેલ 100 ગ્રામ વજનનો લાડુ આપવામાં આવ્યો હતો. લાડુ ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘી વડે બનાવવામાં આવ્યો હતો, જેથી તેનો સ્વાદ પરંપરાગત અને આરોગ્યદાયક બને. લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી જેથી સ્પર્ધકોને આરામદાયક અનુભવ મળે. આ રસપ્રદ સ્પર્ધામાં દરેક સ્પર્ધકને લાડુ ખાવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોણ વધુમાં વધુ લાડુ આરોગી શકે તે જોવા સૌની ઉત્સુકતા વધી ગઈ હતી. બાળકો થી લઈ વૃદ્ધો સુધી દરેકે પોતાના બેસ્ટ પ્રયત્નો કર્યા.
Jamnagar ની આ સ્પર્ધામાં કોણ બન્યું વિજેતા?
બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચાએ 4 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું. બીજા સ્થાને રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા ત્રણ લાડુ સાથે બીજા સ્થાને આવ્યા, જ્યારે ત્રીજા સ્થાને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે વિજેતા બન્યા. મહિલાઓના વિભાગની જો વાત કરીએ તો પદ્મિનીબેન ગજેરાએ 7 લાડુ આરોગીને પ્રથમ ક્રમ મેળવ્યો. બીજા ક્રમે પ્રેમિલાબહેન વોરા સાડા છ લાડુ સાથે આવ્યા અને ત્રીજા સ્થાને જાગૃતીબહેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે પહોંચ્યા. બીજી તરફ પુરુષોમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણાએ 9 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું. જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડે 8 લાડુ સાથે બીજું સ્થાન મેળવ્યું જ્યારે શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ 6 લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા.
પુરસ્કાર વિતરણ અને સમારોહ
પ્રત્યેક વિભાગના પ્રથમ 3 વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દવે તથા તેમની સમગ્ર ટીમે આયોજન માટે મહેનત કરી હતી. આ રીતે ગણેશોત્સવના પવિત્ર દિવસે જામનગરમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધાએ સમાજમાં એકતા, આનંદ અને પરંપરા પ્રત્યેનો ભાવ વધુ મજબૂત કર્યો હતો.
આ પણ વાંચો : Ganesh Chaturthi : સુરત પો. હેડ ક્વાર્ટરમાં શ્રીજી બિરાજમાન, જામનગરમાં વિદ્યાર્થીઓની અનોખી ઉજવણી


