Jamnagar જિલ્લા ઉપર મેઘરાજાના રિસામણા, સરેરાશ માત્ર 17 ઇંચ વરસાદ
- સૌથી વધુ 28 ઇંચથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં
- સૌથી ઓછો 12 ઇંચ વરસાદ ધ્રોલ તાલુકામથકે
- Jamnagar માં ચોમાસાની પેટર્ન બદલાતા વરસાદના પ્રમાણમાં ફેરફાર?
Jamnagar: આ વખતે મેઘરાજા રિસાઈ ગયા હોય તેમ જામનગર જિલ્લામાં રિસામણા છોડતા જ નથી. આ વર્ષે ચોમાસુ પૂર્ણતાના આરે છે ત્યારે જિલ્લામાં સરેરાસ માત્ર 17 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં 28 ઇંચ જ્યારે સૌથી ઓછો વરસાદ ધ્રોલમાં 12 ઇંચ પડ્યો છે. મેઘરાજાના રિસામણાને લઈને ખરીફ પાક પર સંકટ આવી પડતા ખેડૂતોએ હાલ સિંચાઈ દ્વારા પાણી શરૂ કરી દીધા છે. જિલ્લામાં ચોમાસાની હાલકડોલક સ્થિતિને લઈને વિદ્વાનો પણ માથું ધુણાવતા થયા છે કે દર વર્ષે ચોમાસું પેટર્ન બદલે છે. છેલા દસ વર્ષમાં જોડીયામાં સૌથી ઓછો વરસાદ નોંધાતો આવ્યો છે જ્યાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો છે.
કયા તાલુકામાં કેટલો વરસાદ, જિલ્લાનો સરેરાસ કેટલો વરસાદ ?
જામનગર જિલ્લામાં આ વખતે મેઘરાજા કંજૂસાઈ કરતા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. જિલ્લાના છ તાલુકામાં સમાંતર 17 ઇંચ વરસાદ નોંધાયો છે જે ગત વર્ષ કરતાં લગભગ 50% ઓછો છે. આ વખતે ચોમાસાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સરેરાશ 421 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં 705 મીમી પડ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ધ્રોલ તાલુકા મથકે 301 મીમી નોંધાયો છે.
Jamnagar શહેરમાં 350 મીમી વરસાદ નોંધાયો
Jamnagar શહેરમાં 350 મીમી નોંધાયો છે, જે એક દસકાનો સૌથી ઓછો વરસાદ છે. અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો, કાલાવડ તાલુકામાં 393 મીમી, લાલપુર તાલુકામાં 342 મીમી અને જામજોધપુર તાલુકામાં 435 મીમી વરસાદ નોંધાયો છે. જો ઇંચની વાત કરવામાં આવે તો જામનગરમાં 14 ઇંચ, જોડીયામાં 28 ઇંચ, ધ્રોલમાં 12 ઇંચ, કાલાવડમાં 16 ઇંચ લાલપુરમાં 14 ઇંચ અને જામજોધપુરમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારથી ચોમાસુ શરૂ થયું છે ત્યારથી અડધા જિલ્લામાં ઝાપટારૂપી વરસાદ નોંધાયો છે ત્યારે બાકી બચેલ સમયમાં મેઘરાજા મન મુકીને વર્ષે તેવી આસ લગાવીને ખેડૂતો બેઠા છે.
Jamnagar માં ચોમાસુ પેટર્ન બદલાઈ ?
બીજી તરફ દર વર્ષે ચોમાસું પેટર્નમાં થતા પરિવર્તનને લઈને વિદ્વાનો પણ વિસામણમાં મુકાયા છે. કારણ કે છેલ્લા દસ વર્ષની વાત કરવામાં આવે તો કાલાવડ, જામજોધપુર અને જામનગરમાં અસાધારણ વરસાદ પડતો આવ્યો છે. જો કે છેલ્લા બે ત્રણ વર્ષથી પેટર્નમાં ફેરફાર થયો છે. આ વર્ષે જોડીયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે જયારે જોડીયાના સરહદી તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ઔદ્યોગિક પ્રદુષણ અને ગ્લોબલ વોર્મીગની અસર તળે ચોમાસાની પેટર્નમાં ફેરફાર થઇ રહ્યો છે કે પછી અન્ય કારણો જવાબદાર છે એ જાણવા વિદ્વાનો અભ્યાસ કરી રહ્યા છે.
અહેવાલ: નાથુ રામદા, જામનગર
આ પણ વાંચો: Bhavnagar જિલ્લાના ખેડૂતે પ્રાકૃતિક હળદરનું મૂલ્ય વર્ધન કરી મેળવી લાખોની કમાણી